ગાંધીનગર સીઆઇડી ક્રાઈમની આર્થિક ગુના શોધક શાખામાં ભ્રષ્ટાચારની ફરિયાદ મામલે તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તપાસ કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે સીઆઈડી ક્રાઈમની ઇકોનોમિક વિંગમાં તપાસ કર્યા બાદ પીએસઆઈ સિસોદિયા સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો સાબિત થતાં સસ્પેન્ડ કરાયા છે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી ઘટનાથી પોલીસ વિભાગમાં મહાભારત શરૂ થયુ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રિપોર્ટ માગતા તેમજ સીઆઈડી ક્રાઈમની ટીમે સીએમઓમાં રજૂઆત કરતાં આગામી દિવસોમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડે તેવી શક્યતા છે.
ગાંધીનગર સીઆઇડી ક્રાઈમની આર્થિક ગુના શોધક શાખામાં ભ્રષ્ટાચાર અંગે ડીજીપી વિકાસ સહાયને ફરિયાદ મળી હતી. તેથી ડીજીપીએ સીઆઇડી ક્રાઇમના ઇકોનોમિક ઓફેન્સ વીંગમા પડતર અરજીઓ મુદ્દે તેની અંડરમાં આવતા સ્ટેટ મોનિટરીંગ સેલને તપાસ સોંપી હતી. સ્ટેટ મોનિટરીંગ સેલે એસપી હિમાંશુ વર્મા અને પરિક્ષિતા રાઠોડની પૂછપરછ કરી પીએસઆઇ સિસોદિયાને સસ્પેન્ડ કર્યા હતા. છેલ્લાં ત્રણ દિવસથી ચાલી રહેલાં ઘટનાક્રમનાં પ્રત્યાઘાત હવે શરૂ થયા છે.
વડોદરાના વેપારી શિવલાલ ગોયેલે કરેલી અરજીના કારણે પોલીસ બેડામાં મહાભારત શરૂ થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. શિવલાલ ગોયલ, કૈલાશ ગોયલ, સુરેન્દ્ર ગોયલ અને જયપ્રકાશ ગોયલની કંપની સાથે આફ્રિકાના એક દેશમાં રૂપિયા 15 કરોડથી વધુની છેતરપિંડી થઈ હતી. આ બાબતે સીઆઇડી ક્રાઇમમાં એક અરજી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષથી પેન્ડીંગ અરજી મામલે પરિક્ષિતા રાઠોડ રજા ઉપર ગયા ત્યારે ઇન્ચાર્જ વડા અજય ચૌધરીના સમયમાં ફરિયાદ દાખલ થઇ હતી.
સમગ્ર ઘટનાની તપાસ બાબતે અરજદારે ડીજીપીને મેઈલ કર્યો હતો. જેમાં ફરિયાદ કરવા માટે થયેલી ડીલ બાબતે છણાવટ કરવામાં આવી છે. બે વર્ષથી પેન્ડીંગ અરજી મુદ્દે ફરિયાદ દાખલ કરવા PSI સિસોદિયાએ સ્વીકારેલા નાણાં અંગે વિગતો આપવામાં આવી છે. નાણાં સ્વીકાર્યા બાદ તે પરત પણ કર્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. અરજદારના જણાવ્યા અનુસાર ફરિયાદ દાખલ કરવા રૂપિયા 25 લાખ નક્કી કરાયા હતા. ફરિયાદ દાખલ થયા પહેલા સાડા બાર લાખ અને ફરિયાદ દાખલ થયા બાદ સાડા બાર લાખ મળી 25 લાખની માગણી કરવામા આવી હતી.
