નિવૃત્ત આચાર્યએ જન્મ તારીખ બદલી 1 વર્ષ નોકરી કરી!
'ડબલ પેન્શન' મેળવવા બોગસ ડોક્યુમેન્ટ બનાવી સરકારને 10.75 લાખનો ચૂનો લગાડ્યો

વેકરીયા ગામ અને આરોપી દંપતિની તસવીર

વેકરીયા ગામ અને આરોપી દંપતિની તસવીર
જૂનાગઢ જિલ્લામાં પૂર્વ આચાર્ય અને તેમના પત્નીએ (મંડળના પ્રમુખ) ડબલ પેન્શન મેળવવા નાણાકીય ગેરરીતિ આચર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દંપતિએ ગુનાહિત કાવતરું રચી સરકારી નાણાંની 10,75,487ની ઉચાપત કર્યાની વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પતિ-પત્નીએ બે અલગ-અલગ નામ અને જન્મ તારીખવાળી 'સેવાપોથી' (સર્વિસ બુક) તૈયાર કરી એક પેન્શન મંજૂર કરાવી લીધું હતું. જ્યારે બીજું પેન્શન મંજૂર કરાવવાનો પ્રયાસ કરવા જતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.
જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં ફરજ બજાવતા શિક્ષણ નિરીક્ષક મનિષાબેન હિંગરાજીયાએ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વેકરીયાની ગ્રામ્ય વિકાસ કેળવણી મંડળ સંચાલિત માધ્યમિક શાળાના પૂર્વ આચાર્ય મિતેશગીરી ઉર્ફે મૂળરાજગીરી ગોસ્વામી અને તેમના પત્ની તથા મંડળના પ્રમુખ ઇલાબેન મિતેશગીરી ગોસ્વામી સામે આરોપ મૂકવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ નિવૃત્ત આચાર્ય મિતેશગીરી ગોસ્વામીએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી સરકારી કચેરીના ખોટા સિક્કાઓ લગાવી, ખોટા રેકર્ડ ઊભા કરી કર્યા હતા. સમગ્ર કૌભાંડમાં તેમની પત્ની જે શાળા મંડળના ટ્રસ્ટી છે, તેમણે પણ સાથ આપ્યો હતો.
મિતેશગીરીની અસલ જન્મ તારીખ વેરાવળની મણીબેન છગનલાલ કોટક હાઈસ્કૂલના LC મુજબ 19 જૂન 1964 હતી.આ તારીખ મુજબ તેમને સત્રના લાભ સાથે 30 જૂન 2022ના રોજ નિવૃત્ત થવાનું હતું. જો કે, આરોપી 'મિતેશગીરી સેવાગીરી ગોસ્વામી'ના નામે બનાવટી સર્વિસ બુકમાં જન્મ તારીખ 19 જૂન 1964 દર્શાવી હતી. ખોટા દસ્તાવેજોના આધારે તેમણે એક વર્ષ વધારે નોકરી કરી પગાર મેળવ્યો હતો અને 1 નવેમ્બર 2023થી પેન્શન પણ મંજૂર કરાવ્યું હતું. તેમણે સરકારના ₹10,75,487ની ઉચાપત કરી હતી.
પ્રથમ પેન્શન મંજૂર થયા બાદ દંપતિએ બીજી વખત આર્થિક લાભ મેળવવા માટે નવું કાવતરું રચ્યું હતું. આચાર્ય ગોસ્વામીએ પોતાના જૂના નામનો ફાયદો ઉઠાવી 'મૂળરાજગીરી સેવાગીરી ગોસ્વામી' નામની બનાવટી સેવાપોથી ઊભી કરી હતી. નવી સેવાપોથીમાં જન્મ તારીખ 19 ડિસેમ્બર 1966 દર્શાવી હતી. આ પેન્શન કેસ ડિસેમ્બર 2024માં રજૂ કરવામાં આવ્યો હતો. બનાવટી દસ્તાવેજોમાં ઉચ્ચતર પગારના સ્ટીકરો અને નોંધો પર એકાઉન્ટ ઓફિસર ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણાધિકારી જૂનાગઢની બનાવટી સહીઓ કરેલી હોવાનું તપાસમાં ખુલ્યુ છે.
જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું કે, કૌભાંડમાં મંડળના પ્રમુખ ઇલાબેન ગોસ્વામી (આચાર્યના પત્ની)ની ભૂમિકા મહત્વની છે. કારણ કે તમામ દસ્તાવેજો સાચવવાની અને કચેરીમાં રજૂ કરવાની જવાબદારી મંડળના પ્રમુખની હોય છે.
આચાર્ય દ્વારા 2024ના અંતમાં બીજો પેન્શન કેસ રજૂ કરવામાં આવ્યો ત્યારે કચેરીના સ્ટાફને શંકા ગઈ હતી. શિક્ષણ વિભાગે 24 એપ્રિલ 2025ના રોજ ફરિયાદી મનીષાબેન હિંગરાજીયાના અધ્યક્ષસ્થાને 6 સભ્યોની તપાસ કમિટી બનાવી હતી. કમિટીની તપાસમાં જાણવા મળ્યું કે, જે વ્યક્તિનું પેન્શન 2023માં મંજૂર થઈ ચૂક્યું હોય તે ફરીથી પેન્શન મેળવવા કેસ રજૂ કરી શકે નહીં. બંને સેવાપોથી અને ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં બનાવટી હોવાનું પુરવાર થયું. દંપતિએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને બે પેન્શન મંજૂર કરાવવા માટેની તમામ તૈયારી કરી હતી. શિક્ષણ વિભાગને સમગ્ર મામલો ધ્યાને આવતાં પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપી હતી. હાલમાં આચાર્યનું બીજું કોઈ પેન્શન મંજૂર થયું નથી. પરંતુ, બીજું પેન્શન લેવા જતાં પહેલાં આચાર્યને જેલના સળીયા ગણવા પડે તેવી સ્થિતિ પેદા થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!