અમદાવાદ: પરિણીત પ્રેમીના ત્રાસથી યુવતીનો આપઘાત
વટવામાં યુવતીએ ગળેફાંસો ખાધો: લગ્નના વિવાદમાં ત્રણ સંતાનોના પિતાએ આપ્યો હતો માનસિક ત્રાસ

મહમ્મદ આબિદ શેખ

મહમ્મદ આબિદ શેખ
લગ્નના વિવાદમાં યુવતીએ જીવન ટૂંકાવ્યું :
અમદાવાદના વટવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીએ પ્રેમ સંબંધ અને લગ્નને લઈને સતત મળી રહેલા માનસિક ત્રાસના કારણે આ આત્યંતિક પગલું ભર્યું હતું. આ મામલે પોલીસે યુવતીના પ્રેમી મહમ્મદ આબિદ શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પરિવાર છોડી ભાડાના મકાનમાં રહેતી હતી યુવતી :
મૃતક યુવતી અને સિલાઈ કામ કરતા આબિદ વચ્ચે છેલ્લા બે વર્ષથી પ્રેમ સંબંધ હતો. યુવતી આ સંબંધને લઈને એટલી ગંભીર હતી કે તેણે લગ્ન કરવાની જીદમાં પોતાના પરિવાર સાથે છેડો ફાડી નાખ્યો હતો અને વટવા વિસ્તારમાં ભાડાની ઓરડી રાખીને એકલી રહેવા લાગી હતી. જોકે, પ્રેમી આબિદ પહેલેથી જ પરિણીત હતો અને તેને ત્રણ સંતાનો પણ છે.
શારીરિક અને માનસિક ત્રાસનો ખુલાસો :
જ્યારે પણ યુવતી લગ્ન માટે દબાણ કરતી ત્યારે આબિદ કોઈને કોઈ બહાના કાઢીને વાત ટાળી દેતો હતો, જેના કારણે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આબિદે યુવતી સાથે શારીરિક મારપીટ પણ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર પર ઈજાના નિશાન અને હાથ પર બ્લેડના ઘા મળી આવ્યા છે, જે તેના પર થયેલા અત્યાચારની ગવાહી આપે છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ અને પોલીસ કાર્યવાહી :
ઝડપાયેલો આરોપી આબિદ જુહાપુરાનો રહેવાસી છે અને અગાઉ પણ દારૂ પીવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. પોલીસે હાલ એફએસએલ (FSL) ની મદદથી પુરાવા એકત્ર કર્યા છે અને આરોપીના મોબાઈલ ફોનની ફોરેન્સિક તપાસ શરૂ કરી છે. આસપાસના લોકોના નિવેદનોના આધારે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.

₹33.14 કરોડના સાયબર કૌભાંડમાં મુખ્ય આરોપી ચેન્નાઈથી ઝડપાયો

મુખ્ય આરોપી નીતિનકુમાર ઉર્ફે કાનો ઝડપાયો

સરકારી રેકોર્ડ ચેક કરતાં સામે આવ્યું ચોંકાવનારું સત્ય