સાબરકાંઠાના ઈડર શહેરમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી છે, જેમાં એક ઈડર પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી નશાની હાલતમાં જાહેર રોડના મધ્યમાં પોતાની કાર પાર્ક કરીને તેમાં સૂઈ ગયો હતો. ઘટનાસ્થળ સ્ટેટ બેંકની આગળનું હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં પોલીસકર્મીએ ખાખી પહેરીને રસ્તા પર વાહન છોડ્યું હતું અને પોતે કારમાં સૂઈ રહ્યો હતો.
આ ઘટના પછી ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ અને આસપાસના લોકો કાર પાસે દોડી આવ્યા હતા. જયારે લોકોએ કારના દરવાજા ખોલ્યા ત્યારે જોઈ શકાયું કે, અંદર પોલીસકર્મી ગાઢ ઊંઘમાં હતો અને નશાની હાલતમાં લાગતો હતો. સ્થાનિકોએ તેને જગાડવાનો પ્રયાસ કર્યો, પણ કોઈ અસર થઈ નહીં.
વીડિયો ઉતારીને લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેને લઈને ભારે ચર્ચા ઉભી થઈ હતી. ત્યારબાદ લોકોએ મળીને કારને સાઈડમાં હટાવીને ટ્રાફિક ખોલાવ્યો હતો. શહેરમાં હવે ચર્ચાનો મુદ્દો બની રહ્યો છે કે, આવા કૃત્ય માટે પોલીસકર્મી સામે શું પગલાં લેવાશે?
સવાલ એ છે કે, જો કાયદાનું રક્ષણ કરનારા જ આવા વર્તન કરતાં હોય તો નાગરિકોમાં કેટલો ભરોસો રહે? પોલીસ વિભાગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી કે, તે પોલીસકર્મી ખરેખર નશામાં હતો કે નહીં? પણ વાયરલ વીડિયોને લીધે પોલીસનું માન ધૂળીસામાન થયું છે.