વડોદરામાં પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટિનની ધરપકડ
નશાની હાલતમાં જેકોબ માર્ટિને ત્રણ કારને ફંગોળી; જૂના પાદરા રોડ પર ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ

જેકોબ માર્ટિને સર્જયો અકસ્માત

જેકોબ માર્ટિને સર્જયો અકસ્માત
વડોદરાના રસ્તાઓ પર ફરી એકવાર નશાની હાલતમાં પૂરપાટ ઝડપે દોડતી કારે અફરાતફરી મચાવી છે. આ વખતે આ 'ડ્રિંક એન્ડ ડ્રાઈવ'ની ઘટનામાં કોઈ સામાન્ય વ્યક્તિ નહીં, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે રમી ચૂકેલા પૂર્વ દિગ્ગજ ખેલાડીનું નામ સામે આવતા સમગ્ર વડોદરા અને ક્રિકેટ જગતમાં ચકચાર મચી ગઈ છે.
વડોદરાના અત્યંત વ્યસ્ત અને પોશ ગણાતા જૂના પાદરા (OP) રોડ પર ૨૬મી જાન્યુઆરીની મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ શહેર જ્યારે શાંતિ તરફ જઈ રહ્યું હતું, ત્યારે મલ્હાર પોઈન્ટ નજીક આવેલી પુનિત નગર સોસાયટી પાસે એક બેકાબૂ કારે પાયમાલી સર્જી હતી. પૂરપાટ ઝડપે ધસમસતી આવેલી એક કારે રોડની સાઈડમાં પાર્ક કરેલી એક-બે નહીં પણ કુલ ત્રણ કારને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે પાર્ક કરેલી ગાડીઓના ફુરચા ઉડી ગયા હતા અને વાહનો દસ ફૂટ સુધી ફંગોળાયા હતા.
લોકોના ટોળા વળ્યા, પૂર્વ ક્રિકેટરની થઈ ઓળખધડાકાભેર થયેલા અકસ્માતનો અવાજ સાંભળીને પુનિત નગર સોસાયટી અને આસપાસના રહીશો ફફડી ઉઠ્યા હતા અને તાત્કાલિક ઘરોની બહાર દોડી આવ્યા હતા. અકસ્માત સર્જનાર કારમાં સવાર વ્યક્તિને જ્યારે બહાર કાઢવામાં આવ્યો, ત્યારે લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કારના સ્ટીયરિંગ પર બીજું કોઈ નહીં પણ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી જેકોબ જોશેફ માર્ટિન હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જેકોબ માર્ટિન એટલી હદે નશામાં ચૂર હતા કે તેઓ સરખી રીતે ઉભા પણ રહી શકતા નહોતા.
પોલીસ કાર્યવાહી અને મેડિકલ તપાસઘટનાની જાણ થતા જ અકોટા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળનું પંચનામું કર્યું ત્યારે જાણવા મળ્યું કે જેકોબ માર્ટિનની કારની સ્પીડ મર્યાદા કરતા ઘણી વધારે હતી. અકોટા પોલીસે જેકોબ માર્ટિનની સ્થિતિ જોઈ પ્રાથમિક રીતે તેઓ નશામાં હોવાનું અનુમાન લગાવ્યું હતું અને ત્યારબાદ કાયદેસરની પ્રક્રિયા હેઠળ તેમની અટકાયત કરી મેડિકલ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. પોલીસની તપાસમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના પુરાવા મળતા, તેમની સામે પ્રોહિબિશન એક્ટ અને અકસ્માત અંગેની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જેકોબ માર્ટિનનું ક્રિકેટ કરિયરજેકોબ માર્ટિન વડોદરાના જાણીતા ક્રિકેટર છે અને તેમણે ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન ભારત માટે ૧૦ વન-ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. વડોદરાની રણજી ટીમનું વર્ષો સુધી નેતૃત્વ કરનાર અને સૌરાષ્ટ્રની ટીમના કોચ તરીકે રહી ચૂકેલા જેકોબ માર્ટિન જેવા જવાબદાર ખેલાડી પાસેથી આવી બેદરકારીની આશા કોઈએ કરી નહોતી. ભૂતકાળમાં જેકોબ માર્ટિન ગંભીર બીમારીને કારણે આર્થિક સંકટમાં હતા ત્યારે સૌરવ ગાંગુલી સહિતના ક્રિકેટરોએ તેમની મદદ કરી હતી, તેવામાં હવે આ વિવાદમાં તેમનું નામ જોડાતા ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.
વડોદરામાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના વધતા કેસોવડોદરામાં છેલ્લા કેટલાક સમયથી નશામાં વાહન ચલાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે. પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરવામાં આવતું હોવા છતાં, હાઈ-પ્રોફાઈલ વ્યક્તિઓ દ્વારા કાયદાનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. વડોદરા પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાયદો દરેક માટે સમાન છે અને આ કિસ્સામાં પણ પૂર્વ ક્રિકેટર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય