સુરતમાં 1000થી વધુ શ્રમિકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, કેમ સર્જાઈ તંગ સ્થિતિ?
‘તારીખ પર તારીખ નહીં, રવિવારની રજા જોઈએ!’… સુરતમાં 1000થી વધુ શ્રમિકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને પછી જે થયું તે ચર્ચામાં છે!

સુરતમાં શ્રમિકોનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન

સુરતમાં શ્રમિકોનું કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન
Surat Embroidery Workers Protest: સુરતમાં શ્રમિક આંદોલને ફરી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવાર, 12 સપ્ટેમ્બરે 1000થી વધુ એમ્બ્રોઇડરી વર્કરો રવિવારની સાપ્તાહિક રજા, 8 કલાકની શિફ્ટ અને પૂરા પગારની માગ સાથે સુરત કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થતાં થોડા સમય માટે કચેરી બહાર તંગ સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે શ્રમિકોને સ્થળ પરથી પરત જવા માટે સૂચના આપી હતી.
તારીખ પર તારીખ નહીં, રવિવારની રજા જોઈએ
સુરતના શ્રમિકોના આંદોલન દરમિયાન કામદારો દ્વારા રવિવારની રજા અને પૂરા વેતનની મુખ્ય માગ કરવામાં આવી હતી. એક શ્રમિકે જણાવ્યું હતું કે તેઓ દરરોજ 12 કલાક સુધી કામ કરે છે અને પૂરતો આરામ મળતો નથી. શ્રમિકોના જણાવ્યા મુજબ, તેમને અઠવાડિયામાં એક દિવસની રજા અને 8 કલાકની શિફ્ટ જોઈએ છે. એક શ્રમિકે કહ્યું હતું કે, “અમારી એક જ માગ છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. અમે પણ માણસ છીએ. 8 કલાકની શિફ્ટ અને પૂરો પગાર મળવો જોઈએ.” શ્રમિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી તેમની રજૂઆતો છતાં કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી. આથી જો માગણીઓનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપવામાં આવી છે.
કલેક્ટર કચેરી બહાર પોલીસ સાથે બોલાચાલી
શ્રમિકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ પોલીસે તેમને પરત જવા માટે સમજાવ્યા હતા. આ દરમિયાન એક શ્રમિકે આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમના ફોટા પાડીને ધમકી આપી હતી, જેના કારણે સ્થિતિ તંગ બની હતી. પોલીસ અધિકારીઓ દ્વારા શ્રમિકોને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સમજાવવામાં આવ્યા હતા. DCP નકુમે શ્રમિકોને ઘર્ષણની સ્થિતિ ઊભી થાય તો FIR કરવાની ચેતવણી આપી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ શ્રમિક આગેવાનો અને પોલીસ-અધિકારીઓની સમજાવટ બાદ શ્રમિકો કલેક્ટર કચેરી પરથી પરત જતા રહ્યા હતા.
દોઢ મહિનાથી શ્રમિકોની રજા અને પગારની માગ
શ્રમિક યુનિયનના જણાવ્યા મુજબ, સુરતની વિવિધ GIDCમાં આવેલા એમ્બ્રોઇડરી કારખાનાઓમાં કામ કરતા 10 લાખથી વધુ શ્રમિકોની સાપ્તાહિક રજા અને પૂરા વેતનની માગને લઈને છેલ્લા દોઢ મહિનાથી વિરોધ ચાલી રહ્યો છે. આ વિરોધની શરૂઆત 16 ઓગસ્ટે અમરોલીના વેદાંતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારથી થઈ હતી. ત્યારબાદ અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ, સચિન GIDC, પીપોદરા અને કડોદરા સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વિરોધ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં શ્રમિકોએ કામ બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સોમવારે ફરી રજૂઆત કરશે શ્રમિકો
શ્રમિક યુનિયનના અગ્રણીઓએ અગાઉ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. જોકે, ચોક્કસ નિરાકરણ ન આવતા 12 સપ્ટેમ્બરે ફરી મોટી સંખ્યામાં શ્રમિકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. બીજો શનિવાર હોવાથી કલેક્ટર સાથે મુલાકાત થઈ શકી નહોતી. હવે શ્રમિકો સોમવારે ફરીથી રજૂઆત કરશે.
30 સપ્ટેમ્બર સુધી ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી
મજદૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું હતું કે જો 30 સપ્ટેમ્બર સુધી શ્રમિકોની માગણીઓ અને કાયદેસરના હકો અંગે કોઈ ઉકેલ નહીં આવે તો ભૂખ હડતાલ અને ધરણાં કરવામાં આવશે. બીજી તરફ પોલીસના જણાવ્યા મુજબ, કાર્યક્રમ માટે 150થી 200 લોકોની પરવાનગી હતી, પરંતુ સ્થળ પર આશરે 1000થી 1200 લોકો એકઠા થયા હતા. અધિકારીઓ અને શ્રમિક આગેવાનોની સમજાવટ બાદ હાલ સ્થિતિ શાંત છે. સોમવારે પણ સ્થાનિક પોલીસ બંદોબસ્ત તૈનાત રહેશે. હવે સુરતના શ્રમિકોના રવિવારની રજા, 8 કલાકની શિફ્ટ અને પૂરા પગારની માગ અંગે વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત