ગુજરાતે 'વન કવચ' પહેલ હેઠળ પર્યાવરણ સુરક્ષામાં મહત્વપૂર્ણ પગલાં ભર્યાં છે. 2023-24માં રાજ્યના 85 સ્થળોએ કુલ 100 હેક્ટર વિસ્તારમાં વન કવચ ઊભું કરવામાં આવ્યું છે, જ્યારે 2024-25માં 122 નવી જગ્યાઓએ 200 હેક્ટર વિસ્તાર સુધી વન કવચ વિકસાવવામાં આવી રહ્યું છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રોત્સાહિત જાપાનીઝ મિયાવાકી પદ્ધતિ પર આધારિત છે, જે ઓછી જમીનમાં ઝડપથી અને ઘનતા સાથે વનરાજી ઊભી કરે છે.
જાપાનના વનસ્પતિશાસ્ત્રી ડૉ. અકીરા મિયાવાકીએ વિકસાવેલી આ પદ્ધતિ વડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વન કવચની સફળ અમલવારી કરી છે. શહેરી, ઉપશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આ વન કવચ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી પર્યાવરણની ગુણવત્તા સુધારે છે. વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ સાથે સ્થાનિક ખેડૂતોને રોજગારી પણ મળતી થઇ છે.
2025-26 માટે વન કવચ વિસ્તારનો લક્ષ્ય 400 હેક્ટર રાખવામાં આવ્યો છે. એક હેક્ટરમાં આશરે 10,000 સ્વદેશી રોપાઓ 1x1 મીટરના અંતરથી વાવીને આ જંગલો ઊભા કરવામાં આવે છે, જે પરંપરાગત વાવેતર કરતાં 10 ગણું ઝડપી અને 30 ગણી વધુ ઘનતા ધરાવે છે. ઝડપથી ઊગતા વૃક્ષો દ્વારા છાયા અને ભેજ જળવાઈ રહે છે, જે જમીનની ગુણવત્તા સુધારે છે અને પર્યાવરણમાં રહેલું પ્રદૂષણ પણ ઘટે છે.
મિયાવાકી જંગલો માત્ર પર્યાવરણીય લાભ પૂરાં પાડી રહ્યાં નથી, પણ સામાજિક જોડાણ, ઇકો-ટુરિઝમ અને પર્યાવરણીય જાગૃતિમાં પણ મદદરૂપ થાય છે. વન કુટિર, બાળકો માટે રમતોના ક્ષેત્ર અને રળિયામણા સ્થળો વન કવચનો હિસ્સો બને છે. પક્ષીઓ, જીવજંતુઓ અને નાનાં પ્રાણીઓ માટે આ વિસ્તાર રક્ષણક્ષમ નિવાસસ્થાન બની જાય છે.
બિનફળદ્રુપ અને પડતર જમીનનો ઉપયોગ કરી રહેલી આ મિયાવાકી પદ્ધતિને કારણે ગુજરાતે શહેરી વનીકરણમાં પણ દેશમાં આગવી ઓળખ બનાવી છે. રાજ્યભરના વિવિધ વિભાગો જમીન અને સંસાધનો ફાળવીને વન કવચને વેગ આપી રહ્યાં છે. અમદાવાદથી સુરત સુધી વિસ્તરતો આ વન કવચ પ્રોજેક્ટ હવાની ગુણવત્તામાં સુધારો કરી રહ્યાં છે અને લોકોમાં પર્યાવરણ માટેની જાગૃતિ ઉભી કરી રહ્યાં છે.