કુલદીપસિંહ સેંગરની સજા મોકૂફ થતા NSUIનો ઉગ્ર વિરોધ
ઉન્નાવ રેપ કેસના આરોપી કુલદીપસિંહ સેંગરને જામીન મળતા NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો

NSUIનો ઉગ્ર વિરોધ

NSUIનો ઉગ્ર વિરોધ
ઉન્નાવ રેપ કેસમાં મોટો વળાંક આવતા દિલ્હી હાઈકોર્ટની બેન્ચ દ્વારા પૂર્વ ભાજપ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની સજા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના વિરોધમાં અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં NSUI દ્વારા આક્રમક પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓએ કુલદીપસિંહ સેંગરના પોસ્ટરો સળગાવીને પોતાનો રોષ ઠાલવ્યો હતો અને આરોપીને ફાંસીની સજા આપવાની માંગ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જોકે, સ્થિતિ વણસતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ અને NSUI કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઝપાઝપી
વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ ત્યારે તંગ બની જ્યારે પોલીસ અને NSUI કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઝપાઝપી થઈ હતી. આ અફરાતફરીમાં કુલદીપસિંહ સેંગરનો વિરોધ કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓના કપડાં પણ ફાટી ગયા હતા. આ દરમિયાન એક કાર્યકર અચાનક બેભાન થઈ જતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. NSUIના સભ્યોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, બેભાન થયેલા કાર્યકરને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાને બદલે પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી, જેના કારણે કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજીવન કેદની સજા પર સ્ટે મૂક્યો
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ના ચકચારી ઉન્નાવ રેપ અને હત્યા કેસમાં વર્ષ 2019માં ટ્રાયલ કોર્ટે કુલદીપસિંહ સેંગરને આજીવન કેદની સજા ફટકારી હતી. લગભગ 6 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ, દિલ્હી હાઈકોર્ટે તાજેતરમાં તેની આજીવન કેદની સજા પર સ્ટે મૂકી સજા મોકૂફ કરી છે. ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા કુલદીપસિંહ સેંગરને મળેલી આ રાહતના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને NSUI દ્વારા રાજ્યવ્યાપી વિરોધના સુર ઉઠ્યા છે.
'ભાજપના રાજમાં બળાત્કારીઓ મોજમાં' જેવા સૂત્રોચ્ચાર કર્યા
ચાંદલોડિયામાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં NSUI કાર્યકર્તાઓએ 'ભાજપના રાજમાં બળાત્કારીઓ મોજમાં' જેવા સૂત્રોચ્ચાર કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે કાર્યકર્તાઓએ રસ્તા પર બેસીને કુલદીપસિંહ સેંગર વિરુદ્ધ સૂત્રોચ્ચાર શરૂ કર્યા, ત્યારે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે બળપ્રયોગ કરીને કાર્યકર્તાઓને ખેંચી-ખેંચીને બસમાં બેસાડ્યા હતા અને વિરોધને ડામવાનો પ્રયાસ કર્યો હતો.
લોકશાહી અને ન્યાયતંત્ર માટે ચર્ચાનો વિષય
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, NSUIનો એક કાર્યકર જમીન પર બેભાન અવસ્થામાં છે અને અન્ય સાથીઓ પોલીસને તેને તબીબી સહાય આપવા માટે આજીજી કરી રહ્યા છે. આ ઘટના બાદ વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ ટ્વિટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે માંગ કરી છે કે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી જોઈએ અને બેભાન થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડી યોગ્ય સારવાર પૂરી પાડવી જોઈએ. કુલદીપસિંહ સેંગરને મળેલી આ જામીન પ્રક્રિયા લોકશાહી અને ન્યાયતંત્ર માટે ચર્ચાનો વિષય બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!