ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા જણાઈ રહી છે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીના અનુમાન અનુસાર, 27થી 29 જૂન દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વીજળી તેમજ તીવ્ર પવનની પણ શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશના ઉપરના ભાગે હાલ એક શક્તિશાળી સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જે પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. આ સર્ક્યુલેશનનો ટ્રફ અરબ સાગર સુધી લંબાયેલો છે. જેના કારણે અરબસાગર તરફથી ભેજભર્યું પવન ઝડપથી ગુજરાતમાં પ્રવેશી રહ્યું છે.
આ પરિસ્થિતિના કારણે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં આવતીકાલથી મેઘ તાંડવ જોવા મળશે અને પાણી ભરાવ, નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ અને લોકોના જીવન પર અસર થવાની શક્યતા છે. તંત્રને પણ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.