દિલ્હી બ્લાસ્ટ: NIAએ માન્યો આત્મઘાતી હુમલો
NIAએ લાલ કિલ્લા સામેના કાર વિસ્ફોટને આત્મઘાતી હુમલો ગણાવ્યો અને આમિર રાશિદ અલીની ધરપકડ કરી

NIA

NIA
દિલ્હીમાં લાલ કિલ્લા સામે 10 નવેમ્બરના રોજ થયેલા આતંકી કાર વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી NIAને મોટી સફળતા મળી છે. NIA એ આ મામલે મુખ્ય આત્મઘાતી હુમલાખોર ડૉ. ઉમર નબીના નજીકના સાથીદાર અને હુમલાનું કાવતરું રચનાર આમિર રાશિદ અલીની ધરપકડ કરી છે. આમિર રાશિદ અલી, જે પુલવામાના પંપોરનો રહેવાસી છે, તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.
આત્મઘાતી હુમલો માનવામાં આવ્યો
NIA એ રવિવારે પોતાના નિવેદનમાં પ્રથમવાર સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, લાલ કિલ્લા વિસ્તારમાં થયેલો આ કાર વિસ્ફોટ એક આત્મઘાતી હુમલો હતો. તપાસ એજન્સી દ્વારા આ ઘટનાને આત્મઘાતી હુમલો માનવામાં આવ્યો હોય તેવું આ પહેલીવાર બન્યું છે. NIA એ જણાવ્યું કે, આ આત્મઘાતી હુમલામાં સામેલ હુમલાખોરના સહયોગીને ઝડપી લેવાયો છે. અગાઉ 11 નવેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વિસ્ફોટને સુરક્ષા એજન્સીઓના દરોડાથી ગભરાટ અને હતાશામાં કરવામાં આવેલો હુમલો ગણાવ્યો હતો. પરંતુ NIAના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, આ કોઈ ગભરાટમાં કરાયેલો વિસ્ફોટ ન હતો, પરંતુ પૂર્વ આયોજિત કાવતરા હેઠળ કરાયેલો આતંકી હુમલો હતો.
આમિર રાશિદ અલી કાશ્મીરથી દિલ્હી આવ્યો
NIAના અધિકારીએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલા આરોપીનું નામ આમિર રાશિદ અલી છે, જે જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પંપોરનો રહેવાસી છે અને ત્યાં પ્લમ્બરનું કામ કરતો હતો. વિસ્ફોટમાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ તેના નામે નોંધાયેલી હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે, આમિર રાશિદ અલી એ કથિત આત્મઘાતી હુમલા ખોર ડૉ. ઉમર નબી સાથે મળીને આ આતંકી હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. આમિર રાશિદ અલી કાશ્મીરથી દિલ્હી આવ્યો હતો જેથી તે ઉમર નબીને કાર પૂરી પાડી શકે. હુમલામાં કાર આધારિત IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આતંકી ઉમર નબી અને આમિર રાશિદ અલીનું કનેક્શન
સૂત્રોએ જણાવ્યું કે, ધરપકડ કરાયેલો આરોપી આમિર રાશિદ અલી લાલ કિલ્લા સામે વિસ્ફોટ કરનાર ડૉ. ઉમર નબીના છેલ્લા 6 મહિનાથી વધુ સમયથી સંપર્કમાં હતો. જમ્મુ-કાશ્મીર પોલીસે ફરીદાબાદ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો ત્યારે ઉમર નબી પકડાઈ જવાથી બચવા ભાગી ગયો હતો. ત્યાંથી ભાગ્યા પછી તેણે સૌથી પહેલા આમિર રાશિદ અલીને જ ફોન કર્યો હતો, કારણ કે તેના અન્ય સાથીઓ પકડાઈ ગયા હતા. ત્યારબાદ બંનેએ આતંકી