12 જૂનના રોજ અમદાવાદમાં થયેલી ભયાવહ વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. મેઘાણીનગરના રણવીરસિંહ અને ચેતનાબા નામના દંપતિનું આ દુર્ઘટનામાં દુખદ અવસાન થયું છે, જેમના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
આધાર કાર્ડ માટે નીકળેલા દંપતી ક્યારેય પાછા ન ફર્યા...
પ્રાથમિક માહિતી અનુસાર, રણવીરસિંહ અને ચેતનાબા આધાર કાર્ડ સંબંધિત કામ માટે ઘરેથી નીકળ્યા હતા. તેમને ક્યાં ખબર હતી કે, આ તેમની અંતિમ યાત્રા બની રહેશે. તેઓ ક્યારેય પોતાના ઘરે પરત ફર્યા નથી, અને તેમની પાછળ એક 7 વર્ષનો નિર્દોષ બાળક અને 20 વર્ષની દીકરીને મૂકી ગયા છે.
ફાધર્સ ડેના દિવસે બાળક પિતાની રાહ જોતો રહ્યો...
આ હૃદયદ્રાવક ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે, 7 વર્ષનો બાળક હજુ પણ આ ભયાવહ સચ્ચાઈથી અજાણ છે. તેને ખબર નથી કે તેના માતા-પિતા હવે આ દુનિયામાં નથી. ફાધર્સ ડેના દિવસે પણ તે પોતાનો પિતા ઘરે આવશે તેવી આશામાં રાહ જોઈ રહ્યો છે, જ્યારે 20 વર્ષની દીકરી પોતાના પિતાને ગુમાવવાનું દર્દ જીવી રહી છે. આ દંપતીના મૃતદેહ માટે પરિવારજનો રાહ જોઈ રહ્યા છે, કારણ કે બાળકોને હજુ પણ તૂટેલા નાતાની ખબર નથી.

આ પણ વાંચો : Ahmedabad Plane Crash : 47 DNA સેમ્પલ મેચ, 25 મૃતદેહો સોંપાયા, તંત્રની ઝડપી કાર્યવાહી...
આધાર કાર્ડ અને નંબર પ્લેટ પરથી થઈ ઓળખ...
આ દુર્ઘટનામાં મૃતદેહોની ઓળખ કરવી અત્યંત મુશ્કેલ બની ગઈ છે. રણવીરસિંહ અને ચેતનાબાની ઓળખ તેમના આધાર કાર્ડની કોપી અને તેમના વાહનની નંબર પ્લેટ પરથી થઈ હતી. આ ઘટના દર્શાવે છે કે આ દુર્ઘટના કેટલી ભયાવહ હતી કે મૃતદેહો પણ ઓળખી શકાય તેવી સ્થિતિમાં નહોતા. મેઘાણીનગરનો આ પરિવાર વિમાન દુર્ઘટનાનો વધુ એક કરુણ શિકાર બન્યો છે, જેણે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જ્યો છે. આ દુઃખની ઘડીમાં પરિવારજનોને આ દુર્દશામાંથી બહાર આવવાની શક્તિ મળે તેવી પ્રાર્થના.
આ પણ વાંચો : Ahmedabad Plane Crash : 4 કલાકમાં જ બચાવ કામગીરીનો મોટો હિસ્સો સંપન્ન - બંછાનિધિ પાની