મંગળવારે વહેલી સવારે દિલ્હી-હરિયાણા બોર્ડર પર એક એન્કાઉન્ટરમાં વોન્ટેડ ગુનેગાર રોમિલ વોહરા માર્યો ગયો છે. આ એન્કાઉન્ટર દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગોળીબારમાં બે પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.
અહેવાલો અનુસાર, હરિયાણા પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સને દિલ્હી-હરિયાણા બોર્ડર પર વોહરાની હાજરીની માહિતી મળી હતી. પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. વોહરાએ પોલીસ પર ગોળીબાર કર્યા પછી એન્કાઉન્ટર શરૂ થયું. જવાબી કાર્યવાહીમાં ગુનેગાર ઘાયલ થયો ત્યારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.
થોડા દિવસ પહેલા હરિયાણામાં દારૂનો ધંધો કરતા શાંતનુની હત્યા થઈ હતી. શાંતનુ હત્યા કેસમાં મુખ્ય આરોપી તરીકે રોમિલ વોહરાનું નામ સામે આવતું હતું. રોમિલ વોહરા કુખ્યાત કાલા રાણા-નોની રાણા ગેંગનો સક્રિય શૂટર હતો. તે યમુનાનગરની અશોક નગર કોલોનીનો રહેવાસી હતો અને હરિયાણા અને આસપાસના વિસ્તારોમાં સક્રિય હતો. શાંતનુ હત્યા કેસમાં રોમિલ વોહરા મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું હતું.
રોમિલ વોહરા હત્યા, ચોરી અને ખંડણી સહિતના અનેક અન્ય કેસોમાં પણ સંડોવાયેલો હોવાનું કહેવાય છે. તેના માથા પર બે લાખ રૂપિયાનું ઇનામ હતું. વોહરા યમુનાનગરમાં 2024ના ટ્રિપલ મર્ડર કેસમાં પણ સામેલ હતો. વોહરાએ કથિત રીતે ભાજપ નેતા નરેન્દ્ર રાણાના પિતરાઈ ભાઈ વીરેન્દ્ર રાણા, દારૂના કોન્ટ્રાક્ટર અર્જુન રાણા અને પંકજ મલિકની પણ હત્યા કરી હતી.