ગાંધીધામમાં ત્રણ મહિલાઓએ આધેડને જીવતા સળગાવી દીધા
ઘરની બહાર ઓટલા પર બેસવા મુદ્દે ઝઘડો ઉગ્ર બનતાં પાડોશીઓએ ડિઝલ છાંટી આગ ચાંપી દીધી હતી

આધેડની હત્યા મામલે પકડાયેલા આરોપીઓની તસવીર

આધેડની હત્યા મામલે પકડાયેલા આરોપીઓની તસવીર
ગાંધીધામના સતરાહજાર ઝુંપડા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા પાડોશીઓએ આધેડને જીવતા સળગાવી નાખતા તેમનું મોત નિપજ્યું છે. ગંભીર રીતે દાઝેલા આધેડનું સારવાર દરમિયાન મોત થતાં મામલો હત્યામાં પરિણમ્યો છે.
ફરિયાદી હીરાભાઈ દાદુભાઈ મહેશ્વરીએ ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના નાના ભાઈ કરશનભાઈ માતા સાથે સતરાહજાર ઝુંપડામાં રહેતા હતા અને અપરિણીત હતા. અગાઉ પણ ઘરની બહાર બેસવા બાબતે પાડોશીઓ સાથે અણબનાવ થતો રહેતો હતો. પરંતુ શુક્રવારે થયેલાં ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.
મૃતક કરશનભાઈએ મરણ પામતા પહેલા મામલતદાર સમક્ષ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, બપોરના સમયે પાડોશી મહિલાઓ અને એક અજાણ્યા પુરુષે તેને પકડીને માર માર્યો હતો. બચવા માટે તે બાથરૂમમાં છુપાયો હતો. તે સમયે આરોપીઓએ ત્યાં પહોંચીને તેના પર ડિઝલ છાંટી આગ ચાંપી દીધી હતી. ઘટના બાદ ગંભીર રીતે દાઝેલા કરશનભાઈને પ્રથમ આદિપુરની રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં શનિવારે સવારે તેમનું મોત થયું હતું.
પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પ્રેમીલાબેન નરેશભાઈ, અજુબેન હરેશભાઈ, મંજુબેન લહેરી અને એક અજાણ્યા પુરુષ સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. ગાંધીધામ બી-ડિવિઝન પોલીસે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીધામની આ હૃદયદ્રાવક ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ઓટલા ઉપર બેસવાની નજીવી બાબતે સળગાવી દીધા
કરશનભાઈ મહેશ્વરી અને તેમના પાડોશીઓ વચ્ચે ઓટલા ઉપર બેસવા બાબતે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદમાં હિંસક હુમલામાં ફેરવાઈ ગઈ હતી. પાડોશમાં રહેતી ત્રણ મહિલાઓ પ્રેમિલાબેન નરેશભાઈ, અજુબેન હરેશભાઈ, મંજુબેન લહેરી અને એક મારવાડી પુરુષે કરશનભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓના મારથી અને પોતાનો જીવ બચાવવા કરશનભાઈ બાથરૂમમાં છુપાઈ ગયા હતા. તેમ છતાં આરોપીઓએ તેમનો પીછો કરી બાથરૂમમાં ઘુસી તેમના પર ડિઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય