મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રાયસેન રોડ પર આવેલી TIT કોલેજમાંથી એક હૃદય કંપાવી દેનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કેસ એટલો ભયાનક છે કે તે 1992 ના કુખ્યાત અજમેર બળાત્કાર કાંડની કાળી યાદો તાજી કરી દે છે. TIT કોલેજમાં એક સંગઠિત ટોળકીએ કથિત રીતે હિન્દુ વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમની સાથે બળાત્કાર કર્યો, તેમના અશ્લીલ વીડિયો બનાવ્યા અને આ વીડિયોના આધારે બ્લેકમેલ કરીને તેમની સહેલીઓ અને બહેનોને પણ નિશાન બનાવી. પોલીસે આ મામલામાં બે મુખ્ય આરોપીઓ, ફરહાન ખાન અને મોહમ્મદ સાદને પકડી પાડ્યા છે, અને SIT આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
20 વર્ષની વિદ્યાર્થિનીએ હિંમત દાખવીને નોંધાવી FIR...
આ ચોંકાવનારો મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે 17 એપ્રિલ 2025 ના રોજ બેતુલની રહેવાસી 20 વર્ષની એક વિદ્યાર્થિનીએ હિંમત એકઠી કરીને બાગસેવનિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી. પીડિતાએ જણાવ્યું કે, ફરહાન ખાને 2022 માં તેને પ્રેમજાળમાં ફસાવી અને જહાંગીરાબાદ સ્થિત તેના મિત્ર હમીદના ઘરે લઈ જઈને તેની સાથે બળાત્કાર કર્યો. આ દરમિયાન તેનો અશ્લીલ વીડિયો બનાવવામાં આવ્યો, જેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તેનું જાતીય શોષણ કરવામાં આવતું રહ્યું. એટલું જ નહીં, ફરહાને તેની બહેનને પણ આ જ રીતે બ્લેકમેલ કરીને શિકાર બનાવી. જ્યારે પીડિતાએ ફરહાનના મોબાઈલમાં અન્ય છોકરીઓના અશ્લીલ વીડિયો જોયા, ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો.
માંસ ખાવાનું દબાણ અને ધર્માંતરણની કોશિશ...
પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓએ સુનિયોજિત રીતે હિન્દુ વિદ્યાર્થીનીઓને નિશાન બનાવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, પીડિતોને ગાંજો, દારૂ જેવા કેફી પદાર્થો આપવામાં આવ્યા અને જબરદસ્તીથી માંસ, ખાસ કરીને મટન, ખવડાવવાનું દબાણ કરવામાં આવ્યું. કેટલીક પીડિતોઓએ આરોપ લગાવ્યો કે તેમના પર દર્માંતરણનું દબાણ પણ કરવામાં આવ્યું હતું. બેતુલની બે સગી બહેનોએ જણાવ્યું કે, ફરહાન અને તેના સાથીઓએ તેમને ગાંજો પીવડાવ્યો, માંસ ખવડાવ્યું અને પછી ટોળકીના અન્ય સભ્યોને સોંપી દીધી. તેમણે જણાવ્યું કે, બાકીના લોકોએ પણ તેમનું જાતીય શોષણ કર્યું. આરોપીઓની હરકતોનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે એક પીડિતાએ ડરના માર્યા ત્રીજા વર્ષમાં અભ્યાસ પણ છોડી દીધો.
ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ FIR, તપાસ માટે SIT ની રચના...
મામલાની ગંભીરતાને જોતા ભોપાલ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી. બાગસેવનિયા, અશોકા ગાર્ડન અને જહાંગીરાબાદ પોલીસ સ્ટેશનમાં ત્રણ FIR નોંધવામાં આવી છે, જેમાં BNS, પોક્સો એક્ટ, IT એક્ટ અને મધ્યપ્રદેશ ધાર્મિક સ્વતંત્રતા અધિનિયમની કલમો સામેલ છે. ચોથી પીડિતાનું કાઉન્સિલિંગ ચાલી રહ્યું છે, ત્યારબાદ વધુ એક FIR નોંધાઈ શકે છે. પોલીસે TIT કોલેજના વિદ્યાર્થી અને જહાંગીરાબાદના રહેવાસી મુખ્ય આરોપી ફરહાન ખાનની સાથે સાથે ખાનગી નોકરી કરનાર અને અશોકા ગાર્ડનમાં રહેનાર મોહમ્મદ સાદને પકડી પાડ્યો છે. પોલીસને આરોપીઓના મોબાઈલ ફોનમાંથી 10 થી 15 અન્ય યુવતીઓના અશ્લીલ વીડિયો મળ્યા છે, જેની સાયબર ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે.
અજમેર બળાત્કાર કાંડ સાથે સામ્યતા ધરાવે છે આ કેસ...
DCP ઝોન-2 સંજય અગ્રવાલે જણાવ્યું, ‘બાગસેવનિયા પોલીસ સ્ટેશનમાં એક સગીર પીડિતાની ફરિયાદ પર ઝીરો FIR નોંધવામાં આવી છે. પોક્સો અને બળાત્કારની કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વીડિયો દ્વારા બ્લેકમેલિંગની પુષ્ટિ થઈ છે, અને SIT તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી તમામ ગુનેગારોને પકડી શકાય.’ પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસ 1992 ના અજમેર બળાત્કાર કાંડ સાથે સામ્યતા ધરાવે છે, જ્યાં એક ટોળકીએ વિદ્યાર્થિનીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમના અશ્લીલ વીડિયો બનાવ્યા અને બ્લેકમેલ કરીને તેમની સહેલીઓને પણ નિશાન બનાવી. ભોપાલમાં પણ આરોપીઓએ પહેલાં એક વિદ્યાર્થિનીને ફસાવી, તેનો વીડિયો બનાવ્યો અને પછી તેને તેની સહેલીઓ સાથે મળવા માટે મજબૂર કરી.
ભાજપના નેતાઓએ કરી કડક સજાની માંગ...
ભોપાલના ભાજપના ધારાસભ્ય સામેશ્વર શર્માએ આ ઘટનાને 'કેરળ સ્ટોરી જેવું કાવતરું' ગણાવીને આરોપીઓને જાહેરમાં સજા આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું, 'જે લોકોએ દીકરીઓના વીડિયો બનાવીને તેમનું અપમાન કર્યું, તેમને બંધ રૂમમાં શા માટે રાખવામાં આવી રહ્યા છે? તેમની સાર્વજનિક ધોલાઈ થવી જોઈએ. આ એકલી ઘટના નથી, આવી ત્રણ વારદાતો બની છે. સરકાર દરેક એંગલથી તપાસ કરી રહી છે અને કોઈ પણ ગુનેગારને બક્ષવામાં નહીં આવે.' મધ્યપ્રદેશ સરકારના મંત્રી વિશ્વાસ કૈલાશ સારંગે કહ્યું, 'પોલીસે તાત્કાલિક આરોપીઓની ધરપકડ કરી. SIT ન રચના કરવામાં આવી છે જેથી આ કાવતરાની દરેક કડીનો પર્દાફાશ થાય. મધ્યપ્રદેશમાં લવ જિહાદ જેવા કૃત્યોને સહન કરવામાં નહીં આવે.'