એક વર્ષ બાદ પણ રિદ્ધિના માતાના આંસુ સુકાયા નથી
અમદાવાદ પ્લેન ક્રેશમાં દીકરી ગુમાવનાર માતાની બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગ

એક વર્ષ બાદ પણ રિદ્ધિની યાદોમાં જીવતો પડસાલા પરિવાર

એક વર્ષ બાદ પણ રિદ્ધિની યાદોમાં જીવતો પડસાલા પરિવાર
અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ
12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી ભયાનક પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું છે. આ અકસ્માતે અનેક પરિવારોને નુકસાન પહોંચાડ્યું હતું. અમરેલીના પડસાલા પરિવાર માટે આ દિવસ આજે પણ કાળ સમાન છે. કારણ કે આ દુર્ઘટનાએ તેમના ઘરની એકમાત્ર દીકરી રિદ્ધિ પડસાલાને તેમની પાસેથી હંમેશા માટે છીનવી લીધી હતી.
માતાની આંખોમાં આજે પણ અશ્રુઓનો દરિયો
એક વર્ષ વીતી ગયું હોવા છતાં રિદ્ધિની માતા ગીતાબેન પડસાલા હજુ પણ દીકરીના વિયોગનું દુઃખ ભૂલી શક્યા નથી. પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે તેમને કોઈ પ્રકારની આર્થિક સહાયની જરૂર નથી, પરંતુ વિમાન દુર્ઘટનાનું સાચું કારણ જાણવા તેઓ આતુર છે. તેમણે સરકારને બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની અપીલ કરતાં કહ્યું કે આવો અકસ્માત ફરી કોઈ પરિવાર સાથે ન બને તે માટે સત્ય બહાર આવવું જરૂરી છે.
લંડનમાં વસવાના સપના અધૂરા રહી ગયા
25 વર્ષીય રિદ્ધિ પડસાલાએ લંડનમાં સ્થાયી થવાના અનેક સપના જોયા હતા. તે મે 2025માં પરિવારને મળવા માટે ભારતમાં આવી હતી અને 12 જૂને ફરી લંડન પરત જવા નીકળી હતી. પરંતુ અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા બાદ જ થયેલી દુર્ઘટનાએ તેના તમામ સપનાઓને ચકનાચૂર કરી નાખ્યા.
એરપોર્ટ પર થયેલી છેલ્લી વાત આજે પણ યાદ
ગીતાબેન જણાવે છે કે, જ્યારે રિદ્ધિ સુરક્ષા તપાસ બાદ એરપોર્ટની અંદર પ્રવેશી રહી હતી ત્યારે તેણે પરિવારને કહ્યું હતું કે, "તમે આખી રાત જાગ્યા છો. ઘરે જઈને આરામ કરજો. હું પણ પ્લેનમાં સૂઈ જઈશ અને લંડન પહોંચીને ફોન કરીશ." પરંતુ દીકરીનો ફોન આવવાને બદલે અકસ્માતના સમાચાર મળતાં જાણે આખું આકાશ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
પાંચ દિવસની રાહ બાદ મળ્યો મૃતદેહ
દુર્ઘટના બાદ પરિવાર માટે સૌથી મુશ્કેલ સમય શરૂ થયો હતો. સતત પાંચ દિવસ સુધી આશા અને નિરાશા વચ્ચે ઝૂલ્યા બાદ DNA પરીક્ષણ દ્વારા રિદ્ધિની ઓળખ થઈ હતી. ત્યારબાદ મૃતદેહ અમરેલી લાવવામાં આવ્યો હતો અને સમાજના લોકોની હાજરીમાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી.
પરિવાર માટે ક્યારેય ન ભરાઈ શકે એવી ખોટ
ગીતાબેન કહે છે કે, રિદ્ધિ તેમના ઘરની ખુશીઓનું કેન્દ્ર હતી. તેના અવસાન બાદ આખો પરિવાર ખાલીપો અનુભવી રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર પુત્રીના નિધન બાદ મળતી સહાય તેના પતિને મળી હતી અને થોડા સમય બાદ તેણે જીવનમાં આગળ વધવાનો નિર્ણય લીધો. પરંતુ માતા-પિતા માટે દીકરીની યાદો આજે પણ એટલી જ તાજી છે.
અમરેલીના છ લોકોએ ગુમાવ્યા હતા જીવ
અમદાવાદ પ્લેન ક્રેશમાં માત્ર રિદ્ધિ જ નહીં પરંતુ અમરેલી જિલ્લાના કુલ છ લોકોના મોત થયા હતા. તેમાં એક દંપતી અને વડીયામાં પત્નીની અંતિમવિધિમાં હાજરી આપીને લંડન પરત ફરી રહેલો એક યુવાન પણ સામેલ હતો. આ દુર્ઘટનાએ સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફેલાવ્યું હતું.
બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવાની માંગ
દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં રિદ્ધિની માતા ગીતાબેન પડસાલાએ ફરી એકવાર સરકાર સમક્ષ માંગણી કરી છે કે બ્લેક બોક્સનો ડેટા જાહેર કરવામાં આવે અને અકસ્માત પાછળના સાચા કારણો લોકો સમક્ષ લાવવામાં આવે. તેમનું કહેવું છે કે સત્ય સામે આવશે તો ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે જરૂરી પગલાં લઈ શકાશે અને અન્ય કોઈ પરિવારને આવું દુઃખ સહન કરવું નહીં પડે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી