રાજ્ય સરકારે ગરીબ પરિવારની દીકરીઓ માટે વર્ષ 2019 થી 'વહાલી દીકરી યોજના' અમલમાં મૂકી છે. ગરીબ પરિવારમાં જન્મેલી દીકરીઓ માટે રાજ્ય સરકાર વહાલી દીકરી યોજના થકી સમાંતર માતા-પિતાની ભૂમિકા ભજવી રહી છે.
યોજના થકી ગરીબ પરિવારની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોના ખર્ચને પહોંચી વળવા સરકારની મદદ મળી રહી છે. છેલ્લા 5 વર્ષમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે.
'વહાલી દીકરી યોજના' હેઠળ આવતા વર્ષથી એટલે કે 2025-26 થી લાભ મળવા લાગશે. લાભાર્થી દીકરીઓ ધોરણ 1 માં પ્રવેશ લીધા પછી જ લાભ મેળવવા પાત્ર બને છે.
યોજનાની લાભાર્થી દીકરીઓને 18 વર્ષની ઉંમર સુધી 4 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. રાજ્ય સરકારે ઓગસ્ટ-2019માં સ્ત્રી ભ્રૂણ હત્યા અને બાળ લગ્ન અટકાવવા તેમજ કન્યા કેળવણી અને સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા ‘વહાલી દીકરી યોજના’ શરૂ કરી હતી.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ ગરીબ પરિવારમાં 2 ઓગસ્ટ, 2019 અથવા તે પછી જન્મેલી દીકરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્ય સરકારે 2019 થી 2023-24 સુધી યોજના માટે 460.85 કરોડની જોગવાઈ કરી હતી. પરંતુ સરકારે અત્યાર સુધીમાં જોગવાઈ કરતાં વધુ એટલે કે 494.14 કરોડની ફાળવણી કરી છે.
દીકરીઓને 4 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય
‘વહાલી દીકરી યોજના’ હેઠળ રાજ્ય સરકાર 2 લાખ રૂપિયા કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારની દીકરીઓને ધોરણ-1માં પ્રવેશ સમયેS 4 હજાર ધોરણ-9માં પ્રવેશ સમયે 6 હજાર અને 18 વર્ષની વયે પહોંચતતા 1 લાખની સહાય આપશે. આ સમયગાળા દરમિયાન ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય તો રાજ્ય સરકાર તેમની દીકરીને 10 હજારની વધારાની વીમા રકમ આપશે.
આગામી વર્ષે 12,622 દીકરીઓને પ્રથમ હપ્તો ચુકવાશે
‘વહાલી દીકરી યોજના’ અમલમાં મૂક્યા બાદ માર્ચ-2024 સુધીમાં ગરીબ પરિવારની 2 લાખ 37 હજારથી વધુ દીકરીઓનું રજીસ્ટ્રેશન થયું છે. તેમાંથી વર્ષ 2019-20માં નોંધાયેલી 12 હજાર 622 દીકરીઓને આગામી વર્ષ 2025-26માં તેઓ ધોરણ 1માં પ્રવેશ લેશે ત્યારે યોજના હેઠળ પ્રથમ હપ્તા તરીકે 4 હજાર રૂપિયા આપવામાં આવશે.
વર્ષ 2020-21માં સંખ્યા વધીને 44 હજાર 664, વર્ષ 2021-22માં 1 લાખ 14 હજાર 567, વર્ષ 2022-23માં 1 લાખ 70 હજાર અને વર્ષ 2023-24 (માર્ચ-2024 સુધીમાં) સંખ્યા વધીને કુલ 2 લાખ 37 હજાર 12 થઈ ગઈ છે. આ તમામ દીકરીઓને યોજના હેઠળ ધોરણ-1, ધોરણ-9માં પ્રવેશ માટે અને 18 વર્ષની ઉંમર પછી ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન પ્રસંગે આર્થિક સહાય મળશે.
કેવા પરિવારની દીકરીઓને યોજનાનો લાભ મળશે
રાજ્ય સરકારે 2 લાખ રૂપિયા કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા ગરીબ પરિવારની દીકરીઓને શિક્ષણ અને લગ્ન માટે મદદ કરવા 'વહાલી દીકરી યોજના' મૂકી છે. જે પરિવારને વધુમાં વધુ 3 બાળકો હોય, દંપતિના 3 બાળકોમાં એક, બે અથવા ત્રણેય દીકરીઓ હોય તો આ યોજનાનો લાભ મેળવી શકશે.
‘વહાલી દીકરી યોજના’ માટે LICને ફંડ મેનેજમેન્ટ એજન્સી તરીકે રોકવામાં આવી
રાજ્ય સરકારે 'વહાલી દીકરી યોજના' માટે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC) ને ફંડ મેનેજમેન્ટ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. રાજ્ય સરકારે યોજનાના અમલીકરણ અને લાભાર્થીઓને સહાયની રકમના વિતરણ માટે એલઆઈસી સાથે એમઓયુ કર્યા છે.
જે અંતર્ગત રાજ્ય સરકાર લાભાર્થીની નોંધણી બાદ એલઆઈસીને દર વર્ષે લાભાર્થી દીઠ 8,100ના પાંચ હપ્તામાં કુલ 81,500 આપશે. આ કરાર હેઠળ રાજ્ય સરકારે વર્ષ 2023-24 (માર્ચ-2024) સુધી એલઆઈસીને કુલ 491 કરોડ ચૂકવ્યા છે.
ત્યારબાદ અન્ય 63.09 કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધી LICને 544.09 કરોડ ચૂકવ્યા છે.