અમદાવાદમાં ડેન્ગ્યુનો કહેર, 20 દિવસમાં 496 કેસ
માત્ર 20 દિવસમાં 496 કેસ, જ્યારે 2026માં અત્યાર સુધીનો આંકડો 1,084 પર પહોંચ્યો!

અમદાવાદમાં ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગોના વધતા કેસ (AI જનરેટેડ)

અમદાવાદમાં ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગોના વધતા કેસ (AI જનરેટેડ)
Ahmedabad Dengue-Malaria Cases: અમદાવાદ શહેરમાં બદલાતી ઋતુ અને વરસાદ બાદ મચ્છરજન્ય તથા પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના આંકડા મુજબ, સપ્ટેમ્બર મહિનાના પ્રથમ 20 દિવસમાં જ ડેન્ગ્યુના 496 કેસ નોંધાયા છે. આ સાથે 2026માં 20 સપ્ટેમ્બર સુધીમાં અમદાવાદમાં ડેન્ગ્યુના કુલ કેસનો આંકડો 1,084 પર પહોંચ્યો છે.
સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના કેસમાં 37 ટકાનો ઉછાળો
અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 361 કેસ નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરના માત્ર 20 દિવસમાં 496 કેસ સામે આવ્યા છે. એટલે કે ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરના 20 દિવસમાં જ 135 વધુ કેસ નોંધાયા છે. આ વધારો 37 ટકાથી વધુ છે. સપ્ટેમ્બરના પ્રથમ 20 દિવસમાં નોંધાયેલા કેસો સમગ્ર વર્ષના અત્યાર સુધીના ડેન્ગ્યુ કેસોના લગભગ 46 ટકા છે.
મેલેરિયા અને ચિકનગુનિયાના કેસ પણ નોંધાયા
ડેન્ગ્યુની સાથે અમદાવાદમાં અન્ય મચ્છરજન્ય રોગોના કેસ પણ નોંધાઈ રહ્યા છે. સપ્ટેમ્બરના પ્રથમ 20 દિવસમાં મેલેરિયાના 70, ઝેરી મેલેરિયાના 22 અને ચિકનગુનિયાના 7 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર 2026 સુધીમાં અમદાવાદમાં મેલેરિયાના 386, ઝેરી મેલેરિયાના 69 અને ચિકનગુનિયાના 14 કેસ નોંધાયા છે.
51 હોટસ્પોટ પર આરોગ્ય વિભાગની નજર
અમદાવાદમાં મચ્છરજન્ય રોગોના વધતા કેસને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા હોટસ્પોટ વિસ્તારોમાં સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં પાણી ભરાવાના સ્થળો, બાંધકામ સાઇટ, ધાબા, બેઝમેન્ટ અને ખુલ્લી જગ્યાઓમાં મચ્છરના પોરા શોધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. AMCના આરોગ્ય વિભાગ દ્વારા મચ્છરના ઉપદ્રવને રોકવા માટે પાણીના સ્થળોની તપાસ, પોરાનાશક કામગીરી અને ફોગિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
પાણીજન્ય રોગોમાં પણ વધારો
અમદાવાદમાં માત્ર ડેન્ગ્યુ અને મેલેરિયા જ નહીં, પરંતુ પાણીજન્ય રોગોના કેસોમાં પણ વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરના પ્રથમ 20 દિવસમાં ઝાડા-ઊલટીના 140, ટાઈફોઈડના 172 અને કમળાના 48 કેસ નોંધાયા છે. પીવાના પાણીની ગુણવત્તા ચકાસવા માટે સપ્ટેમ્બરમાં 4,873 પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. તેમાંથી 13 નમૂના પીવા માટે અનફિટ જાહેર થયા હતા. આ ઉપરાંત પાણીમાં ક્લોરિનની માત્રા ચકાસવા માટે પણ મોટા પાયે ટેસ્ટિંગ હાથ ધરાયું છે.
ડેન્ગ્યુના કેસ વધ્યા, ટેસ્ટિંગ કેટલું થયું?
અમદાવાદમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે ટેસ્ટિંગના આંકડા પણ મહત્વના બન્યા છે. સપ્ટેમ્બરના પ્રથમ 20 દિવસમાં 7,762 ડેન્ગ્યુ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જ્યારે જાન્યુઆરીથી 20 સપ્ટેમ્બર સુધીમાં કુલ 54,260 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું આરોગ્ય વિભાગના આંકડામાં દર્શાવવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગની લોકોને ખાસ અપીલ
મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધતા કેસ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે. ઘરમાં અથવા આસપાસ પાણી ભરાઈ ન રહે તે જોવું, મચ્છરોના પોરા ન થાય તેની તકેદારી રાખવી અને પીવાનું પાણી સ્વચ્છ તથા સુરક્ષિત હોય તેની ખાતરી કરવી જરૂરી છે. તાવ, શરીરમાં દુખાવો, ઉબકા, ઊલટી જેવા લક્ષણો જોવા મળે તો તેને અવગણવાને બદલે તબીબી સલાહ લેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ડેન્ગ્યુના વધતા કેસ અને પાણીજન્ય રોગચાળાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં આરોગ્ય વિભાગની કામગીરી મહત્વપૂર્ણ બની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹14.59 કરોડ પરત થયા છતાં ગુજરાત યુનિવર્સિટીના PMJVK પ્રોજેક્ટને લઈને સવાલો કેમ યથાવત છે?

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...