અમદાવાદમાં આખરે અસહ્ય ઉકળાટનો અંત આવ્યો, જ્યારે ૨૯ મેની રાત્રે શહેરમાં ગાજવીજ સાથે સરેરાશ સવા ઇંચથી વધુ વરસાદ નોંધાયો. જોકે, આ મેઘમહેર સાથે મુશ્કેલીઓ પણ આવી, જેમાં સૌથી દુઃખદ ઘટના ઘીકાંટા વિસ્તારમાં બની. દુધવાળી પોળ પાસે વીજ કરંટ લાગવાથી ૨૦ વર્ષીય જશરાજ જગદીશભાઈ ગોહિલનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.
વરસાદના કારણે કાંકરિયા, મણિનગર, આસ્ટોડિયા અને વાડજ સહિત અન્ય વિસ્તારોમાં ૧૫થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા, સદનસીબે તેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સૈજપુર ગરનાળા સહિત ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મીઠાખળી અંડરપાસમાં દોઢ ફૂટ પાણી ભરાતા રાત્રે ૭:૫૫ કલાકે તેને વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો.
સવારના ૬થી રાતના ૯ કલાક સુધીમાં રામોલમાં અઢી ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે બોડકદેવ અને જોધપુરમાં ૪૫ મિલીમીટર વરસાદ પડ્યો. રાત્રે ૯ વાગ્યા સુધીમાં શહેરમાં સરેરાશ ૩૯.૧૦ મિલીમીટર વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૬.૭૬ ઇંચ પર પહોંચ્યો.
સોમવારે બપોરના સમયે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરે બેથી ચાર કલાકના સમયગાળામાં રામોલ (૨૨.૫૦ મિલીમીટર), વટવા (૧૦ મિલીમીટર), ચકુડિયા (૧૨ મિલીમીટર), ઓઢવ (૧૨ મિલીમીટર), કઠવાડા (૧૦.૫૦ મિલીમીટર) અને વિરાટનગર (૧૦ મિલીમીટર) માં વરસાદ નોંધાયો.
થોડા વિરામ બાદ સાંજે સાત કલાક પછી આકાશ ફરી કાળા વાદળોથી ઘેરાયું અને ભારે ગાજવીજ સાથે એસ.જી. હાઈવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો, જેના કારણે નોકરી કે વ્યવસાયથી ઘરે પરત ફરતા વાહનચાલકોને અટવાવું પડ્યું. સૈજપુર ગરનાળામાં સામાન્ય વરસાદમાં પણ ફરી પાણી ભરાતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડી. રામોલ, કઠવાડા, નિકોલ, વિરાટનગર અને ઓઢવના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. મણિનગર અને વટવામાં પણ ભારે વરસાદથી લોકોને મુશ્કેલી પડી. પાલડી, ઉસ્માનપુરા, ચાંદખેડા, વાસણા, ગોતા, રાણીપ અને બોડકદેવમાં પણ ગાજવીજ સાથે વરસાદથી પાણી ભરાયા. ગોતામાં સિલ્વર ઓક કોલેજ રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા. ઉત્તર ઝોનમાં નરોડા, મેમ્કો અને સૈજપુરમાં પણ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થયા.
લાંબા સમય બાદ વરસાદ આવતા લોકોએ રાહત અનુભવી અને વરસાદની મજા માણવા બહાર નીકળ્યા, પરંતુ સામાન્ય એક ઇંચ વરસાદમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેચપીટ સફાઈના દાવા પોકળ સાબિત થયા. બપોરના ચાર કલાકે વાસણા બેરેજ ખાતે નદીનું સ્તર ૧૩૫ ફૂટ નોંધાયું હતું અને બેરેજના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં પણ વરસાદથી હાલાકી જોવા મળી. વિમાન દુર્ઘટના બાદ મૃતદેહો સોંપવાની કામગીરી ચાલી રહી હતી તેવા સમયે જ વરસાદ પડતા મૃતકોના પરિવારજનોને ખાસ તૈયાર કરાયેલા ટેન્ટની અંદર વરસાદ બંધ થવાની રાહ જોવી પડી હતી.
૧૨થી વધુ સ્થળોએ વરસાદી પાણી ભરાયા, જેમાં સૈજપુર ગરનાળુ, નરોડા પાટિયા, કુબેરનગર બજાર, સિલ્વર ઓક કોલેજ રોડ, સ્ટાર બજાર રોડ (જોધપુર), નેહરુ બ્રિજ કોર્નર, મીઠાખળી ક્રોસ રોડ, ભૈરવનાથ ક્રોસ રોડ (મણિનગર), ઘીકાંટા ચાર રસ્તા, ડી કેબિન અંડરપાસ, અને રાયપુર દરવાજાનો સમાવેશ થાય છે.
ચાંદખેડા આઈઓસી ફાટક પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં એક હેવી ડી-વોટરિંગ પંપ ગાડું ફસાઈ ગયું હતું.
શહેરમાં ક્યાં-કેટલો વરસાદ નોંધાયો (રાત્રે ૯ વાગ્યા સુધી):
- ચકુડિયા: ૪૯ મિ.મી.
- ઓઢવ: ૪૨ મિ.મી.
- વિરાટનગર: ૪૨ મિ.મી.
- નિકોલ: ૩૭ મિ.મી.
- રામોલ: ૬૨ મિ.મી.
- કઠવાડા: ૪૪ મિ.મી.
- પાલડી: ૪૧ મિ.મી.
- ઉસ્માનપુરા: ૩૫ મિ.મી.
- ચાંદખેડા: ૪૦ મિ.મી.
- વાસણા: ૩૫ મિ.મી.
- રાણીપ: ૩૫ મિ.મી.
- બોડકદેવ: ૪૪ મિ.મી.
- સાયન્સસિટી: ૪૧ મિ.મી.
- ગોતા: ૩૦ મિ.મી.
- ચાંદલોડિયા: ૩૪ મિ.મી.
- સરખેજ: ૪૭ મિ.મી.
- જોધપુર: ૪૫ મિ.મી.
- બોપલ: ૧૩ મિ.મી.
- દાણાપીઠ: ૩૭ મિ.મી.
- દુધેશ્વર: ૪૧ મિ.મી.
- મેમ્કો: ૩૭ મિ.મી.
- નરોડા: ૩૪ મિ.મી.
- કોતરપુર: ૩૫ મિ.મી.
- મણિનગર: ૩૭ મિ.મી.
- વટવા: ૫૪ મિ.મી.