ગૃહ રાજ્યમંત્રીના વિસ્તાર સુરતમાં નકલી PSI ઝડપાયો
ડુમસના નવરાત્રિ મહોત્સવમાં DCP શેફાલી બરવાલની સતર્કતાના કારણે નકલી PSIનો ભાંડો ફૂટ્યો
નકલી PSI યુવરાજ રાઠોડ
નકલી PSI યુવરાજ રાઠોડ
ગુજરાતમાં છેલ્લાં ત્રણ વર્ષથી નકલીની બોલબાલા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના મત વિસ્તાર સુરતમાં નવરાત્રિ મહોત્સવમાં નકલી PSI ઝડપાયો છે. એક યુવકે નકલી PSI બની ગરબાના VIP ગ્રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. ડુમસના YPD ડોમમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં ઝોન-7 DCP શેફાલી બરવાલની સતર્કતાના કારણે નકલી PSIનો ભાંડો ફૂટી ગયો. યુવકે પોતાની ઓળખ યુવરાજસિંહ રાઠોડ PSI તરીકે આપી હતી. હાથમાં વોકીટોકી રાખીને ફરતો હોવાથી સૌ કોઈનું ધ્યાન ગયુ હતું.
ડુમસના YPD ડોમમાં ચાલી રહેલા નવરાત્રિ મહોત્સવમાં DCP શેફાલી બરવાલ રૂટિન વિઝિટ પર હતા. સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા તે સમયે તેમની નજર એક શખ્સ પર ગઈ હતી. તે સામાન્ય નાગરિક હોવા છતાં પોલીસ અધિકારીઓ સાથે ઊભા રહીને અલગ છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેના વર્તન પર શંકા જતાં DCPએ આયોજકોને પૂછપરછ કરી હતી.
તે યુવક પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી રહ્યો હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓનો પરિચિત હોવાનું જણાવતો હોવાનું આયોજકોએ કહ્યું હતું. આયોજકોની વાત સાંભળી DCPએ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. તેમણે પોલીસ કર્મચારીઓને યુવકની ઊંડાણપૂર્વક તપાસ કરવા સૂચના આપી હતી.
યુવકની તપાસ કરતાં તે યુવરાજ નારૂ રાઠોડ મૂળ ભાવનગરનો અને હાલમાં વરાછા ખાતે રહેતો હોવાની જાણ થઈ હતી. યુવરાજના પિતા હીરાના કારખાના ચલાવે છે. તેના મોબાઇલમાં સેલિબ્રિટી અને પોલીસ અધિકારીઓ સાથેના ફોટા મળી આવ્યા હતા. જેના આધારે નાગરિકો સામે પોતાનો પ્રભાવ પાડવાની કોશિશ કરતો હતો.
યુવરાજની મોડસ ઓપરેન્ડી એકદમ ફિલ્મી હતી. તે અસલી પોલીસ અધિકારીઓની જેમ વાળ અને મૂછ રાખીને આવ્યો હતો. તેના હાથમાં વોકી-ટોકી પણ હતું. જે તેણ હોટેલ ચલાવતા મિત્ર પાસેથી મેળવ્યું હતું. આ વોકી-ટોકી ખરાબ હાલતમાં હતું. 'હું યુવરાજસિંહ PSI છું અને હાલમાં ડ્યુટી પર છું' એવું કહીને તે YPD ડોમના મુખ્ય પ્રવેશદ્વાર પરથી VIP એન્ટ્રી મેળવવામાં સફળ રહ્યો હતો. એટલું જ નહીં તે સીધો VIP અને સેલિબ્રિટીઝની બેઠક હતી ત્યાં પહોંચી ગયો હતો.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવરાજ રાઠોડ બે દિવસથી પોલીસના નામનો દુરુપયોગ કરી નવરાત્રિ મહોત્સવમાં આવતો હતો. અગાઉના દિવસે તેણે VIP વિસ્તારમાં જઈ સેલિબ્રિટીઓ સાથે ફોટા પડાવ્યા હતા. તેના વડોદરામાં રહેતા સંબંધીઓ પોલીસમાં હોવાથી તે પોલીસની ગતિવિધિઓથી પરિચિત હતો. જેનો તેણે ફાયદો ઉઠાવ્યો હતો. ડુમસ પોલીસે આયોજક નયન માંગરોળિયાની ફરિયાદના આધારે યુવરાજ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બળ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની સતર્કતા મહત્વની છે તે આ ઘટના પરથી પુરવાર થયું છે.
ગુજરાતમાં નકલીની બોલબાલા..
ગુજરાતમાં નકલીની બોલબાલા હોય તેમ ત્રણ વર્ષ દરમિયાન નકલી IAS અધિકારી, નકલી જજ, નકલી સ્કૂલ, મંત્રીઓના નકલી પીએ, નકલી PMO અધિકારી, નકલી ટોલનાકું, નકલી સરકારી કચેરી, નકલી સિરપ, નકલી IPS અધિકારી, નકલી CMO અધિકારી, નકલી સરકારી કચેરી, નકલી વૈજ્ઞાનિક પકડાયા છે.
25 થી વધુ નકલી અધિકારી ઝડપાયા..
નકલી IAS મેહુલ શાહ, નકલી કસ્ટમ અધિકારી હિમાંશુ રાય, નકલી નાયબ કલેક્ટર પ્રકાશ નાયી, નકલી CBI અધિકારી હિતેશ્વરસિંહ મોરી(સુરેન્દ્રનગરનો ભાજપનો કોર્પોરેટર), નકલી કેન્દ્રીય એજન્સીનો અધિકારી ભરત છાબડા, નકલી IPS પ્રદીપ પટેલ, નકલી CID અધિકારી તરૂણ ભટ્ટ, નકલી ગૃહ મંત્રાલય અધિકારી સૌરિશ ઘોષ, નકલી FCI અધિકારી પુણ્યદેવ રાય (પોલીસ ભવનમાં IPSને આમંત્રણ આપવા ગયો હતો), નકલી ડેપ્યુટી કલેક્ટર નેહા પટેલ, નકલી CMO અધિકારી લવકુશ દ્વિવેદી, નકલી CMO નકલી અધિકારી નિકુંજ પટેલ, નકલી ED અધિકારી ઓમવીરસિંહ, નકલી NIA અધિકારી ગુંજન કાંતિયા, નકલી PMO અધિકારી સંજય રાય ઉર્ફે સંજય શેરપુરિયા અને કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં તાલીમ લઈ રહેલો નકલી PSI મયૂર તડવી ઝડપાયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?