અમદાવાદ વિમાન દુર્ઘટના સમયનો વધુ એક નવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં યુવાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગ પરથી નીચે કૂદતા નજરે પડે છે. 12 જૂનના રોજ લંડન જતી એર ઈન્ડિયાની બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઈટ AI-171 ટેક ઓફ બાદ થોડા જ મિનિટોમાં અમદાવાદના મેડિકલ હોસ્ટેલ પર ક્રેશ થયું હતું.
વિમાને ટેક ઓફ કર્યા બાદ માત્ર થોડી મિનિટોમાં પ્લેન નિયંત્રણ બહાર ગયું અને હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સ અને વિદ્યાર્થી હોસ્ટેલ સાથે અથડાયું. જેના કારણે વિમાનમાં રહેલા 242 પૈકી 241 યાત્રીઓનું મોત થયું હતું. આ સાથે જ મેડિકલ હોસ્ટેલના 38 લોકો પણ મૃત્યુ પામ્યા હતા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, વિદ્યાર્થીઓ અને સ્ટાફ બિલ્ડિંગમાંથી બચવા માટે કૂદ્યા હતા.
વિમાન ક્રેશ થતી સાથે જ દર્દનાક અવાજ સાથે આકાશ ગુંજી ઉઠ્યું હતું. ATC સાથે પ્લેનનો સંપર્ક 625 ફૂટની ઊંચાઈએ તૂટી ગયો હતો. વિમાને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી.
વિમાનની અંદર રહેલા 230 યાત્રીઓ અને 12 ક્રૂ મેમ્બર્સમાંથી ફક્ત 1 વ્યક્તિ જીવિત બચી છે અને તે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર દુર્ઘટના ભારતની સૌથી ભયાનક વિમાન દુર્ઘટનાઓમાં સ્થાન પામે છે.