અરાવલી પર્વતમાળાને ખોદવાની સુપ્રીમ કોર્ટની મંજૂરી માત્ર એક કાનૂની નિર્ણય નથી; તે ભારતના પર્યાવરણ, માનવ અસ્તિત્વ અને આવનારી પેઢીના ભવિષ્ય સામેનો ખુલ્લો પડકાર છે. “ખોદો ડુંગર બે ચાર” જેવી દલા તરવાડીની વાર્તા આજે કથાથી હકીકત બની ગઈ છે. કેન્દ્ર સરકારના “વિકાસ”ના દબાણ સામે દેશની સર્વોચ્ચ અદાલતે પણ પ્રશ્ન પૂછ્યા વિના મંજૂરી આપી—આ જ સૌથી મોટો ખતરો છે.
અરાવલી માત્ર પથ્થરોની લાઈન નથી. તે ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત વચ્ચેનું પર્યાવરણીય કવચ છે, જે રણને આગળ વધતું અટકાવે છે, વરસાદી ચક્ર સંતુલિત રાખે છે અને ભૂગર્ભ જળને જીવંત રાખે છે. છતાં અદાલતે ૧૦૦ મીટરથી ઓછી ઊંચાઈના ડુંગરોને પર્યાવરણ માટે “અપ્રમુખ” ગણાવ્યા. પ્રશ્ન એ છે—આ વૈજ્ઞાનિક આધાર કોણે આપ્યો? કયા અભ્યાસે સાબિત કર્યું કે આવા ડુંગર રણ રોકવામાં મદદરૂપ નથી?
ક્રિટિકલ, સ્ટ્રેટેજીકલ અને એટેમિક ખનીજ—ઝીંક, સિલ્વર, કોપર, લીડ—ના નામે કુદરતનો ચીરહરણ કરવામાં આવી રહ્યો છે. શું દેશનો વિકાસ માત્ર ખનીજ ખોદવાથી જ શક્ય છે? શું વિકાસનો અર્થ એ છે કે જંગલો નાશ પામે, આદિવાસીઓ ઊજળી જાય અને આખા પ્રદેશો રણમાં ફેરવાઈ જાય?
ઈતિહાસ સાક્ષી છે કે કુદરત સાથે રમવું માનવજાતને ભારે પડ્યું છે. ૨૦૦૧નો કચ્છ ભૂકંપ—હજારો મોત. ૨૦૦૪ની સુનામી—૧૦,૦૦૦થી વધુ લોકોનો જીવ ગયો, અબજોનું નુકસાન. વિકાસના નામે કુદરતને અવગણવાનો ભાવ આજે પણ એ જ છે. ફરક એટલો છે કે આજે ચેતવણી છતાં આંખ મીંચી લેવામાં આવી રહી છે.
રાજસ્થાનમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા. બુદ્ધિજીવીઓએ અવાજ ઉઠાવ્યો. ગુજરાતમાં શાંતિ છે—ચિંતાજનક શાંતિ. અહીં પર્યાવરણ કરતાં હિન્દુ-મુસ્લિમ વિવાદ વધુ મહત્વનો બની ગયો છે. જો આજે અવાજ નહીં ઉઠે, તો કાલે પાવાગઢ, ગિરનાર અને પછી હિમાલય પણ “વિકાસ”ના નામે ખોદવામાં આવશે.
જનઆક્રોશ પછી નવેમ્બર ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટે નવા ખનન પર પ્રતિબંધ અને ઇકો-સેન્સિટિવ ઝોનની વાત કરી. પણ વાસ્તવિકતા એ છે કે રાજ્યના ખાણ વિભાગો પાસે ન સ્ટાફ છે, ન ઇચ્છાશક્તિ. રાજકીય-ઉદ્યોગપતિ દબાણ સામે કાયદો લાચાર બની જાય છે. ભ્રષ્ટાચાર વચ્ચે ગેરકાયદેસર ખનન રોકવાનું કોણ?
અત્યાર સુધી અરાવલીનો ૦.૧૯ ટકા ભાગ ખોદાઈ ચૂક્યો છે. આ શરૂઆત છે. ડુંગર ઓછા થશે તો વરસાદ ઘટશે, પવનની દિશા બદલાશે, ખેતીને સીધી અસર પડશે. જંગલ નહીં રહે તો વનવાસી નહીં રહે. આદિવાસીઓ માટે આ માત્ર પર્યાવરણનો મુદ્દો નથી—અસ્તિત્વનો પ્રશ્ન છે.
વિકાસ જો માનવતાના ભોગે હોય, તો એ વિકાસ નહીં, વિનાશ છે. ભારત શું મૌન દર્શક બની પોતાનું ભવિષ્ય જાતે જ નષ્ટ થતું જોશે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?