મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડી ગામની એક ફેક્ટરીમાંથી પુરવઠા વિભાગે સરકારી ચોખાની કણકી બનાવીને પોર્ટુગલ મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યુ છે. ગાંધીનગર તેમજ મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગે રૂપિયા 48.59 લાખનો ચોખાનો જથ્થો સીઝ કરી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. સમગ્ર ઉત્તર ગુજરાતના સરકારી ચોખાનો જથ્થો ઠલવાતો હોવાની આશંકાએ પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યના પુરવઠા વિભાગ અને મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગે સંયુક્ત રીતે કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલી અંબિકા ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. રાજુભાઈ મદનલાલ કેલાની માલિકીની અંબિકા ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડી રૂપિયા 48.59 લાખનો શંકાસ્પદ ચોખાનો જથ્થો સીઝ કર્યો હતો. પુરવઠા વિભાગે તપાસ કરતાં કથિત સરકારી ચોખાને ફેક્ટરીમાં કટકા કરી તેની કણકી બનાવીને પોર્ટુગલ દેશમાં ઊંચા ભાવે એક્સપોર્ટ કરાતી હોવાનું બહાર આવ્યું છે. માત્ર મહેસાણા જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત ચોખાની કણકી બનાવી એક્સપોર્ટ કરવાના કૌભાંડને જોઈ પુરવઠા વિભાગ પણ ચોંકી ગયો છે. આ દરોડા પાડ્યા તે અગાઉ કડી એપીએમસીમાં દુકાન ધરાવતા સોલંકી જેઠુભા દીપસિંહને ત્યાંથી પણ પુરવઠા વિભાગે રૂપિયા 22 લાખનો શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો સીઝ કર્યો હતો. બંને કિસ્સામાં પુરવઠા વિભાગે ચોખા તેમજ સરકારી અનાજના સેમ્પલ લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાય તેવી શક્યતા છે.
પ્રાથમિક તપાસમાં સરકારી ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યું :
મહેસાણા જિલ્લા પુરવઠા અધિકારી અફઝલ મંડોરીએ જણાવ્યુ કે ઝડપાયેલો ચોખાનો જથ્થો પ્રાથમિક તપાસમાં સરકારી હોવાનું સ્પષ્ટ થઈ રહ્યુ છે. તેથી ચોખાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલી આપ્યા છે. સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ સરકારી ફોર્ટીફાઈડ ચોખા હશે તો કલેક્ટર દ્વારા માલિકને નોટિસ પાઠવી ખુલાસો માગી સુનાવણી કરવામાં આવશે. સુનાવણીમાં કૌભાંડ સાબિત થશે તો ઝડપાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહેસાણા જિલ્લા સિવાય અન્ય જિલ્લામાં ચોખામાંથી કણકી બનાવવાની ફેક્ટરી ન હોવાથી સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના જિલ્લામાંથી સરકારી ચોખાનો જથ્થો ઠલવાતો હોવાની શક્યતા છે. તેથી સરકારી ચોખાનો જથ્થો કોણ લાવતુ હતુ, કેવી રીતે જથ્થો મેળવાતો હતો અને કૌભાંડમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પુરવઠા વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.