સિનિયર સિટીઝન ડૉક્ટર પાસેથી 8.5 કરોડની છેતરપિંડી
સિનિયર સિટીઝન ડૉક્ટર પાસેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ અને EDના અધિકારી બનીને ₹8.5 કરોડ પડાવ્યા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક મોટા સાયબર ક્રાઈમ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે જેમાં નકલી અધિકારીઓ બનીને અમદાવાદના એક સિનિયર સિટીઝન ડૉક્ટર પાસેથી 8.5 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ડિજિટલ એરેસ્ટ કૌભાંડની શરૂઆત 28 જુલાઈએ એક વોટ્સએપ કોલથી થઈ હતી, જેમાં આરોપીએ EDના કર્મચારી તરીકે ઓળખ આપી હતી.
તેણે ડોક્ટરને જણાવ્યું કે, તેમના કેનેરા બેંકના મુંબઈ ખાતેના ખાતામાં 'નરેશ ગોયલ જેટ એરવેઝ મની લોન્ડ્રિંગ' કેસ સંબંધિત રૂપિયા 5 લાખ જમા થયા છે. ફરિયાદીને મની લોન્ડ્રિંગ ક્રાઈમ સાથે જોડીને 40 દિવસની કોર્ટ રિમાન્ડની ધમકી આપવામાં આવી હતી, જેનાથી તે ગભરાઈ ગયા હતા. આરોપીઓએ એવો ભય પણ ઊભો કર્યો હતો કે, જો આ વાત કોઈને જણાવવામાં આવશે તો તે દેશ વિરુદ્ધનું કૃત્ય ગણાશે.
આરોપીઓએ ડૉક્ટરનો વિશ્વાસ જીતવા માટે એક નકલી ઓનલાઈન કોર્ટરૂમ બનાવ્યો હતો, જેમાં કોર્ટની કાર્યવાહીનું લાઈવ પ્રસારણ બતાવવામાં આવ્યું હતું. એટલું જ નહિ, ફરિયાદીને 'ઓનરેબલ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ'ના નામે સુપ્રીમ કોર્ટનો એક નકલી લેટર પણ મોકલવામાં આવ્યો હતો. આ પ્રકારે ડરાવી-ધમકાવીને અને વિશ્વાસ કેળવીને, આરોપીઓએ ડૉક્ટર પાસેથી તેમની શેર સંપત્તિ વેચાવીને અનેક ટ્રાન્ઝેક્શન કરાવ્યા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ કરતા પપ્પુ સિંઘ નામના વ્યક્તિની ધરપકડ કરી, જે આ એકાઉન્ટનો માલિક હતો. પપ્પુ સિંઘ મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને નારોલમાં રહેતો હતો. તેણે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવાની જૂની ટેવ હતી. પપ્પુ સિંઘની ધરપકડ બાદ આ કૌભાંડમાં સામેલ અન્ય 2 આરોપી આસિફશાહ (અમરેલી) અને વિકાસકુમાર (ઉત્તર પ્રદેશ) પણ પોલીસની પકડમાં આવ્યા.
આ આરોપીઓ પાસેથી 32 મોબાઈલ ફોન, 2 લેપટોપ, 1 પેટીએમ સ્વાઈપ મશીન, 6 ચેકબુક, 21 ડેબિટ/ક્રેડિટ કાર્ડ સહિત રૂપિયા 2.84 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું કે, જે મોબાઈલ ફોનથી કોલ થતા હતા તેમાં એક જ સમયે 272 સિમ એક્ટિવેટ થયેલ હતા, જેનો ઉપયોગ માત્ર વોટ્સએપ OTP મેળવવા માટે થતો હતો.
આરોપીઓનું નેટવર્ક ઘણું જટિલ હતું. આરોપી આસિફ બેંક એકાઉન્ટ ભાડે લઈને કમિશન મેળવતો હતો. જ્યારે વિકાસકુમાર ટેલિગ્રામ પર 'એલેક્સ મોન્ટીરાજ' નામના વ્યક્તિના સંપર્કમાં હતો, જે કમ્બોડિયા સ્થિત કોઈ ગેંગનો ભાગ હતો. આ મોન્ટી રાજ કસિનો ગેમિંગના નાણાંનું ટ્રાન્ઝેક્શન કરતો હતો અને બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે 2% કમિશન આપતો હતો.
વિકાસ દ્વારા મોન્ટીને પપ્પુ સિંઘના ખાતાની વિગતો આપવામાં આવી હતી. ત્યારબાદ મોન્ટીએ વિકાસને એક APK લિંક મોકલી, જે પપ્પુના મોબાઈલમાં ખોલતા જ તેના ફોનનો તમામ કંટ્રોલ કમ્બોડિયા ગેંગના હાથમાં જતો રહ્યો હતો. ડિજિટલ એરેસ્ટ કેસમાં લૂંટાયેલા 80 લાખ પપ્પુ સિંઘના ખાતામાં આવ્યાના 20 સેકન્ડની અંદર જ અલગ-અલગ 8 બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ ગયા હતા. હાલમાં પપ્પુ, આસિફ અને વિકાસની ધરપકડ થઈ છે, જ્યારે મોન્ટીની શોધખોળ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કૌભાંડ કમ્બોડિયાથી ચાલતું હતું અને તેનો મુખ્ય આરોપી મોન્ટી છે, જેની ધરપકડ પછી જ આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થઈ શકશે.

90 અરજદારો સામે આવ્યા; કિંમતી વસ્તુઓ પરત અપાઈ

વડોદરા માંજલપુરમાં નજીવી વાતે લારી ચાલકે 50 વર્ષીય આધેડ પર પ્લાયવુડના પાટિયા વડે માથામાં 6 ઘા માર્યા. ગંભીર ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા, CCTV ફૂટેજ સામે આવ્યા.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો