પંજાબ (Punjab)ના જંડિયાલા ગુરુમાં એક ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં શિરોમણિ અકાલી દળના મંત્રી હરજિંદર સિંહ બ્રાહ્મણની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ છવાઈ ગયો છે.
હત્યાની ઘટના...
પ્રાથમિક માહિતી અનુસાર, આજે બપોરે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ મંત્રી હરજિંદર સિંહ બ્રાહ્મણને નિશાન બનાવ્યા હતા. હરજિંદર સિંહ પર તાબડતોબ 3-4 ગોળીઓ ચલાવીને તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હુમલાખોરો ઘટનાને અંજામ આપીને તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના જાહેરમાં બનતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.
પોલીસ તપાસનો ધમધમાટ...
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી છે. હત્યારાઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે અને સ્થાનિક લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ હત્યા પાછળ જૂની દુશ્મનાવટ હોવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. આ દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે અને જુદા જુદા એંગલથી તપાસ ચલાવી રહી છે. આ હત્યાકાંડથી પંજાબ (Punjab)ના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉભા થયા છે. પોલીસ વહેલી તકે આરોપીઓને ઝડપી પાડી ન્યાય અપાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.