પતિએ પત્ની અને સાસુને સળગાવતા પત્નીનું મોત
ઘરકંકાસના કારણે પતિએ પત્ની અને સાસુને સળગાવતાં પત્નીનું મોત અને સાસુની હાલત ગંભીર
પત્ની અને સાસુ
પત્ની અને સાસુ
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલી એક બ્યૂટિપાર્લરની દુકાનમાં આગ લાગતાં અને ધુમાડા વચ્ચે બૂમો સંભળાતાં ભારે હોબાળો મચી ગયો હતો. આ ઘટનામાં એક પતિએ પોતાના ઘરેલુ ઝઘડાને કારણે પત્ની અને સાસુ પર પેટ્રોલ છાંટીને આગ લગાવી હતી. આ દુઃખદ ઘટનામાં પત્નીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે, જ્યારે સાસુ 70% દાઝી જવાથી ગંભીર હાલતમાં છે. અમદાવાદ પોલીસે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આરોપી પતિ અશોક રાજપૂતની ધરપકડ કરી છે. આ ઘટના બાદ આખા વિસ્તારમાં ભય અને શોકનો માહોલ છવાયો છે.
સાસુ વચ્ચે પડતાં ઝઘડો વધુ ઉગ્ર બન્યો
આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે આરોપી પતિ અશોક રાજપૂત, જે છૂટક મજૂરી કામ કરતો હતો અને ઘરજમાઈ તરીકે રહેતો હતો, તે પત્નીના બ્યૂટિપાર્લર પર પહોંચ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આ દિવસે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પત્નીની માતા વચ્ચે પડતાં ઝઘડો વધુ ઉગ્ર બન્યો હતો.
સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ
ગુસ્સામાં અશોકે એક ડોલમાં ભરેલું પેટ્રોલ પત્ની અને સાસુ પર છાંટીને તેમને સળગાવ્યા અને ફરાર થઈ ગયો. આસપાસના લોકોએ બૂમો સાંભળીને તાત્કાલિક પહોંચીને આગ ઓલવી હતી અને ગંભીર રીતે દાઝી ગયેલી માતા-પુત્રીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ હુમલામાં આરોપી અશોકના હાથ પણ દાઝી ગયા હોવાથી તેને પોલીસ બંદોબસ્ત હેઠળ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: શૃંગેરી મઠના સ્વામી ચૈતન્યાનંદ પર યૌન શોષણના આરોપો
4 મહિના પહેલા જ અશોક સાથે કર્યા હતા પ્રેમલગ્ન
આ ઘટનાનો ભોગ બનેલી યુવતીએ 4 મહિના પહેલા જ અશોક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેના પહેલાં પણ તેના લગ્ન થયા હતા, જેમાં 5 વર્ષ અગાઉ તેના છૂટાછેડા થઈ ગયા હતા. જોકે, નવા લગ્ન પછી પણ પતિ સાથેના ઝઘડા સતત ચાલુ રહ્યા હતા. થોડા દિવસો પહેલાં પણ એક મોટા ઝઘડા બાદ યુવતી અલગ રહેવા જતી રહી હતી, પરંતુ પાછળથી સમાધાન થયું હતું.
પોલીસે આરોપીની કરી ધરપકડ
જોકે, આ વખતે ઘરકંકાસે આટલું ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. સરદારનગર પોલીસ સ્ટેશનના PI મહિપતસિંહ ચંપાવતે જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર ઘરેલુ હિંસા અને સંબંધોમાં વધી રહેલી હિંસાની ગંભીરતા દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

લખીમપુર ખીરીની સ્કૂલમાં શિક્ષિકાને મળવા આવ્યો એક યુવક... થોડી જ વારમાં માળ ઉપર ગોળીબારથી મચી ગઈ દોડધામ!

સ્કૂટરમાં GPS ટ્રેકર મળ્યું! પત્નીએ પતિ સામે કેમ કરી ફરિયાદ?

દિલ્હીમાં કિશોરીની લાશ, 50+ CCTVથી ખુલ્યું ચોંકાવનારું રહસ્ય! આખરે શું થયું?