અમદાવાદના ચંડોળા તળાવ નજીક આવેલા બેરલ માર્કેટમાં બુધવારે, 25 જૂનની વહેલી સવારે ભીષણ આગ લાગવાની ઘટના ઘટી હતી. મળતી માહિતી અનુસાર, આ આગ એટલી વિકરાળ હતી કે રસ્તા સુધી ફેલાઈ ગઈ હતી અને વાહનવ્યવહાર માટે માર્ગ તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો. ઘટનાની જાણ થતાં તરત જ અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ (AFES) અને એમ્બ્યુલન્સ સહિતની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આગને કાબૂમાં લેવા માટે 5 ફાયર ફાઈટર વ્હીકલ્સની ટીમ તૈનાત કરાઈ હતી.
ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, તેઓને બેરલ માર્કેટમાંથી આગની જાણકારી મળતા જ તાત્કાલિક 5 ફાયરની ટીમ મોકલવામાં આવી હતી. ટીમે સિદ્ધતાપૂર્વક કામ કરીને થોડા સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. અત્યારસુધી કોઈ જાનહાનિ કે ઈજા થઈ હોવાની માહિતી પ્રાપ્ત થઈ નથી, જેને લઈને નાગરિકો માટે રાહતરૂપ વાત છે.
હાલમાં આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ, બજારમાં સંગ્રહિત માલસામાનમાંથી આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. ફાયર વિભાગ આ અંગે વધુ તપાસ કરી રહ્યો છે અને વિગતો તપાસ પૂર્ણ થયા પછી જાહેર કરવામાં આવશે. આ સમગ્ર ઘટના દરમિયાન સલામતીના પગલાં તરીકે આસપાસનો રોડ તાત્કાલિક બંધ રાખવામાં આવ્યો હતો જેથી કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.