મહત્વની બાબત એ છે કે, સીઆઇડી ક્રાઇમ રાજ્યની સૌથી મોટી તપાસ એજન્સી છે. યોગ્ય તપાસ અને ન્યાય મેળવવા માટે રૂપિયા આપવા પડતાં હોવાની વિગતો ડીજીપીને કરેલા મેઈલ પરથી સ્પષ્ટ થયું છે. ફરિયાદ દાખલ કરવા માટે પહેલા રૂપિયા લેવાયા અને દાખલ થયા બાદ રાત્રે રૂપિયા પરત કેમ કરાયાં, કોનું દબાણ આવ્યું, PSI સિસોદિયાએ જ પૈસા લીધા હતા કે પછી તેનો વહીવટ છેક ઉપર સુધી થયો હતો જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે ફરિયાદ દાખલ કરવા ફાઇલ વિભાગના વડા પરિક્ષિતા રાઠોડ સુધી સહી માટે જતી હોય છે. આ કેસમાં પરિક્ષિતા રાઠોડ રજા પર હોવાથી ઇન્ચાર્જ વડા અજય ચૌધરી હતા. આ ઉપરાંત ફરિયાદ દાખલ કરવા SP હિમાંશુ વર્માની ઉપર DIG ચૈતન્ય માંડલિકની પણ સહી લેવાઇ નથી. સમગ્ર ઘટના અંગે ડીજીપીને ઈ-મેઈલથી જાણ થઈ એટલે તાત્કાલિક સ્ટેટ મોનિટરીંગ સેલને તપાસ સોંપી હતી. સમગ્ર કેસને હેન્ડલ કરવા અંગે ડીજીપીના વલણ અંગે પોલીસ વિભાગમાં અનેક સવાલ થઈ રહ્યા છે.
અરજી મુદ્દે ડીજીપીએ સીઆઈડી ક્રાઈમના વડા પરિક્ષિતા રાઠોડને રૂબરૂ બોલાવીને કેમ પૂછપરછ ન કરી, પરિક્ષિતા રાઠોડની કામગીરી અંગે સિનિયર અધિકારીના બદલે જુનિયર નિર્લિપ્ત રાયને કેમ તપાસ સોંપી, તપાસ બાદ મોટા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના બદલે માત્ર PSI ને સસ્પેન્ડ કરી કેમ સંતોષ માન્યો જેવા સવાલ પણ ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટના બાદ પરિક્ષિતા રાઠોડ અને સીઆઈડી ક્રાઈમની ટીમે સીએમઓ સુધી રજૂઆત કરી છે. તેઓએ તેમના વિભાગમાં તેમજ વિભાગ બહારના કેટલાક લોકોની થઈ રહેલી દખલ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સીઆઇડી ક્રાઇમના ઈન્ચાર્જ વડા પરિક્ષિતા રાઠોડે ગૃહમંત્રીને પણ સમગ્ર બાબતથી વાકેફ કર્યા હોવાનું જાણવા મળ્યું છે. સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખામાં જ કેમ તપાસ કરવામાં આવી, 6 મહિના પહેલાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી હતી તો તે સમયે કેમ પગલાં લેવામાં ન આવ્યા જેવા અનેક સવાલો પોલીસ કર્મચારીઓમાં ઉઠી રહ્યા છે. આંતરીક સૂત્રોના જણાવ્યા અનુસાર FIR ડીલના મહાભારત માટે પોલીસ ભવનના એક SP તેમજ ADGP જવાબદાર હોવાની સીએમઓમાં રજૂઆત કરી છે. જો કે, ફરિયાદ ડીલ પ્રકરણથી રાજ્યના IPS વિરૂદ્ધ IPSની આંતરિક લડાઈ સામે આવી છે. જેના ઘેરા રાજકીય પ્રત્યાઘાતો પડે તેવી પૂરેપૂરી શક્યતા છે.
શું હતો સમગ્ર મામલો ?
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં પૈસા, જમીન સહિતના આર્થિક ગુનાઓની અરજીઓ આવે છે. આ અરજીઓમાં તપાસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતાં હોવાની ડીજીપી વિકાસ સહાયને ફરિયાદો મળી હતી. તેમણે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઇજી નિર્લિપ્ત રાયને ગુપ્ત રાહે તપાસ કરવા સૂચના આપી હતી. ઈકોનોમિક ઓફેન્સ વિંગના પીએસઆઈ સિસોદિયા ઉપર પૈસા લીધા હોવાના આક્ષેપ થયા હતા. જેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સિસોદિયા પાસે રહેલી અરજીઓની તપાસ કરી હતી. પૈસા લીધા હોવાનું પુરવાર થતાં ડીજીપીએ સિસોદિયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, સીઆઈડી ક્રાઈમના વડા તરીકે રાજકુમાર પાંડિયનને હટાવ્યા બાદ ઈન્ચાર્જ તરીકે પરીક્ષિતા રાઠોડ કાર્યરત છે. ડીજીપીના આદેશથી સ્ટેટ મોનિટરિંગ સેલે સીઆઈડી ક્રાઈમની ઈકોનોમિક ઓફેન્સ વિંગમાં તપાસ કરી હતી.