ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું જૂના પહાડીયા ગામ બારોબાર વેચાઈ ગયાનો કિસ્સો ચર્ચાના ચગડોળે છે. ત્યારે 9 વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના 3 ગામોની 375 વીઘા જમીન અને 50 મકાનોનું જાણ બહાર વેચાણ થઈ ગયુ હતુ. જે તે સમયે ખેડૂતે પોલીસ ફરિયાદ કરતાં તપાસ શરૂ થઈ હતી.
જો કે, મહેસૂલ વિભાગે આજદિન સુધી કોઈપણ પ્રકારની તપાસ કરી નહી હોવાનું સામે આવ્યુ છે. ગાંધીનગરના બિલ્ડર સુધી તપાસનો રેલો પહોંચ્યા બાદ રહસ્યમય રીતે ભીનુ સંકેલાઈ ગયુ છે. ત્યારે આવો જાણીએ કેવી રીતે આચરાયુ હતુ જમીન કૌભાંડ....
વિજાપુર તાલુકાનાં સંઘપુર જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ સંઘપુર, સાંકાપુરા અને વજાપુર ગામના 76 ખેડૂતોના સર્વે નંબર 401 થી 499 સુધીની 375 વીઘા જમીન અને 50 મકાનનાં ખોટા દસ્તાવેજો ઉભા કરી બારોબાર વેચાણ કરી દેવામાં આવ્યુ હતુ. ગાંધીનગરનાં એક બિલ્ડરે વેચાણ રાખવાનો બાનાખત કરી અખબારમાં વેચાણ અંગેની નોટીસ આપતાં ગ્રામજનોને જાણ થઈ હતી.
ગાંધીનગરનાં એક વકીલે અસીલનાં ટાઈટલ ક્લીયર અંગેની નોટીસ આપી 7 દિવસમાં પુરાવાઓ રજૂ કરવાનું કહેતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. ગ્રામજનોની જાણ બહાર અજાણ્યા શખ્સોએ ગાંધીનગરનાં બિલ્ડરને જમીન વેચાણ કરી દીધી હતી. તેથી ત્રણેય ગામના ખેડૂતોએ પોલીસ ફરિયાદ કર્યા બાદ મહેસૂલ વિભાગને રજૂઆત કરી હતી. 3 ગામની જમીન બારોબાર વેચાણ કરવાના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર તરીકે વજાપુર ગામનાં એક શખ્સનું નામ ખૂલ્યું હતુ.
જ્યારે મહાકૌભાંડ મામલે વજાપુર ગામનાં 4 શખ્સોની ધરપકડ કરી 100 કરતાં વધુ લોકોના નિવેદન લેવામા આવ્યા હતા. ત્યારબાદ પોલીસ તપાસ સાબરકાંઠાના હિંમતનગર સુધી પહોંચી હતી. વચેટિયા તરીકે હિંમતનગરના શખ્સોના નામ પણ ખૂલ્યા હતા. ગાંધીનગરના વકીલને નોટિસ પાઠવી વિજાપુર મામલતદારે જમીન વેચાણ મામલે ખુલાસો પણ પૂછ્યો હતો. ત્યારબાદ રહસ્યમય રીતે તપાસમાં ભીનુ સંકેલઈ ગયુ છે.
આ જમીન કૌભાંડ મામલે વિજાપુર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ફરિયાદી વિષ્ણુ પટેલ અને તેમના વકીલ કેસ મામલે કંઈપણ બોલવા તૈયાર નથી. વિજાપુર મામલતદાર, વિસનગર પ્રાંત અધિકારીએ કેસની તપાસ અંગે જાણ નહી હોવાનું કહી રહ્યા છે.
શું હતો સમગ્ર મામલો ?
વજાપુર ગામનાં સુરેશ મણિલાલ પટેલ, અશોક હરીભાઇ પટેલ, હસમુખ કાંતિભાઇ પટેલ અને અંબાલાલ મણિલાલ પટેલે ભગા પટેલ સાથે મળી બોગસ દસ્તાવેજો બનાવ્યા હતાં. મુખ્ય સૂત્રધાર ભગા પટેલે 19-10-2013 નાં રોજ ત્રણેય ગામનાં ખેડૂતો વતી પોતાનાં નામની બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હતી. જેમાં તમામ ખેડૂતોની ખોટી સહી એક જ પેનથી કરી હતી.
બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યાનાં 11 મહિના બાદ 29-10-2014 નાં રોજ ભગા પટેલે ગાંધીનગરનાં તબીબ ડૉ.અશોક જાનકીલાલ સોમાણી સાથે ત્રણેય ગામનાં સર્વે નંબર 401 થી 479 અને 495,496 વાળી 210 વીઘાનું બાનાખત કર્યું હતું. બાનાખતમાં ભગા પટેલે એક વીઘા જમીનનો ભાવ 3.65 લાખ નક્કી કરી ટોકન પેટે 21 લાખ રોકડા લીધાં હતાં.
