દેશની પોલીસને હંફાવનાર રહેમાન ડકેત સુરતમાં ઝડપાયો
ભોપાલના રાજુ ઈરાનીએ બે દાયકા દરમિયાન 14 રાજ્યોમાં ગુનાખોરીનું નેટવર્ક સ્થાપ્યુ હતું

સુરત પોલીસે રહેમાન ડકેતને ઝડપી પાડતાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે

સુરત પોલીસે રહેમાન ડકેતને ઝડપી પાડતાં અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે
દેશભરની પોલીસને છેલ્લા બે દાયકાથી હંફાવનાર ભોપાલના કુખ્યાત ગુનેગાર આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. લાલગેટ વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન પાર પાડીને કોઈપણ ગોળીબાર વિના કરવામાં આવેલી કાર્યવાહીથી 14 રાજ્યોમાં ફેલાયેલા સંગઠિત ગુનાખોરીના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.
ભોપાલની ઇરાની ડેરા ગેંગને ઓપરેટ કરતો રહેમાન ડકેત લૂંટ, છેતરપિંડી, નકલી CBI અધિકારી બની ગુનાઓ, સાધુના વેશમાં ઠગાઈ અને ગંભીર હિંસક કૃત્યો માટે જાણીતી હતી. પકડાયેલો આરોપી છેલ્લા 20 વર્ષથી અલગ અલગ રાજ્યોમાં ગુનાઓ કરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ફરતો રહેતો હતો. તેના પર MCOCA જેવા કડક કાયદા હેઠળ પણ કેસ નોંધાયેલા છે.
આ ડકેત લૂંટના પૈસાથી લક્ઝરી કારો, મોંઘી સ્પોર્ટ્સ બાઇક અને અરબી ઘોડાનો શોખ પૂરો કરતો હતો. સુરત પોલીસે બાતમીના આધારે ‘મોસ્ટ વોન્ટેડ’ ગુનેગારને પકડીને દેશભરમાં ફેલાયેલી ખતરનાક ગેંગની કમર તોડી નાખી છે. રહેમાન ડકેત પકડાવાથી વર્ષોથી વણઉકેલાયેલા ગુનાઓના રહસ્યો ખુલે તેવી શક્યતા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચના DCP ભાવેશ રોઝીયાએ જણાવ્યું કે, મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની 'ઈરાની ડેરા' તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તે ભોપાલમાં 'રહેમાન ડકેત'ના નામથી પ્રખ્યાત છે. આરોપી 13થી 14 વર્ષથી અમનનગર સોસાયટીમાં રહે છે. તે અલગ-અલગ છ ગેંગનો સૂત્રધાર અને ગેંગ લીડર છે. તેનો ભાઈ ઝાકીર અલી અત્યંત વૈભવી જીવન જીવે છે અને આર્થિક રીતે ખૂબ સધ્ધર છે. તેઓ મોંઘી લક્ઝરી કાર અને બાઈક રાખવાના શોખીન છે. ગેંગના સભ્યો નકલી CBI ઓફિસર બનીને અથવા ધાર્મિક સાધુનો વેશ ધારણ કરીને લોકોને છેતરવાનું અને લૂંટવાનું કામ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, આ ગેંગની મોડેસ ઓપરેન્ડી મુજબ દરેક ગેંગમાં ત્રણથી ચાર લોકો ગુનાને અંજામ આપે છે અને અન્ય ત્રણથી ચાર લોકો લૂંટનો મુદ્દામાલ સગેવગે કરી દે છે. ગેંગનો કોઈ વ્યક્તિ પકડાય તો પણ પોલીસના હાથે મુદ્દામાલ ન લાગે. પોલીસ આરોપીઓને પકડવા જાય છે ત્યારે તેઓ પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હોય છે. રાજુ ઈરાની અત્યાર સુધીમાં 10થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને હાલમાં 6 થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ છે. જે અંગે તેની પૂછપરછ ચાલી રહી છે.
તેમણે ઉમેર્યુ કે, રાજુ ઈરાનીનું નેટવર્ક 14 જેટલા રાજ્યોમાં ફેલાયેલું છે. તે એક રાજ્યમાં ગુનો કરીને જો તેનું નામ ખુલે તો તરત જ બીજા રાજ્યમાં ભાગી જાય છે. ડિસેમ્બરમાં ભોપાલ પોલીસના 150 જેટલા જવાનોએ 'ઇરાની ડેરા'માં કોમ્બિંગ હાથ ધર્યું હતું. ત્યારે પણ તે મહિલાઓને આગળ કરી ત્યાંથી છટકી ગયો હતો. તે સમયે પોલીસે ત્યાંથી અસંખ્ય બાઈકો કબજે કરી હતી.
કોઈ વ્યક્તિ કે સાગરિત પોલીસને તેમની જાણકારી આપે તો તેઓ તેને ગંભીર નુકસાન પહોંચાડતા હતા. આવી જ એક ઘટનામાં બાતમી આપનાર વ્યક્તિને તેના જ ઘરમાં પૂરીને આ ગેંગે આખું ઘર સળગાવી દીધું હતું. જે કેસમાં તે નાસતો-ફરતો હતો. આરોપી સુરતમાં નવા ગુનાને અંજામ આપે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. તે જ્યાં રહે છે તે વિસ્તાર 'ઈરાની ડેરા' તરીકે જાણીતો છે. કદાચ ઈરાની લૂંટારુઓ સાથેના જૂના સંબંધો અથવા ગુનાહિત કાર્યશૈલીના કારણે તેને 'રહેમાન ડકેત' કહેવામાં આવે છે.
