આર્થિક પાટનગર સુરતમાં વધુ એક સામુહિક આપઘાતની ઘટના
જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષક પિતાએ બે પુત્રો સાથે સામુહિક આપઘાત કર્યો

બંને બાળકોને ઉંદર મારવાની દવા પીવડાવી પિતાએ પંખે લટકી જીવન ટૂંકાવ્યું

બંને બાળકોને ઉંદર મારવાની દવા પીવડાવી પિતાએ પંખે લટકી જીવન ટૂંકાવ્યું
સુરતમાં વધુ એક સામુહિક આપઘાતની ઘટના બની છે. જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં શિક્ષકે બે બાળકો સાથે આપઘાત કર્યો છે. બે અને ચાર વર્ષિય પુત્રોને ઝેરી દવા પીવડાવ્યા બાદ પોતે પંખે લટકીને જીવન ટૂંકાવ્યુ છે. આપઘાત પાછળનું કારણ અકબંધ રહ્યું છે. ઉમરા પોલીસે FSL ટીમ સાથે તપાસ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકોને ઉંદર મારવાની દવા પીવડાવ્યા બાદ અલ્પેશભાઈએ પંખે લટકી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે.
સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ચિઠોડા ગામના વતની અને હાલ સુરતમાં રહેતા અલ્પેશભાઈ કાંતિભાઈ સોલંકી ડિંડોલની મેરી માતા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. પત્ની ફાલ્ગુનીબેન સોલંકી જિલ્લા પંચાયતમાં ક્લાર્કની નોકરી કરતા હોવાથી જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં રહેતા હતા. ફાલ્ગુનીબેન નોકરીએ ગયા હતા અને અલ્પેશભાઈએ બંને પુત્રો ક્રીશીવ અને કર્નિશ સાથે ઘરે હતા.
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે, અઠવાલાઈન્સ વિસ્તારમાં જિલ્લા પંચાયતના ક્વાર્ટર નં. A-5માં અલ્પેશભાઈ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમની પત્ની જિલ્લા પંચાયતમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. અલ્પેશભાઈ ડિંડોલીની એક સ્કૂલમાં PT ટીચર તરીકે નોકરી કરતા હતા. અલ્પેશભાઈ બંને બાળકો સાથે ઘરે હતા. તેમણે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા પત્નીએ ઘરે આવીને જોયું તો દરવાજો ખોલતા ન હતા. જેથી તેમણે પરિવારના સભ્યોને ફોન કરી જાણ કરી હતી.
વધુમાં જણાવ્યુ કે, પરિવારના લોકોની મદદથી દરવાજો તોડીને જોયું તો બંને બાળકો બેડ ઉપર મૃત હાલતમાં પડ્યા હતા અને અલ્પેશભાઈ પંખા સાથે લટકતી હાતલમાં મળ્યા હતા. ત્રણેયના મોત થઈ ગયા હતા. FSL દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ઘરમાંથી ઉંદર મારવાની દવાની ખાલી બોટલ મળી આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે બાળકોને ઉંદર મારવાની દવા પીવડાવી હશે. ત્યારબાદ પંખે લટકી આપઘાત કર્યો હોઈ શકે. ઘરમાંથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. મૃતકના ફોનની તપાસ કરવામાં આવી રહી છે.
લસકાણા વિસ્તારમાં પુત્રને ઝેરી દવા પીવડાવી માતાનો આપઘાત
લસકાણા વિસ્તારમાં મહિલાએ સાત વર્ષના પુત્રને ઝેરી દવા પિવડાવ્યા બાદ પોતે પણ પી લીધી હતી. દવા પીવા અંગેની જાણ પરિવારને થતાં દોડી ગયા હતા અને બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડ્યાં હતાં. ત્યાંથી વધુ સારવાર અર્થે માતાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન માતાનું મોત નીપજ્યું હતું. મહિલાએ શા માટે આપઘાત કર્યો છે તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી. લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં ત્રણ વર્ષમાં 1866 લોકોનો આપઘાત
સુરત શહેર પોલીસ દ્વારા ત્રણ મહિના અગાઉ છેલ્લાં ત્રણ વર્ષમાં નોંધાયેલા 1866 આપઘાતના કેસનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ આપઘાત ઘરકંકાસના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું. ત્રણ વર્ષમાં નોંધાયેલા 1866 કેસમાંથી 490 આપઘાત ઘરના ઝઘડા અને ઘરેલુ તણાવને કારણે થયા હતા. 452 આપઘાત લાંબી બીમારીથી થાકીને કરવામાં આવ્યા હતા. આર્થિક સંકડામણ અને કરજની સમસ્યાના કારણે 355 લોકોએ આપઘાત કર્યા હતા.
પ્રેમસંબંધોના કારણે 104, જ્યારે 228 આપઘાત ડિપ્રેશનને કારણે થયાનું સામે આવ્યું હતું. 200 વ્યક્તિએ ભણતર અથવા કારકિર્દી નિષ્ફળતા, પરીક્ષા કે નોકરીમાં હારને કારણે આપઘાત કર્યા હતા. સાયબર ફ્રોડ કે બ્લેક મેઈલિંગને કારણે 37 લોકોએ જીવન ટૂંકાવ્યું હતું.
પોલીસના અભ્યાસમાં સૌથી વધુ આપઘાતના 496 કેસો ઝોન-1 વિસ્તારમાં નોંધાયા હતા. કાપોદ્રામાં 171, સરથાણામાં 152 અને વરાછામાં 103 આપઘાતના કેસ નોંધાયા હતા. આ વિસ્તારોમાં રત્નકલાકારો મોટા પ્રમાણમાં રહેતા હોવાથી રોજગારનું દબાણ, ખર્ચ અને કુટુંબના ઝઘડા વધુ હોય છે. ત્રણેય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડાયમંડ ઉદ્યોગનાં કારખાનાં પણ આવેલાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?

મકાન જોવા આવી હતી મહિલા... બે દિવસ બાદ એ જ બિલ્ડિંગમાં બની ગઈ હત્યારી!