ડિજિટલ અરેસ્ટના નામે થતી છેતરપિંડીનો પ્રયાસ નિષ્ફળ
મહિલાને ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને 33.35 લાખની FDની રકમને ખાતામાં જમા કરાવવાનો પ્રયાસ

ડિજિટલ અરેસ્ટ

ડિજિટલ અરેસ્ટ
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા એક વરિષ્ઠ મહિલાને 'ડિજિટલ અરેસ્ટ'ના નામે ધમકાવીને તેમની સાથે મોટી છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે સાયબર ક્રાઈમ બ્રાંચ અને બેંક કર્મચારીઓની સમયસરની સતર્કતાને કારણે નિષ્ફળ ગયો છે. આ ગુનેગારોએ વૃદ્ધ મહિલાને વોટ્સએપ કોલ દ્વારા ધમકાવ્યા હતા અને તેમને કાયદેસરની કાર્યવાહી તથા 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકી આપીને તેમની 33.35 લાખની ફિક્સ્ડ ડિપોઝિટ તોડાવીને શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે બેંકમાં પહોંચ્યા
મહિલાને કહેવામાં આવ્યું હતું કે, તેમના આધાર કાર્ડનો ઉપયોગ કરીને બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે અને તે એકાઉન્ટોમાં સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડી કરાયેલા પૈસા જમા થયા છે. આ ધમકીથી ડરીને મહિલા તેમની મરણમૂડીને ગુનેગારો દ્વારા આપવામાં આવેલા અલગ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરવા માટે બેંકમાં પહોંચ્યા હતા.
બેંક સ્ટાફ અને સાયબર ક્રાઈમની સંયુક્ત કામગીરી
બેંક ઓફ બરોડા, મણિનગર શાખાના મેનેજર અભિષેક સિંહ અને અધિકારી રાજ પરમાર તેમની ફરજ પર હાજર હતા ત્યારે તેમણે એક વૃદ્ધ મહિલાને અત્યંત ડરેલી હાલતમાં જોયા હતા. મહિલા તેમની 33.35 લાખની માતબર રકમને કોઈ શંકાસ્પદ ખાતામાં ટ્રાન્સફર કરાવવા માટે ઉતાવળમાં હતા. બેંક સ્ટાફને તેમની પરિસ્થિતિ અને ચહેરા પરનો ડર જોઈને તુરંત જ કંઈક અયોગ્ય હોવાની શંકા ગઈ હતી. બેંક સ્ટાફ દ્વારા તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઇમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ અને બેંક સ્ટાફની સંયુક્ત કામગીરીથી તુરંત જ પોલીસ ઈન્સ્પેક્ટર ઈશ્વર પટેલ અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલ કાફળિયા ઝડપથી બેંકમાં પહોંચ્યા હતા.
કાઉન્સલિંગ દ્વારા મહિલાની બચત સુરક્ષિત
પોલીસ ટીમે વૃદ્ધાનું કાઉન્સલિંગ શરૂ કર્યું. કાઉન્સલિંગ દરમિયાન બહાર આવ્યું કે, વૃદ્ધાને વોટ્સએપ કોલ પર 'ડિજિટલ અરેસ્ટ'ની ધમકી આપવામાં આવી રહી હતી. પોલીસ અને બેંક સ્ટાફના સહિયારા પ્રયાસથી વૃદ્ધ મહિલાને સમજાવવામાં આવ્યું કે, કાયદાકીય રીતે 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ વ્યવસ્થા નથી. વધુમાં, તેમને સમજાવવામાં આવ્યું કે, કોઈ પોલીસ અધિકારી કે ન્યાયાધીશ ક્યારેય પણ વોટસએપ પર કોલ કરીને નાણાં જમા કરાવવા માટે કહેતા નથી.
સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર જાણ
સમયસરની સમજણ અને સાયબર ક્રાઈમ બ્રાંચની સતર્કતાના કારણે મહિલાને ગુનેગારોની ઝાળમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તેમની આખી રકમ ગુનેગારના એકાઉન્ટમાં જતી અટકાવવામાં આવી. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસને વૃદ્ધની નાણાંકીય બચત બચાવવામાં મોટી સફળતા મળી છે. PI, સાયબર ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદના પી. એચ. મકવાણાએ લોકોને અપીલ કરી છે કે, કોઈ શંકાસ્પદ કિસ્સો સામે આવે, તો તરત જ સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર અને વેબસાઈટ પર જાણ કરવી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!