હિટ એન્ડ રન: બેફામ બ્રેઝાએ 5 લોકોને અડફેટે લીધા
રાજપથ રંગોલી રોડ પર અકસ્માતોની હારમાળા,બે હોમગાર્ડ સહિત 5 ઘાયલ

અમદાવાદ હિટ એન્ડ રન બ્રેઝા

અમદાવાદ હિટ એન્ડ રન બ્રેઝા
અમદાવાદમાં શુક્રવારે મોડી રાત્રે રાજપથ રંગોલી રોડ પર બેફામ રીતે દોડતી એક મારુતિ સુઝુકી બ્રેઝા કારના ચાલકે અકસ્માતોની હારમાળા સર્જી હતી. આ ઘટનામાં નાઇટ પેટ્રોલિંગ પર રહેલા બે હોમગાર્ડ જવાનો સહિત કુલ પાંચ વ્યક્તિઓ ઘાયલ થયા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
કાર ચાલકે સૌપ્રથમ નાકા પર ડ્યુટી માટે જઈ રહેલા હોમગાર્ડ જવાનોની ટુ-વ્હીલરને ટક્કર મારી હતી, અને ત્યારબાદ અન્ય ત્રણ લોકોને અડફેટે લીધા હતા. અંતે, આ બેફામ કાર એક બેરિકેડ સાથે અથડાયા બાદ અકસ્માતોનો સિલસિલો અટક્યો હતો. કારચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને તાત્કાલિક ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે અને ચાલકને શોધી કાઢવા માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
હોમગાર્ડ જવાનો ગંભીર રીતે ઘાયલ :
ફરિયાદ મુજબ, હોમગાર્ડ મંજૂર હુસૈન દાની (ઉં.વ. 27) અને તેમના સાથી તનવીર શેખને 14 નવેમ્બરની રાત્રે રાજપથ ટી-પોઇન્ટ નાકા પર ડ્યુટી સોંપવામાં આવી હતી. 15 નવેમ્બરની રાત્રે લગભગ 12.15 વાગ્યે જ્યારે તેઓ રાજપથ રંગોલી રોડ પર 42 કેફેની સામેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવેલી બ્રેઝા કારે તેમની મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે બંને હોમગાર્ડ જવાનો રોડ પર પટકાયા હતા અને ઢસડાયા હતા, જેનાથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મંજૂર હુસૈનને જમણા ખભામાં ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજાઓ થઈ હતી, જ્યારે તનવીર શેખને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તે બેભાન થઈ ગયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઘાયલોને બોપલની સરસ્વતી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
વધુ ત્રણ લોકોને અડફેટે લીધા :
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા બાદ કારચાલક શીલા તરફ આગળ વધ્યો હતો. ત્યાં પણ તેણે બેફામ રીતે ડ્રાઇવિંગ કરીને અલગ-અલગ ટક્કરોમાં વધુ ત્રણ લોકોને અડફેટે લીધા હતા. આખરે કાર બેરિકેડ સાથે ટકરાતાં જ અકસ્માતોની આ હારમાળાનો અંત આવ્યો હતો અને ચાલક કાર છોડીને નાસી છૂટ્યો હતો.
સરખેજ પોલીસે બેફામ ડ્રાઇવિંગ, ગંભીર ઈજા પહોંચાડવા અને હિટ એન્ડ રન સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને કાર જપ્ત કરી છે. ચાલકને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો સક્રિય થઈ છે. હાલમાં તનવીર શેખની સારવાર ચાલી રહી છે, જ્યારે મંજૂર હુસૈનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. કાર ચાલક અકસ્માત સમયે નશાની હાલતમાં હતો કે કેમ, તે અંગે વધુ તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવરાત્રીમાં સસ્તા ગરબા પાસની લાલચમાં ખેલૈયાઓ સાયબર ઠગોના નિશાન બની રહ્યા હોવાનો અહેવાલ છે.

જાફરાબાદમાં સરકારી શાળાના શિક્ષક સામે ચાર વિદ્યાર્થિનીઓના કથિત શોષણનો આરોપ લાગ્યો છે. ફરિયાદ બાદ પોલીસે POCSO હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

લગ્નનું વચન, ₹25 લાખની માંગ અને ફોટા મોર્ફ કરવાની ધમકી? ચેન્નાઈમાં TVK પદાધિકારી સામે 15 વર્ષની સગીરા અંગે ગંભીર આરોપો સાથે માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.