ભારતમાલા પ્રોજેક્ટઃ ખેડૂતોએ શા માટે કહ્યું કે, ‘મરી જઈશું પણ જમીન નહીં આપીએ’
થરાદ-અમદાવાદ હાઈવે માટે વર્ષ 2011ની જંત્રી મુજબ વળતરની નોટિસો અપાતા ખેડૂતોમાં રોષ

થરાદ, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું

થરાદ, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ-અમદાવાદ હાઈવેમાં સંપાદન થનાર જમીનના અપૂરતા વળતર મુદ્દે ખેડૂતોમાં ફરીથી વિરોધ શરૂ થયો છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, કાંકરેજ અને દિયોદર તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ‘મરી જઈશું પણ જમીન નહીં આપીએ’ તેમ કહી રોષ વ્યક્ત કર્યો હતો. થરાદ-અમદાવાદ હાઈવે માટે રેવન્યૂ તલાટીઓએ અસરગ્રસ્ત ખેડૂતોને વર્ષ 2011ની જંત્રી પ્રમાણે જમીન સંપાદનનો એવોર્ડ જાહેર કરી 60 દિવસમાં જમીન ખાલી કરવા નોટિસ આપતાં ખેડૂતો વિફર્યા છે.
થરાદ-અમદાવાદ હાઈવે માટે જમીન સંપાદિત થનાર અસરગ્રસ્ત ખેડૂતોએ અપૂરતા વળતર મુદ્દે વિરોધ શરૂ કર્યો છે. થરાદ, લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના નારાજ ખેડૂતો પાલનપુર કલેકટર કચેરીએ એકઠાં થયા હતા. કલેક્ટરને આવેદનપત્ર આપી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી ‘મરી જઈશું પણ જમીન નહીં આપીએ’ તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો હતો. થરાદ-અમદાવાદ ગ્રીન કોરિડોર એક્સપ્રેસ હાઈવે માટે થરાદ, લાખણી, દિયોદર અને કાંકરેજ તાલુકાના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે. રેવન્યુ તલાટી મારફતે જમીન સંપાદનનો એવોર્ડ જાહેર કરી 60 દિવસમાં જમીન ખાલી કરવા ખેડૂતોને નોટિસ મળી છે.
ભારતમાલા પ્રોજેક્ટ ખેડૂત હિતરક્ષક સમિતિના કન્વીનર વિપુલ પટેલે જણાવ્યું કે, વર્ષ 2011ની જૂની જંત્રીના આધારે વળતર નક્કી કરી નોટિસ આપવામાં આવી રહી છે. વર્ષ 2025માં ગુજરાત સરકારે નવી મુસદ્દા જંત્રી જાહેર કરી છે. જે મુજબ જમીનના બજારભાવ ઘણાં ઊંચા છે. આજુબાજુના ગામોમાં જમીનના ભાવ 60 થી 70 લાખ રૂપિયા પ્રતિ એકર પહોંચી ગયા છે. વ્યાજની ગણતરીમાં પણ અન્યાય થયો છે. મહેસૂલ વિભાગના 11 સપ્ટેમ્બર 2018ના ઠરાવ મુજબ ત્રણ પદ્ધતિમાંથી જે વધુ હોય તે મુજબ વળતર આપવાનું હોય છે.
તેમણે ઉમેર્યુ કે, નવી જંત્રી, નજીકના ગામની ઊંચી જંત્રી અને ખાનગી સંપાદન માટે નક્કી થયેલી રકમનો સમાવેશ થાય છે. વીજ લાઇન માટે બે વર્ષ પહેલાં ઊંચું વળતર અપાયું છે. છતાં અત્યારે માત્ર 2011ની જંત્રી ધ્યાને લેવામાં આવી છે. જે ખેડૂતો સાથે અન્યાય છે. જમીન એ જ છે તો વળતરમાં 10 થી 20 ગણો તફાવત કેમ? ખેડૂતોની માંગ છે કે નવી મુસદ્દા જંત્રી મુજબ વળતર આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. રસ્તા રોકો, રેલ રોકો જેવા ઊગ્ર આંદોલન કરીશું તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.
વિપુલ પટેલે વધુમાં કહ્યું કે, દિયોદર પ્રાંત અધિકારીએ વળતર મુદ્દે પાઠવેલી નોટિસથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. બનાસકાંઠાના કિસ્સા બાદ હવે પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પણ જાગ્યા છે. નવી જંત્રીના બદલે જૂની વર્ષ 2011ની જંત્રી પ્રમાણે વળતર જાહેર કરાશે તો બનાસકાંઠા બાદ હવે પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતો પણ લડત શરૂ કરશે.
થરાદ તાલુકાના સણાવિયા ગામના ખેડૂત પ્રેમાભાઈ ચૌહાણે કહ્યું કે, એક્સપ્રેસ હાઇવે માટે એવોર્ડ જાહેર કર્યા છે. જેમાં મારા એક એકરના 4 લાખ મંજૂર કર્યા છે. જ્યારે નાની પાવડ અને મોટી પાવડમાં 39 લાખ એવોર્ડ કરવામાં આવ્યો છે. કેટલાક ખેડૂતોને વધારે વળતર મંજૂર થયા છે તો આવો ભેદભાવ કેમ? હું મરી જઈશ પણ મારી જમીન નહીં આપું. લાખણી તાલુકાના લીંબાઉ ગામના ખેડૂતોએ જણાવ્યું કે, વર્ષ 2021માં અમે બિન ખેતી માટે અરજી કરી હતી. પરંતુ અમારી અરજી નામંજૂર કરવામાં આવી હતી. જ્યારે બીજા ખેડૂતોની બિનખેતી કેવી રીતે થઈ તેની તપાસ કરવામાં આવે. કારણકે બિનખેતીની જમીન માટે તેમને 7 કરોડનો એવોર્ડ જાહેર કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત થરાદથી અમદાવાદ સુધી 214 કિલોમીટર લાંબો ગ્રીન કોરિડોર એક્સપ્રેસ હાઈવે થરાદ તાલુકાના વજેગઢ ગામથી શરૂ થઈ અમદાવાદના દસક્રોઈ તાલુકાના ભુવાલ ગામ સુધી પહોંચશે. આ એક્સપ્રેસ હાઈવે 6 થી 8 લેનનો હશે. આ હાઈવે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના 14 તાલુકાઓના 103 ગામોમાંથી પસાર થશે. 2 ઓગસ્ટ 2024ના રોજ મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકમાં દેશમાં કુલ રૂપિયા 50,655 કરોડના વિવિધ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેકટને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં થરાદથી અમદાવાદ સુધીના 214 કિલોમીટર લાંબા સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈસ્પીડ કોરિડોર માટે રૂપિયા 10,534 કરોડ મંજૂર કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.