ગુજરાત સહિત દેશભરમાં વિચરતા પશુઓની વસતી ગણતરી કરાશે
100 વર્ષથી પશુઓની વસતી ગણતરી કરતો ભારત વિશ્વનો એકમાત્ર દેશઃ સપ્ટેમ્બરથી ડિસેમ્બર-2024 દરમિયાન કરાશે પશુધનની ગણતરી

The population of stray cattle will be counted across the country including Gujarat

The population of stray cattle will be counted across the country including Gujarat
દેશની ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં તેમજ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ કરવામાં પશુપાલન વ્યવસાયની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. ગુજરાતના અનેક ખેડૂતો પશુપાલન વ્યવસાય થકી સમૃદ્ધ બન્યા છે.
પશુપાલન અને ડેરી ક્ષેત્રના વિકાસ માટેની યોજનાઓના સુચારૂ અમલ માટે પશુધનનો અદ્યતન ડેટા સંગ્રહ હોવો જરૂરી છે. પશુધનનો ડેટા એકત્રિત કરવા ભારત સરકાર સપ્ટેમ્બરથી ડિસેમ્બર-2024 દરમિયાન સમગ્ર દેશમાં “21મી પશુધન વસતી ગણતરી” હાથ ધરશે.
વિચરતા પશુઓનો પ્રથમવાર વસ્તી ગણતરીમાં સમાવેશ કરાયો :
ભારતમાં વર્ષ 1919 થી દર પાંચ વર્ષે પશુધન વસતી ગણતરી હાથ ધરવામાં આવે છે. ભારત વિશ્વનો એકમાત્ર દેશ છે. જ્યાં 100 વર્ષથી પશુધન વસતી ગણતરી કરવામાં આવે છે.
વસતી ગણતરીમાં તમામ પાળેલા પ્રાણીઓને આવરી લેવામાં આવે છે. 21મી પશુધન વસ્તી ગણતરીમાં વિચરતા પશુપાલકોના પશુઓ, રખડતા પશુઓ, શ્વાન, પાંજરાપોળ, ગૌશાળા, સરકારી ફાર્મ અને ડેરી ફાર્મના પશુઓને પણ આવરી લેવાયા છે.
જેમાં દેશભરની આશરે 219 પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. દેશના એક લાખથી વધુ અધિકારી-કર્મચારીઓ વસતી ગણતરી કરશે.
ગુજરાતમાં 28 જેટલી પશુ જાતોની ગણતરી કરાશે :
રાજ્યમાં 28 જેટલી પશુ જાતોની ગણતરી કરવામાં આવશે. ગાય સંવર્ગમાં ગીર, કાંકરેજ, ડગરી, ડાંગી અને નારી ઓલાદ, ભેંસ સંવર્ગમાં મહેસાણી, જાફરાબાદી, બન્ની અને સુરતી ઓલાદનો સમાવેશ કરાયો છે.
રાજ્યમાં પશુધનના ડેટા એકત્રિત કરવાની કામગીરીમાં ગ્રામ્ય કક્ષાએ 2700 થી વધુ અને શહેરી કક્ષાએ 1 હજારથી વધુ ગણતરીદારો ઉપરાંત 670 જેટલા સુપરવાઇઝરો જોડાશે. વસતી ગણતરીના ડેટાને અધિકૃત કરવા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
વસતી ગણતરી માટે પ્રથમ વખત મોબાઈલ એપનો ઉપયોગ કરાશે :
21મી પશુધન વસતી ગણતરી માટે દેશમાં પ્રથમવાર મોબાઈલ એપ્લિકેશન અને સોફ્ટવેરનો ઉપયોગ કરાશે. આ એપ્લિકેશનના પરિક્ષણ માટે ભારત સરકારે ગુજરાત સહિત અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક, ઓડીશા અને ઉત્તરપ્રદેશમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
જે અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા અને કાલાવડ તાલુકામાં મોબાઈલ એપ અને સોફ્ટવેરનું પરીક્ષણ કરાયુ છે. 20મી પશુધન વસતી ગણતરી દરમિયાન પ્રથમ વખત ટેબલેટના માધ્યમથી પશુધનનો ડેટા ઓનલાઈન એકત્રિત કરાયો હતો.
કેવી રીતે કરાશે પશુધનની ગણતરી? :
પશુધન વસતી ગણતરી માટે ગણતરીદારો ઘરે-ઘરે જઈ મોબાઇલથી ગામ, ઘર, પશુ અને તેના માલિકની વિગતો ઉપરાંત માલિક પાસે ઉપલબ્ધ જમીન, સાધનોની વિગતો ભરશે. આ ઉપરાંત ગામ-શહેરના ગાય, કુતરા સહિતના રખડતા પશુઓની પણ માહિતી એકત્ર કરવામાં આવશે.
ગણતરીદાર એકત્ર કરેલી માહિતી તેના સુપરવાઇઝરને મોકલશે. સુપરવાઇઝર (પશુ ચિકિત્સા અધિકારી) એકત્ર કરેલી માહિતીને અધિકૃત કર્યા બાદ મોબાઈલ એપના માધ્યમથી જિલ્લા નોડલ અધિકારીને મોકલશે.
ભારત સરકાર જિલ્લા નોડલ અધિકારી અને રાજ્ય નોડલ અધિકારીને વેબ એપ્લિકેશન અને ડેશબોર્ડની સુવિધા આપશે. જેના માધ્યમથી નોડલ અધિકારી ગણતરીદાર દ્વારા કરાયેલી ગણતરી અને સુપરવાઇઝર દ્વારા કરાયેલી ખરાઇનું નિરીક્ષણ કરી શકશે.
એકત્રિત કરેલો ડેટા વેબ એપ્લીકેશનના માધ્યમથી ભારત સરકારને મોકલી આપશે. આ ઉપરાંત ડેશબોર્ડના માધ્યમથી તમામ જિલ્લા નોડલ અધિકારીનું નિરીક્ષણ રાજ્ય નોડલ અધિકારી કરી શકશે. દરેક રાજ્યમાંથી એકત્ર કરાયેલા ડેટાની ખરાઈ કર્યા બાદ ભારત સરકાર પશુધન વસતી ગણતરીનો ડેટા જાહેર કરશે.
વર્ષ 2019માં ગુજરાતમાં 268 લાખ પશુધન નોંધાયુ હતુ :
20મી પશુધન વસતી ગણતરી વર્ષ 2019માં હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં 268 લાખથી વધુ પશુધન નોંધાયું હતું. વર્ષ 2019ની વસતી ગણતરીમાં 96 લાખથી વધુ ગાય નોંધાઈ હતી.
જેમાં 17.50 લાખથી વધુ ગીર ગાય, 17.70 લાખથી વધુ કાંકરેજ ગાય, 63 હજાર ડાંગી ગાય, 33.80 લાખ ક્રોસ બ્રીડ ગાય અને 26.50 લાખ ગાય નોંધાઈ હતી. જ્યારે 105 લાખથી વધુ ભેંસ નોંધાઈ હતી.
જેમાં 39.50 લાખથી વધુ મહેસાણી ભેંસ, 14.70 લાખથી વધુ જાફરાબાદી ભેંસ, 11.40 લાખથી વધુ સુરતી ભેંસ, 7.70 લાખથી વધુ બન્ની ભેંસ અને 31.80 લાખથી વધુ અન્ય ભેંસ નોંધાઈ હતી. આ ઉપરાંત રાજ્યમાં 17.80 લાખથી વધુ ઘેટાં અને 48.60 લાખથી વધુ બકરા નોંધાયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત