Ahmedabad Heavy Rain: અમદાવાદમાં ભારે વરસાદે ફરી શહેરની મુશ્કેલીઓ વધારી છે. 18 સપ્ટેમ્બર, 2026ની વહેલી સવારથી શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. સવારે 7થી 9 વાગ્યા દરમિયાન અમદાવાદમાં સરેરાશ આશરે બે ઈંચ વરસાદ નોંધાયો હોવાની માહિતી છે. સરખેજ અને નવરંગપુરામાં સૌથી વધુ ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે બાકરોલ, સરખેજ-જુહાપુરા રોડ, કાલુપુર અને પ્રેમ દરવાજા વિસ્તારમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ભારે વરસાદના કારણે અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે અને શહેરના અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક ધીમો પડ્યો છે. વેજલપુર, SG હાઇવે, પ્રહલાદનગર, હાટકેશ્વર અને નરોડા સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે.
અમદાવાદમાં કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ?
ગોતા, ઓગણજ, રાણીપ, ઉસ્માનપુરા, ન્યુ રાણીપ, પાલડી, જમાલપુર, દુધેશ્વર, માધુપુરા, દિલ્હી દરવાજા, શાહીબાગ અને અસારવા વિસ્તારમાં અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હોવાની માહિતી છે. ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સાયન્સ સિટી, બોપલ, ઘુમા, થલતેજ, મેમનગર, સરદારનગર, એરપોર્ટ, લાંભા, વટવા, ઇસનપુર, જશોદાનગર, ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ અને વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં આશરે બે ઈંચ વરસાદ નોંધાયો છે. વેજલપુર, પેલેડિયમ મોલથી થલતેજ મેટ્રો સ્ટેશન તરફનો માર્ગ, મકરબા, પ્રહલાદનગર, હાટકેશ્વર, નરોડા, વિજય ચાર રસ્તા, મેમનગર અને SG હાઇવે પર પાણી ભરાતા વાહનવ્યવહારને અસર થઈ છે.
ભારે વરસાદ વચ્ચે સ્કૂલોને રજા અંગે DEOની સૂચના
અમદાવાદમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા સૂચના આપવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય અથવા સ્થાનિક પરિસ્થિતિ જોખમી લાગે તો શાળા સંચાલકો પોતાની વિવેકબુદ્ધિથી રજા જાહેર કરી શકે છે.
AMTS અને BRTS બસ સેવા પર વરસાદની અસર
અમદાવાદમાં ભારે વરસાદની અસર AMTS અને BRTS બસ સેવા પર પણ જોવા મળી રહી છે. પાણી ભરાયેલા વિસ્તારોને કારણે કેટલીક બસો બંધ પડી હોવાની અને કેટલાક રૂટને વૈકલ્પિક માર્ગે ડાયવર્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી છે. અખબારનગર, માદલપુર ગરનાળા, શાહીબાગ, ચંદ્રનગર-વાસણા, ગુરુકુળ, ગોતા, આનંદનગર, વિશાલા સર્કલ અને વેજલપુર તરફના રૂટ પર અસર જોવા મળી છે. BRTS સેવામાં પણ પાણી ભરાવાના કારણે કેટલાક રૂટ બંધ અથવા ટૂંકાવવામાં આવ્યા હોવાની માહિતી છે. જેના કારણે ઓફિસ, વેપાર અને અન્ય કામ માટે બહાર નીકળેલા લોકોને મુસાફરીમાં મુશ્કેલી પડી રહી છે.
અંડરપાસ અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા
મકરબા અંડરપાસમાં પાણી ભરાતા તેને બંધ કરવાની સ્થિતિ સર્જાઈ છે. SG હાઇવે પર સોલા બ્રિજ નજીક, મકરબાથી કોર્પોરેટ રોડ, વસ્ત્રાલ RTO રોડ અને પ્રહલાદનગર વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. અખબારનગર અંડરપાસમાં પણ પાણી ભરાતા તેને બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. ચાંદલોડિયા ડમરું સર્કલ પાસે ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડ્યું હતું. તેને હટાવવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી હોવાની માહિતી છે.
ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ
અમદાવાદ ઉપરાંત મહેસાણા, મહીસાગર, વિસનગર, નવસારી, પાલનપુર અને વાવ-થરાદ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. મહીસાગરના ખાનપુરમાં 49 મિ.મી., સંતરામપુરમાં 24 મિ.મી., કડાણામાં 23 મિ.મી. અને વીરપુરમાં 22 મિ.મી. વરસાદ નોંધાયો હોવાની માહિતી છે. IMDના 18 સપ્ટેમ્બરના બુલેટિન મુજબ ગુજરાત રિજનમાં ગાજવીજ, વીજળી અને તેજ પવન સાથે હવામાન પ્રવૃત્તિની ચેતવણી છે. અમદાવાદ માટે 18 અને 19 સપ્ટેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.
વાસણા બેરેજના 14 દરવાજા ખોલાયા
અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા હોવાની માહિતી છે. સતત વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નિકાલની કામગીરી ચાલી રહી છે. હાલ અમદાવાદમાં ભારે વરસાદ, પાણી ભરાવા અને ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોએ નીચાણવાળા રસ્તાઓ, અંડરપાસ અને વધુ પાણી ભરાયેલા માર્ગો પર સાવચેતી રાખવી જરૂરી છે.