ઉદ્યોગપતિઓની જેમ ખેડૂતોના પાક ધિરાણ માફ કેમ નહિ?
કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ અતિવૃષ્ટિ પેકેજ બાબતે CM અને કૃષિમંત્રીને પત્ર લખ્યો

કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન અને પાલ આંબલિયા

કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન અને પાલ આંબલિયા
ઉદ્યોગપતિઓના રૂપિયા 25 લાખ કરોડના દેવા માફ થાય તો ખેડૂતોના પાક ધિરાણ માફ કેમ નહી તેવો સવાલ કરતો પત્ર કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો છે. આ પત્રમાં તેમણે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ અંગે સવાલ ઉઠાવી ખેડૂતોને એકપણ રૂપિયો મળ્યો નહી હોવાનો આક્ષેપ કર્યો છે.
પાલ આંબલિયાએ પત્રમાં જણાવ્યું કે, ગુજરાતમાં ખેડૂતોનો ખરીફ પાક તૈયાર છે. તૈયાર પાકને પોતાના ખેતરમાંથી લણણી કરવાનો સમય છે ત્યારે જ કુદરત રુઠયો છે. ખેડૂતોના ખેતરમાં કાપેલા પાક પર માવઠારૂપી પાણી ફરી વળ્યું છે. ત્યારે ખેડૂતોના પાક તણાઇ ગયા છે પલળી ગયા છે ત્યારે ખેડૂતોને સરકાર દ્વારા સ્પેશિયલ પેકેજ આપવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની માંગ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભૂતકાળમાં બનેલી અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદની ઘટનાઓ અને સરકાર દ્વારા માત્ર જાહેરાત કરવા સિવાય કશું કર્યું નથી. તેમ આ વખતે પણ સરકાર માત્ર જાહેરાતો નહી પણ હકીકતમાં વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે. સરકાર દ્વારા વર્ષ 2024 ના જુલાઈ અને ઓગષ્ટ મહિનામાં થયેલી અતિવૃષ્ટિ માટે અનુક્રમે 319 કરોડ અને 1450 કરોડ મળીને 1769 કરોડની જાહેરાત કરી હતી.
વાસ્તવમાં સરકારે 1769 કરોડમાંથી 500 કરોડ પણ ચૂકવ્યા નથી. તેવી રીતે ઓક્ટોબર-2024 માં થયેલા માવઠા માટે સરકારે પેકેજ માટે 6 જેટલી પ્રેસ કોંફરન્સ કરી અને 10 મહિના સુધી પેકેજ પાઇપલાઈનમાં છે પાઇપ લાઈનમાં છે એવું જ કહ્યા રાખ્યા બાદ ઓગષ્ટ 2025માં પેકેજ જાહેર કર્યું હતું. તે સમયે માત્ર 6 જિલ્લાઓ માટે જ જાહેર કર્યું અને એ પણ માત્ર કપાસના પાક માટે જ પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ પૈકી એક ખેડૂતને એક રૂપિયો પણ એક વર્ષ પુરુ થયા પછી પણ મળ્યો નથી.
આંબલિયાએ ઉમેર્યું કે, આ વર્ષે બનાસકાંઠાના વાવ, થરાદ અને સુઇગામ સહિતના તાલુકામાં અતિવૃષ્ટિ થઈ હતી. વાવમાં મોસમનો કુલ વરસાદ 499 મિલિમિટર સામે 48 કલાકમાં 445 મિલિમિટર વરસાદ પડ્યો હતો. થરાદમાં મોસમનો કુલ વરસાદ 442 મિલિમિટર સામે 48 કલાકમાં 400 મિલિમિટર વરસાદ પડી ગયો અને સુઇગામમાં મોસમનો કુલ વરસાદ 556 મિલિમિટર સામે 48 કલાકમાં 475 મિલિમિટર વરસાદ પડ્યો હતો. આખા વર્ષનો વરસાદ ત્રણ તાલુકામાં એકીસાથે 48 કલાકમાં પડ્યો હતો. 7, 8 અને 9 સપ્ટેમ્બર 2025 ના રોજ બનાસકાંઠામાં પડેલા વરસાદના પાણી હજુ ખેડૂતોના ખેતરમાં ભરેલા છે. ખેડૂતોનો પાક તેમાંથી કેવી રીતે લેવામાં આવ્યો હશે?
સરકાર ઉપર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, સરકારે તે માટે દિવાળીના દિવસે રાહત પેકેજની જાહેરાત કરી. તે ખેડૂતોની મજાક સમાન જાહેરાત છે. જ્યાં ખેડૂતોના ખેતરમાં હજુ પાણી હોય ત્યાં પાક ખેડૂતો કેવીરીતે લઈ શકે? આ પાણી નિકાલ કરવાની સરકાર દ્વારા હજુ પણ કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. વર્ષ 2017માં બનાસકાંઠામાં અને વર્ષ 2014- 15માં જ્યારે ભાદર નદીમાં પુર આવ્યું ત્યારે સરકાર દ્વારા જેવી રીતે સ્પેશિયલ પેકેજ જમીન ધોવાણ માટે 60,000 થી 80,000 પ્રતિ હેક્ટર આપવામાં આવ્યા હતા તેવી જ રીતે તેનાથી ત્રણ ગણા પડેલા વરસાદથી ખેડૂતોના ખેતરમાં પાણી ભરેલા છે. અત્યારે ખેડૂતોને પ્રતિ હેક્ટર જમીન ધોવાણ માટે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા આપવા જોઈએ. પાક નુક્શાની સામે રાહત પેકેજ જાહેર કર્યું છે તે પણ ખેડૂતોની મજાક સમાન છે
અંતમાં તેમણે જણાવ્યું કે, સરકાર માત્ર જાહેરાત કરવામાં ન માનતી હોય, સરકાર માત્ર દેખાડા કે નાટક જ કરવા માંગતી ન હોય તો એમના માનીતા પાંચ પચીસ ઉદ્યોગકારોને જેમ ઉદાર હાથે મદદ કરે છે તેમ એક વખત ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય તો સરકારે 2025 અતિવૃષ્ટિ માટે જાહેર કરેલા રાહત પેકેજને સ્પેશિયલ પેકેજમાં ફેરવવું જોઈએ. ખેડૂતોને જમીન ધોવાણ માટે હેકટર દીઠ 1 લાખ રૂપિયા અને અતિવૃષ્ટિ તેમજ કમોસમી વરસાદથી થયેલી પાક નુક્શાની સામે ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવા જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવતર પ્રયોગથી ખીલી ઉઠી હરિયાળી,1 વર્ષમાં છોડ બન્યા 12 ફૂટ ઊંચા

જાણો કેવી રીતે બન્યા દેશના 'રોલ મોડેલ'

હવે ગુજરાતના ખેડૂતો કમાશે ડૉલર અને પાઉન્ડ