ત્યારબાદ ભગા પટેલ સહિતનાં દલાલોએ બિલ્ડર પાસેથી તબક્કાવાર 76 લાખ જેટલી રકમ લીધી હતી. બિલ્ડર અને ગ્રામજનો વચ્ચે ભગાભાઇ મધ્યસ્થી કરતાં હોવાનું ચિત્ર ઉપસ્થિત કરી બિલ્ડરને વિશ્વાસમાં લઇ મોટી રકમ હડપ કરી હતી. ગાંધીનગરનાં બિલ્ડરે જમીન ખરીદી હોવાની અને કોઇને વાંધો કે તકરાર હોય તો 15 દિવસમાં જાણ કરવાની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરાવી હતી. જેનાં કારણે ગ્રામજનોને જમીન અને ઘર વેચાણ થઇ ગયાની જાણ થઈ હતી.
આ કૌભાંડમાં ગાંધીનગર બાદ હિંમતનગરનાં શખ્સોનાં નામ ખુલ્યા હતાં. ભોગ બનનાર ત્રણેય ગામનાં ખેડૂતોએ ગાંધીનગરનાં વકીલ રણધીરસિંહ કે.વાઘેલા, બિલ્ડર કૌશિક પટેલ, ગાંધીનગરનાં તબીબ ડો.અશોક સોમાણી, શેરમહંમદ ફકીરભાઈ શેખ અને વજાપુરનાં ભગાભાઇ ત્રિકમભાઇ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વિજાપુર મામલતદારે અખબારમાં નોટિસ પ્રસિદ્ધ કરનાર વકીલને નોટીસ આપી ખુલાસો માગી પ્રાંત અધિકારી અને કલેક્ટરને અહેવાલ મોકલ્યો હતો. આ કેસમાં હિંમતનગરનાં વકીલ દિપક દવે, રફીક ધાપા, સુરેન્દ્રસિંહ ઝાલા અને દશરથ નાયી નામનાં વચેટીયાઓની પણ સંડોવણી ખુલી હતી.
ગાંધીનગર તપાસ પહોંચ્યા બાદ ભીનુ સંકેલાઈ ગયુ
27 કાંઠા કડવા પાટીદાર સમાજના અગ્રણી મંગળભાઈ પટેલે જણાવ્યુ કે, 3 ગામના ખેડૂતોની જમીન બારોબાર વેચાણ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરી મામલતદાર અને કલેક્ટરને રજૂઆત કરી હતી. પોલીસ તપાસમાં મુખ્ય સૂત્રધાર, તેમના મળતિયા અને હિંમતનગરના વચેટિયાના નામ ખૂલ્યા હતા. મામલતદારે વકીલને નોટિસ આપી અહેવાલ બનાવી કલેક્ટરને સોંપ્યો હતો. ત્યારબાદ તપાસમાં ભીનુ સંકેલાયુ છે. આ જમીન કૌભાંડને 9 વર્ષ થઈ ગયા છતાં મહેસૂલ વિભાગે તપાસ કરી હોય તેવુ અમારી જાણમાં નથી.
શું કહે છે મામલતદાર અને પ્રાંત અધિકારી ?
વિજાપુર મામલતદાર જે.એસ.પટેલ અને વિસનગર પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડને પૂછતાં તેઓએ જણાવ્યુ કે આ કૌભાંડ 9 વર્ષ અગાઉ થયુ હતુ. હાલમાં કેસની તપાસ અંગે જાણ નથી. બે ત્રણ દિવસમાં તપાસ કરીને તમને જણાવીશું.
કલેક્ટર પાસે કૌભાંડની તપાસ જાણવાનો પ્રયાસ કર્યો
વિજાપુરના 3 ગામના જમીન કૌભાંડ અંગે મહેસાણા કલેક્ટર એમ.નાગરાજનનો સંપર્ક કરવા છતાં વિગતો મળી નહોતી. 18 જુલાઈને ગુરૂવારના રોજ બપોરે 3.02 કલાકે કોલ કર્યો હતો. પરંતુ તેઓએ રિસિવ કર્યો નહોતો. ત્યારબાદ 20 જુલાઈને શનિવારના રોજ સવારે 11.32 કલાકે કરેલો રિસિવ કર્યો નહોતો.
ત્યારબાદ બેનિફિટ ન્યૂઝના પ્રતિનિધિ તરીકેની ઓળખ આપતો વોટ્સએપમાં મેસેજ કરતાં તેઓએ 12.08 કલાકે કોલ રિસિવ કર્યો હતો. જો કે, તેઓ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હોવાથી મોડે કોલ કરવા કહ્યુ હતુ. તેથી બપોરે 3.58 કલાકે કોલ કર્યો હતો.
તે સમયે કોલ રિસિવ કરીને તપાસના સ્ટેટસ અંગે થોડીવારમાં કહેવાની ખાતરી આપી હતી. જો કે, કોલ નહી આવતા છેવટે બપોરે 4.28 કલાકે કરેલો કોલ તેમણે રિસિવ કર્યો નહોતો. હવે જ્યારે તેમનો પ્રત્યુત્તર આવશે ત્યારે અમે તેમનો જવાબ પ્રસિદ્ધ કરીશું.