રાજુ ઈરાની સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. હરિયાણાના ગુરુગ્રામમાં કલમ-392 હેઠળ લૂંટ, ઉત્તરપ્રદેશના બહરાઈચમાં છેતરપિંડી અને લૂંટ તેમજ દિલ્હી ક્રાઇમ બ્રાંચના વર્ષ 2022થી 420ના ગુનામાં વોન્ટેડ છે. તેનું ગુનાહિત સામ્રાજ્ય આખા ભારતના નકશા પર ફેલાયેલું છે. મહારાષ્ટ્રમાં તેની ગેંગ એટલી સક્રિય હતી કે થાણેના કાપુરબાવડી પોલીસ સ્ટેશનમાં તેની સામે ‘મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ’ (MCOCA) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તે સંગઠિત ગુનાખોરીનો માસ્ટરમાઇન્ડ છે.
આરોપીનું આખું નામ આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસમત અલી ઈરાની છે. તે ભોપાલના કરોંદ વિસ્તારમાં શિયા મસ્જિદ પાસેની અમન કોલોનીનો રહેવાસી છે. પોલીસ રેકોર્ડ પર તે માત્ર ચોર કે લૂંટારો નથી પણ એક ‘ગેંગ લોર્ડ’છે. જે અનેક રાજ્યોમાં સક્રિય અનેક પેટા-ગેંગોનું સંચાલન કરતો હતો.
રાજુ ઈરાની માત્ર લૂંટારો જ નથી પણ ક્રૂર માનસિકતા ધરાવતો આરોપી છે. રાજુ ઈરાની અને તેનો ભાઈ ઝાકીરઅલી મોજશોખની જિંદગી જીવતા હતા. લૂંટના પૈસામાંથી તેમણે લક્ઝરી કારોનો કાફલો જમા કર્યો હતો. તેમને અરબી ઘોડા પાળવાનો અને મોંઘી સ્પોર્ટ્સ બાઇક ચલાવવાનો પણ શોખ છે. ગુનાના પૈસાથી વૈભવી જીવન જીવતા બંને ભાઈઓ ઈરાની ડેરામાં ‘ડોન’ જેવો મોભો ધરાવતા હતા.
આરોપી રાજુનો ગુનાહિત ઇતિહાસ 2006થી શરૂ થાય છે. જ્યારે તેની સામે પ્રથમ વખત ભોપાલમાં અપહરણનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2014, 2015, 2016 અને 2020 માં સતત ગંભીર હુમલા અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાતા રહ્યા. પૂણેમાં 2013 માં અને ભીવંડીમાં 2017 માં પણ તેણે ગુનાઓ આચર્યા હતા. ઉત્તર કે મધ્ય ભારત નહીં પણ 2019 અને 2020માં કલકત્તાના ગ્રીસપાર્ક અને શ્યામપુરા વિસ્તારોમાં પણ આરોપીએ અનેક લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પશ્ચિમ બંગાળ પોલીસ પણ લાંબા સમયથી તેને શોધી રહી છે.
રાજુ ઈરાની તેની ગેંગના સભ્યો માટે એક કોર્પોરેટ લીડરની જેમ કામ કરતો હતો. ગેંગનો કોઈ સભ્ય પકડાય તો તેના જામીન કરાવવા, વકીલ રોકવો અને તેના પરિવારના ભરણપોષણની જવાબદારી રાજુ ઉપાડતો હતો. બદલામાં તે દરેક લૂંટમાં મોટો હિસ્સો મેળવતો હતો. આ સંગઠિત માળખાને કારણે તેની ગેંગ વર્ષો સુધી પોલીસથી બચી શકી હતી. ભોપાલનો ઇરાની ડેરા વર્ષોથી પોલીસ માટે પડકારરૂપ રહ્યો છે. રાજુ ઈરાની આ ડેરાનો સર્વેસર્વા ગણાતો હતો. અહીંથી આખા ભારતનું નેટવર્ક ઓપરેટ થતું હતું. રાજુ અહીં બેસીને ટીમો નક્કી કરતો કે કઈ ગેંગ દક્ષિણ ભારતમાં જશે અને કઈ પશ્ચિમમાં. તે ગેંગના સભ્યોને હિન્દીમાં પોલીસ જેવો પ્રભાવ કેવી રીતે પાડવો તેની ટ્રેનિંગ પણ આપતો હતો.
આ ગેંગ વૃદ્ધો, એકલા નાગરિકો અને બેંકો કે જ્વેલરી શોરૂમથી નીકળતા લોકો પર નજર રાખતી હતી. ક્યારેક નકલી CBI અધિકારી બની તો ક્યારેક સાધુ કે જ્યોતિષ બની લોકોના દાગીના અને રોકડ રકમ લૂંટવામાં આવતી હતી. ખાસ કેમિકલ ફેંકી લોકોનું ધ્યાન ભટકાવી કિંમતી સામાન ચોરી લેવું પણ તેમની જાણીતી પદ્ધતિ હતી.
રાજુ ઇરાની સામે ભોપાલ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી, અપહરણ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધાયેલા છે. તેની ધરપકડ બાદ વર્ષોથી અટવાયેલા અનેક ગુનાઓના રહસ્યો ખુલવાની શક્યતા છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય