અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયા ફ્લાઈટ AI-171ના દુર્ઘટનામાં ગુરુવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ અવસાન થયું. તેમના નિધનથી સમગ્ર રાજ્યમાં રાજકીય શોકનો માહોલ છવાયો છે.
વિજય રૂપાણીની પત્ની અંજલિબેન રૂપાણી લંડનથી સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને ત્યાંથી સીધા ગાંધીનગરના નિવાસસ્થાને ગયા હતા. તેમના પુત્ર રૂષભ રૂપાણી પણ અમેરિકા પરથી ભારત માટે રવાના થયા છે.
વિજય રૂપાણીના મૃત્યુના સમાચાર મળતા જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અધિકારીઓ ગાંધીનગર સ્થિત તેમના ઘેર શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. તેમાં કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા, કુંવરજી બાવળિયા, કુબેર ડીંડોર, ભાનુબેન બાબરિયા, પુરુષોત્તમ રૂપાલા સહિત ઘણા જ્ઞાતિજનોએ ઉપસ્થિતિ આપી હતી અને અંજલિબેનને સાંત્વના આપી હતી.





મળતી માહિતી અનુસાર, DNA પરીક્ષણ પછી વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર તેમના મૂળ શહેર રાજકોટમાં કરવામાં આવશે.
વિમાન દુર્ઘટનાની વિસ્તૃત વિગતો
AI-171 વિમાન બી. જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ ઈમારતમાં અથડાતા જ તીવ્ર વિસ્ફોટ થયો હતો. વિમાનમાં 241 મુસાફરો હતા, જ્યારે આ ઇમારત, કેન્ટીન અને આજુબાજુના વિસ્તારોમાં રહેલા લોકો મળી કુલ 265 લોકોના મૃત્યુ થયાેે હોવાની પુષ્ટિ થઈ છે.