ગુજરાતમાં એક અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ છે. રાજ્ય સરકારના મંત્રી બચૂભાઈ ખાબડના પુત્રો ૭૧ કરોડના કૌભાંડમાં ફસાયા છે, પરંતુ સત્તા પક્ષને જાણે કોઈ શરમ કે સંકોચ જ નથી. આ નિર્લજ્જતાની હદ એટલી વધી ગઈ છે કે સરકાર પોતાની જ મંત્રીના પુત્રો સામે કાર્યવાહી કરવાનું ઢોલ પીટી બડાઇ કરે છે.
સરકાર કહે છે કે "અમે ખાતા નથી અને ખાવા દેતા નથી", પરંતુ વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. જો ખરેખર સરકાર ભ્રષ્ટાચાર સામે કડક છે, તો મંત્રીના પુત્રો કેવી રીતે આટલા મોટા કૌભાંડમાં સામેલ થયા? આ તો માત્ર હિમાલયની ટોચ સમાન છે. સત્તાના દુરુપયોગના અસંખ્ય કિસ્સાઓ રોજ બરોજ બહાર આવે છે, પરંતુ તેમાંથી માત્ર થોડાક જ સામે આવે છે.
મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા (MGNREGA) હેઠળના આ કૌભાંડની વિડંબના જુઓ. જે વિભાગના મંત્રી છે, તેમના જ પુત્રો તે યોજનામાં ભ્રષ્ટાચાર કરે છે. આ કેવી મજાક છે! ગરીબોના માટે બનેલી યોજનાના પૈસા ચોરવાની આ નિર્લજ્જતાને શું કહેવાય?
સૌથી દુઃખદાયક બાબત એ છે કે આ બધું થયા પછી પણ મંત્રી બચૂભાઈ ખાબડ પોતાના પદ પર જ બેઠા છે. તેમને કોઈ નૈતિક જવાબદારી લાગતી નથી. ઉલટાનું, તેઓ કહે છે કે તેમને સરકાર અને તપાસ એજન્સી પર ભરોસો છે. આ કેટલી હાસ્યાસ્પદ વાત છે!
કેબિનેટ મીટિંગમાં મંત્રી ગેરહાજર રહે છે, જેથી સરકારને "ફેસ" ન કરવા પડે. આ કેવી કાયરતા છે? જો ખરેખર કંઈ ખોટું નથી કર્યું, તો છુપાવાની શું જરૂર? પણ હકીકત એ છે કે સત્તા પક્ષ જાણે છે કે આ કૌભાંડ કેટલું ઊંડું છે.
પક્ષના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન વધુ હાસ્યાસ્પદ છે. તેઓ કહે છે કે "અત્યારે મંત્રીજીનું નામ નથી, જો આવશે તો વિચારીશું." આ કેવી રાજનીતિ છે? ગુનેગાર તમારા પક્ષના મંત્રીના પુત્રો છે, અને તમે કહો છો કે મંત્રીનું નામ નથી? આ ઢોંગ કેટલી વાર ચાલશે?
કોંગ્રેસ પક્ષ પણ આ મુદ્દાને અસરકારક રીતે લઈ જવામાં નિષ્ફળ રહ્યો છે. માત્ર પત્રકાર પરિષદો અને ટીવી ડિબેટમાં હોબાળો મચાવવાથી કશું થતું નથી. ગુજરાતના ખૂણે ખૂણે જઈને આ મુદ્દાને લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. પરંતુ વિપક્ષ પણ અસરકારક વિરોધ કરવામાં નિષ્ફળ છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આપણો સમાજ વિચારધારાના નામે અંધ બની ગયો છે. લોકો પોતાના પક્ષના ગુનાઓને સમર્થન આપે છે અને વિરોધી પક્ષના ગુનાઓને જ દોષિત ઠેરવે છે. આ કેવી વિકૃત માનસિકતા છે?
જ્યારે સમાજ ખોટાને સમર્થન આપે છે, ત્યારે તે સમાજ પતનના માર્ગે જ હોય છે. આજે ગુજરાતની સ્થિતિ એવી થઈ છે કે કાયદો અને ન્યાય પૈસા અને સત્તાના હાથે વેચાઈ ગયા છે. તેથી મશહૂર શાયર ક્રિષ્ણ બિહારી નૂરની એક ગઝલની પંક્તિઓ અહિં ટાંકવી યોગ્ય ગણાશે, “धनके हाथों बिके हैं सब क़ानून, अब किसी जुर्म की सज़ा ही नहीं”.
ગુજરાતમાં આજે "વાડ ઝીભડા ગળે છે" ની સ્થિતિ છે. જેઓએ પ્રજાની સંપત્તિની રક્ષા કરવાની શપથ લીધી છે, તેઓ જ તેને લૂંટી રહ્યા છે. સત્તા પક્ષને કોઈ શરમ નથી, વિપક્ષ નિષ્કંટક છે, અને સમાજ ધર્માંધતામાં આંખ બંધ કરીને બેઠો છે.
આવી પરિસ્થિતિમાં ગુજરાતનું ભવિષ્ય શું હશે? કાયદો અને ન્યાય ક્યારે પ્રવર્તશે? આ પ્રશ્નોના જવાબ સમય આપશે, પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય અને ખોટાને ખોટું કહેવાની હિંમત નહીં કરે, ત્યાં સુધી આવા કૌભાંડો ચાલુ જ રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર
ચૂંટણી પંચની અંદર 10 મહિનામાં 14 વખત વાંધા કેમ નોંધાયા?
ગુજરાત જીતવા નીકળેલી કોંગ્રેસ સામે ભાજપ નહીં, પહેલા પોતાનું જ ઘર સંભાળવાનો પડકાર!
ભારતની GDP વૃદ્ધિ 7.8 ટકા પહોંચી, પરંતુ મોંઘવારી, માથાદીઠ આવક, રોજગાર અને ખરીદશક્તિ વચ્ચે સવાલ ઊભો થયો કે આ આર્થિક વિકાસનો વાસ્તવિક લાભ સામાન્ય માણસ સુધી કેટલો પહોંચ્યો?