ગત કેટલાક દિવસથી રાજ્યમાં ઉકળાટ અને બફારા વચ્ચે લાંબી રાહ જોતા ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. છેલ્લા 3થી 4 દિવસથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં 124 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 26.24 ટકા છે અને નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 6 ઈંચ જેટલો સૌથી વધુ વરસાદ પડ્યો છે.
નવસારીમાં છેલ્લા 3 દિવસથી અનિયંત્રિત વરસાદ વરસી રહ્યો છે. શહેરના ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતાં અંબિકા અને કાવેરી નદીઓ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ કારણે તડકેશ્વર મહાદેવ મંદિર પણ પાણીમાં ડૂબી ગયું છે, જ્યાં પાણીમાં જળાભિષેક જેવા દ્રશ્યો જોવા મળ્યા છે.
ભારે વરસાદના કારણે નવસારી જિલ્લામાં 68 પંચાયત માર્ગો અવરોધિત થયા છે. પોલીસ દ્વારા આ માર્ગો પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો ઉપયોગમાં લેવા અનુરોધ કરાયો છે. ટોલ ફ્રી નંબર 1077 અને હેલ્પલાઈન નંબર 02637-233002/259401 જાહેર કર્યા છે. ચેકડેમો અને નદીઓમાં નવા નીરની આવકથી ખેડૂત અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
નવસારીના ચીખલી તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ પડતા આમધરા શાળામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શાળામાં ચાલી રહેલી પ્રવેશોત્સવની તૈયારી પર અસર પડી છે. તંત્ર એલર્ટ સ્થિતિમાં છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. લોકોને નદી કિનારે ન જવા અને સલામત રહેવા સૂચના આપવામાં આવી છે. આજે નવસારીમાં સાથે-સાથે પવન ફૂંકાતો રહ્યો છે અને ઓછી વિઝિબિલિટી ચાલકો માટે મુશ્કેલી સર્જી રહી છે.
હવામાન વિભાગે 26 જૂન માટે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ અને અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી 27થી 29 જૂન દરમિયાન કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડ, ગાંધીનગર અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી છે.
30 જૂન અને 1 જુલાઈના રોજ વલસાડ, નવસારી, તાપી, ડાંગ, બનાસકાંઠા, અમરેલી, ભાવનગર તેમજ 1 જુલાઈના દિવસે નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.