હુમલો કરવા માટે 10 નવેમ્બરની તારીખ અને 'ફાઇનલ ડેસ્ટિનેશન' તરીકે દિલ્હીના લાલ કિલ્લાની પસંદગી કરી હતી. લાલ કિલ્લાને એટલા માટે પસંદ કરવામાં આવ્યો, જેથી ત્યાં વિસ્ફોટ કરીને તેમના આતંકી મનસૂબાનો સંદેશ સમગ્ર વિશ્વમાં પહોંચી શકે. NIA આ મામલામાં પડદા પાછળના તે હેન્ડલરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે, જેમણે આ 'વ્હાઇટ કોલર આતંકવાદ' પેદા કર્યો.
આ પણ વાંચો: ખૈબર પખ્તૂનખ્વાંમાં આત્મઘાતી હુમલો: 13 સૈનિકોના મોત, 24 ઘાયલ
73 મહત્વના સાક્ષીઓનો સમાવેશ
ધરપકડ બાદ NIA હવે આમિર રાશિદ અલીના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. તેના ફોન લોકેશન અને કોલના આધારે કેટલાક અન્ય શંકાસ્પદો સુધી પહોંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાંથી કેટલાક ફરાર છે. ડૉ. ઉમર નબી પણ પુલવામા જિલ્લાનો રહેવાસી હતો અને તે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં જનરલ મેડિસિન વિભાગમાં સહાયક પ્રોફેસર હતો. NIA એ અત્યાર સુધીમાં 150થી વધુ લોકોની પૂછપરછ કરી છે, જેમાં 73 મહત્વના સાક્ષીઓનો સમાવેશ થાય છે.
આત્મઘાતી હુમલાનો રૂટ રીક્રિએટ કરવાની તૈયારી
NIA હવે આત્મઘાતી હુમલાખોર ડૉ. ઉમર નબીના સમગ્ર મૂવમેન્ટને રીક્રિએટ કરવાની તૈયારીમાં છે. આ માટે વિસ્ફોટ પહેલા આતંકી ક્યારે અને ક્યાં ક્યાં ગયો હતો, તેનો રૂટ મેપ તૈયાર કરવામાં આવશે. આ રૂટ મેપને 50 થી વધુ CCTV કેમેરામાં કેદ થયેલા i20 કારના ફૂટેજના આધારે બનાવવામાં આવશે. આનાથી એ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે કે ફરીદાબાદથી દિલ્હી પહોંચવા સુધી કોઈ વ્યક્તિ તેને મળ્યો હતો, તેનો પીછો કર્યો હતો કે પછી તેને મદદ કરી હતી.
પોલીસને 9 mmની 3 ગોળી પણ મળી
વિસ્ફોટવાળી જગ્યા નજીક કાટમાળમાંથી પોલીસને 9 mmની 3 ગોળીઓ પણ મળી આવી છે, જેમાંથી 2 જીવંત કારતૂસ છે. સ્થળ પરથી કોઈ હથિયાર મળ્યું નથી, તેથી માત્ર ગોળીઓ ત્યાં કેવી રીતે પહોંચી તેની તપાસ કરવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકોને આ પ્રકારની ગોળીઓ રાખવાની મંજૂરી નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કુવાડવા રોડની સોસાયટીમાં પાંચમા માળેથી નીચે પટકાતાં માસૂમ બાળકીનું મોત થયું. શરૂઆતમાં અકસ્માત કે કોઈએ બાળકીને ફેંકી હોવાની શંકા હતી, પરંતુ પોલીસની તપાસ આગળ વધતાં શંકાની સોય તેની માતા તરફ ગઈ!

QR કોડ પેમેન્ટથી મળ્યો સુરાગ, ગુજરાતથી ધરપકડો અને હવે જોબનપ્રીતની મુંબઈમાં ધરપકડ! પોલીસને શંકા છે કે હત્યા પાછળ વિદેશમાં બેઠેલા હેન્ડલર્સનું કનેક્શન હોઈ શકે છે.

ખરવાસામાં બે બહેનોના વારસાઈ હક્ક સાથે કથિત છેતરપિંડી કેવી રીતે થઈ? 1996ના કરારથી લઈને મહેસૂલી નોંધ નંબર 1862 સુધીના મામલામાં હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસ તેજ!