રાજકોટમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવામાં આવતો હોવાનું જોવા મળ્યું છે. ત્યારે નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે? જેના પર પણ અનેક સવાલો ઉઠ્યા છે. ચાલુ વરસાદે ડામર કામ ચાલુ હોવાનો લોકોએ વીડિયો ઉતારી વાઈરલ કર્યો હતો.
હવામાન વિભાગે આગામી 7 દિવસ હજુ પણ છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. 8 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ જ્યારે દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદની આગાહી વચ્ચે તાપમાનમાં કોઇ વધુ ફેરફાર નહીં થાય. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી આસપાસ અને ગાંધીનગરમાં 39.8 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.રાજકોટ અને અમરેલી જિલ્લાના રાજુલા અને ખાંભામાં બપોર બાદ અચાનક વરસાદનું આગમન થયું હતું. જેથી મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ પરેશાન થયા હતા. બીજી તરફ રાજકોટમાં ધોધમાર વરસાદ વચ્ચે રસ્તાનું કામ ચાલુ હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયો જોયા બાદ ચોક્કસથી એવું લાગી રહ્યું છે કે તંત્ર માત્ર ગમે તેમ કામ કરીને છટકી જવા માગે છે.