વડોદરાના અંકોડિયા હત્યા કેસનો ભેદ ઉકેલાયો
પ્રેમસંબંધમાં શંકા રાખી પ્રેમીએ જ વાયરથી ગળું દબાવી દિવ્યાની હત્યા કરી

વડોદરાના અંકોડિયા હત્યા કેસનો ભેદ ઉકેલાયો

વડોદરાના અંકોડિયા હત્યા કેસનો ભેદ ઉકેલાયો
Vadodara News: શહેરના અંકોડિયા વિસ્તારમાં 4 મેના રોજ મળી આવેલી યુવતીની લાશના રહસ્ય પરથી આખરે પડદો ઉંચકાયો છે. વડોદરા પોલીસે ગણતરીના કલાકોમાં તપાસનો ધમધમાટ તેજ કરી દિવ્યા પરમાર નામની યુવતીની હત્યા કરનાર તેના પ્રેમી રોહન વણકરની ધરપકડ કરી લીધી છે. અન્ય યુવક સાથે સંબંધ હોવાની શંકામાં ઉશ્કેરાયેલા પ્રેમીએ કોમ્પ્યુટર વાયર વડે ગળું દબાવીને દિવ્યાને મોતને ઘાટ ઉતારી હોવાની કબૂલાત કરી છે.
કેફેમાં પાંગર્યો હતો પ્રેમસંબંધ
મૃતક દિવ્યા પરમાર શહેરના મુજમહુડા ગામની વતની હતી અને તે ગાય સર્કલ પાસે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતી હતી. આ હોસ્પિટલની સામે જ આવેલા એક કેફેમાં રોહન વણકર ઉર્ફે પરમાર નોકરી કરતો હતો. છેલ્લા 5 થી 6 મહિનાથી બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, છેલ્લા કેટલાક સમયથી રોહનને દિવ્યાના અન્ય કોઈ વ્યક્તિ સાથેના સંબંધો હોવાની શંકા હતી, જે બાબતે તેમની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
મહેંદી મૂકવા જવાનું કહી નીકળેલી દિવ્યા લાશ બનીને મળી
ઘટનાની વિગતો મુજબ, ગત રવિવારે (3 મે) દિવ્યા ઘરેથી 'મહેંદી મૂકવા જાઉં છું' તેમ કહીને નીકળી હતી. ત્યારબાદ તે પરત ફરી નહોતી. મોડી સાંજ સુધી તે ઘરે ન પહોંચતા તેના ભાઈએ તેને ફોન કર્યો હતો, ત્યારે દિવ્યાએ જણાવ્યું હતું કે તે થોડી વારમાં ઘરે આવી જશે. જોકે, ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. પરિવારે શોધખોળ આદરી પરંતુ કોઈ પત્તો મળ્યો નહોતો. સોમવારે અંકોડિયા વિસ્તારમાં એક અજાણી યુવતીની લાશ મળી હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો, જ્યાં મૃતદેહની ઓળખ દિવ્યા તરીકે થઈ હતી.
હત્યાનો પ્લાન અને ક્રૂરતાની પરાકાષ્ઠા
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, 3 મેના રોજ રોહને દિવ્યાને ફરવાના બહાને અંકોડિયા મિની વોટરપાર્ક પાસે બોલાવી હતી. ત્યાંથી તે તેને એક અવાવરૂ અને નિર્જન જગ્યાએ લઈ ગયો હતો. અહીં ફરીથી અન્ય સાથેના સંબંધો બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવી ગયેલા રોહને પોતાની પાસે રાખેલા કોમ્પ્યુટર વાયરથી દિવ્યાનું ગળું દબાવી દીધું હતું. દિવ્યાના શ્વાસ થંભી ગયા બાદ, તેણે લાશને ચાદરમાં વીંટાળીને ત્યાં જ ફેંકી દીધી હતી અને પોતે ફરાર થઈ ગયો હતો.
પોલીસની કાર્યવાહી અને પરિવારનો આક્ષેપ
હત્યાનો ભેદ ઉકેલ્યા બાદ પોલીસે આજે (6 મે) આરોપી રોહનને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીની કડક પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ, દિવ્યાના ભાઈએ પોલીસની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે જો પોલીસે રવિવારે ગુમ થયાની ફરિયાદ બાદ તાત્કાલિક એક્શન લીધા હોત અને માત્ર અરજી સ્વીકારીને બેસી ન રહી હોત, તો કદાચ આજે દિવ્યા જીવતી હોત. વડોદરામાં બનેલી આ કરુણ ઘટનાએ ફરી એકવાર પ્રેમમાં આંધળા બનીને કરાતા ગુનાઓ સામે સમાજની આંખ ખોલી છે. હાલમાં પોલીસ આરોપી વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરવલ્લીના શીણોલ પાસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો રોકતા SOG પર હથિયાર તાકવામાં આવ્યું, પોલીસે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું; બે શખ્સો ફરાર થયા.

નહેરુબ્રિજથી કાલુપુર અને દાણીલીમડા સુધી આખરે એવું શું બન્યું કે AMTS-BRTS ફરી સવાલોના ઘેરામાં આવી?

ગુજરાત પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઇવમાં નંબર પ્લેટના નિયમ ભંગ બદલ 18,014 કેસ, 4,187 વાહનો ડિટેઇન અને ₹58.56 લાખનો દંડ વસૂલાયો.