વડોદરા જિલ્લાની મેરાકુવા ડેરી મંડળી થયેલા ઉચાપત મામલે નવો ખુલાસો થયો છે. ધારાસભ્ય કેતન ઈનામદારે મેરાકુવા ગામની ડેરી મંડળીમાં થયેલા આર્થિક ગેરવહિવટનો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રારે અને પોલીસે તપાસ પણ શરુ કરી છે ત્યારે મેરાકુવા મંડળીના મંત્રી વિક્રમ પરમારે સ્વીકાર્યું છે કે તેણે મૃતક સભ્યોના ખાતામાંથી અંગૂઠો અને સહી જાતે કરીને પૈસા ઉપાડ્યા હતા.
આ આરોપોના જવાબમાં મેરાકુવા ડેરી મંડળીના મંત્રી વિક્રમ પરમારે જાહેરમાં સ્વીકાર્યું કે તેમણે મંડળીના કેટલાક મૃત્યુ પામેલા સભ્યોના ખાતામાંથી રૂપિયા ઉપાડ્યા હતા. આ માટે તેમણે અંગૂઠા તથા સહી પોતાની જાતે કરી હોવાનું માની લીધું.
આ પણ વાંચો--- વડોદરા જિલ્લામાં દૂધ મંડળીમાં કૌભાંડનો ભાજપના ધારાસભ્યનો ચોંકાવનારો આક્ષેપ

વિક્રમ પરમારએ દલીલ કરી કે તેમણે આ રૂપિયા મંડળીના હિત માટે જ વાપર્યા હતા, તેમ છતાં તેમણે સ્વીકાર્યું કે તેમના દ્વારા ભૂલ થઈ છે. " મે જે ભૂલ કરી છે તેની હું જવાબદારી લઉં છું અને જે સજા થશે તે મને મંજુર છે," એમ તેમણે કહ્યું.
આ કેસમાં વધુ ખળભળાટ ત્યારે મચ્યો જ્યારે મેરાકુવા ડેરીના મંત્રીએ વરસડા ગામની ડેરીના મંત્રી પર પણ રૂ. 3,64,099ના ઉચાપતનો આક્ષેપ કર્યો.
સ્થાનિક પાયે આ મામલો ગંભીર બન્યો છે અને ગ્રામજનો સાથે સાથે જિલ્લાકક્ષાના દૂધ ઉત્પાદકોમાં પણ આ અંગે ભારે ચર્ચા ચાલી રહી છે.
બીજી તરફ મેરાકુવા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાનાં આર્થિક કૌભાંડમાં વધુ એક નવો વળાંક આવ્યો છે. મૃતક સભ્યોના નામે દૂધ ભરાઈ પૈસા ઉપાડી લેવાયાના ગુનામાં હવે જિલ્લા સહકારી મંડળીઓના રજીસ્ટ્રારે કડક પગલાં લેતાં મંડળીના મંત્રી વિક્રમ પરમાર અને પ્રમુખ રાવજી પરમાર સામે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો આદેશ આપ્યો છે.
દૂધ મંડળીમાં થયેલા આ ઉચાપતના મામલે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે રજૂઆત કરતા અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી. તેમના દસ્તાવેજો અને પુરાવાઓના આધારે જિલ્લા રજીસ્ટ્રારે કહ્યું કે ધારાસભ્યની રજૂઆત સાચી હોવાનું સ્પષ્ટ થયું છે. મૃતક સભ્યોના ખાતામાં મહિનાઓ સુધી એકસરખી રકમ જમા અને ઉપાડ થતી હતી, જે પ્રક્રીયા નીતિ વિરુદ્ધ છે.
તપાસમાં શું બહાર આવ્યું?
- મંડળીના નાણાંની ઉચાપત થયાની પુષ્ટિ જિલ્લા રજીસ્ટ્રારના અહેવાલમાં થઈ છે.
- બેંક ખાતામાંથી સમાન રકમ મરણ પામેલા સભ્યોના નામે મહિના દર મહિના જમા થાય તે ગંભીર બેદરકારી છે.
- વર્ષ 2024–25નું ઓડિટ તાત્કાલિક કરવા આદેશ અપાયો છે.
- બરોડા સેન્ટ્રલ કો.ઓપ. બેંકના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તપાસના ઘેરામાં છે – તેમને અધિકાર પત્ર આપવાની પ્રક્રિયામાં સંડોવાતા રજીસ્ટ્રાર દ્વારા વિગતો માંગવામાં આવી છે.
- કૌભાંડમાં અન્ય ઈસમોનો પણ સમાવેશ હશે તો તેમની સામે પણ કાનૂની કાર્યવાહી થશે.
જિલ્લા રજીસ્ટ્રારે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, “આ કેસમાં જે તે પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ રહી છે, તેમજ જો અન્ય વ્યક્તિઓ કૌભાંડમાં સંડોવાયેલી જણાશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.”
આ પણ વાંચો--- Baroda ડેરી કૌભાંડ, કેતન ઇનામદારનો પ્રહાર - "આ ઢાંકપિછોડો છે, રેલો MD-ચેરમેન સુધી પહોંચશે!"