સુરેન્દ્રનગર જિલ્લામાં બાળકોને ભાજપના સદસ્ય બનાવવા મામલે શાળાના આચાર્યને નોટિસ ફટકારી
જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ગ-2 ના અધિકારીને ખાતાકીય તપાસ સોંપી

Age no bar, even children can enrol as BJP members in Gujarat

Age no bar, even children can enrol as BJP members in Gujarat
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના અણીન્દ્રાની કુમારી એમ.આર ગાર્ડી વિદ્યાલયમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. ભાજપનો ટાર્ગેટ પૂરો કરવા માટે વિદ્યાર્થીઓને પક્ષના સદસ્ય બનાવવાનો મામલો ચર્ચાસ્પદ બનતાં જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યને નોટિસ ફટકારી ખુલાસો માગ્યો છે. જ્યારે વર્ગ-2ના અધિકારીને ખાતાકીય તપાસ સોંપીને 3 દિવસમાં અહેવાલ સોંપવા આદેશ કર્યો છે.
વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામની કુમારી એમ.આર ગાર્ડી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવામાં આવ્યા છે. સદસ્યતા અભિયાનમાં બાળકોને રાજકીય પક્ષમાં જોડવાની શિક્ષકોની કામગીરીને લઈ અનેક સવાલ ઉઠ્યા છે.
સદસ્યતા અભિયાન અંતર્ગત વધુમાં વધુ લોકોને જોડવા ભાજપે તમામ હોદ્દેદારોને ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટ પૂરો કરવા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ભાજપમાં જોડી દેવાયા છે.
માધ્યમિક શાળાના આચાર્યના આદેશથી શિક્ષકે વાલીઓના વોટ્સએપ ગૃપમાં મેસેજ કરી વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈને આવવા સૂચના આપી હતી. એટલું જ નહીં, તમામ વિદ્યાર્થીઓએ વાલીનો ફોન ફરજિયાત લાવવાનો આદેશ કરી વોટ્સએપ ગૃપમાં ભાજપમાં જોડાવાની લીન્ક નાખી હતી. ધોરણ-9 ના વિદ્યાર્થીઓને તિરંગો પકડાવી ભાજપની લીન્કના આધારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી ભાજપના સભ્ય કાર્ડ બનાવ્યા હતા. ત્યારબાદ ભાજપના સભ્ય બનાવ્યાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
શાળાના સંચાલકને નોટિસ પાઠવી ખુલાસો માગ્યોઃ જિલ્લા શિક્ષણાધિકારી
આ મામલે સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝાને પૂછતાં તેઓએ જણાવ્યુ હતુ કે, અમને જાણ થતાં અણીન્દ્રા ગામની માધ્યમિક શાળા ગ્રાન્ટેડ હોવાથી સંચાલકને નોટિસ પાઠવી 3 દિવસમાં ખુલાસો કરવા કહ્યુ છે. જ્યારે વર્ગ-2ના અધિકારીને ખાતાકીય તપાસ સોંપીને સમગ્ર મામલામાં જવાબદાર શિક્ષકો અને પ્રિન્સિપાલની ભૂમિકા અંગે 3 દિવસમાં અહેવાલ કરવા કહ્યુ છે. બંને તપાસની સમીક્ષા બાદ જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.
શાળામાં શિક્ષણ આપવાના બદલે રાજકીય અખાડો બનાવ્યો
સુરેન્દ્રનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા રમેશ મેરે જણાવ્યુ કે વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવાથી માધ્યમિક શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકોની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. પક્ષનો ટાર્ગેટ પૂરો કરવા આટલું બધું દબાણ કેમ? દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ અપાયો છે અને આ ટાર્ગેટ પૂરો કરવા શાળાના વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રિન્સિપાલના કહેવાથી શિક્ષકોએ વોટ્સએપમાં મેસેજ કર્યો હોવાથી પ્રિન્સિપાલ સામે કાર્યવાહી થવી જોઈએ.
શિક્ષક અને પ્રિન્સિપાલે એકબીજા પર જવાબદારી ઢોળી
વોટ્સએપ ગૃપમાં મેસેજ કરનાર કુમારી એમ.આર ગાર્ડી વિદ્યાલયના શિક્ષક ચંદ્રેશ પ્રજાપતિને પૂછતાં તેઓએ પ્રિન્સિપાલ મુકેશ નિમાવતના કહેવાથી વિદ્યાર્થીઓને ભાજપ સદસ્યતા જોડ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. જ્યારે પ્રિન્સિપાલ મુકેશ નિમાવતે શિક્ષક પર જવાબદારી ઢોળીને જે તે સમયે તેઓ દિલ્હી ગયા હોવાનો બચાવ કર્યો હતો. તેમના મિત્રને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હોવાથી તેમની સાથે એવોર્ડ સ્વીકારવા દિલ્હી ગયા હોવાથી 10 દિવસની રજા ઉપર હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.
બે વર્ષ અગાઉ બહુચરાજી અને ગોધરાની કોલેજમાં પણ વિવાદ થયો હતો
વર્ષ 2022ના જુલાઈ માસમાં ભાજપે સદસ્યતા અભિયાન શરૂ કર્યુ હતુ. તે સમયે ભાજપના હોદ્દેદારોએ બહુચરાજીની આર્ટસ કોલેજના વર્ગખંડમાં જઈને અભ્યાસ રોકાવી દરેક વિદ્યાર્થીને મોબાઈલથી રજિસ્ટ્રેશન કરાવીને ભાજપના સદસ્ય બનાવ્યા હતા. જ્યારે ગોધરાની કોમર્સ અને બીએડ કોલેજમાં પણ તત્કાલિન જિલ્લા પંચાયત પ્રમુખે કોલેજના વિદ્યાર્થીઓ પાસે તેમના મોબાઇલમાં ભાજપના સદસ્ય બનાવવાનું જણાવી વિદ્યાર્થીઓને ભાજપના સદસ્ય બનાવ્યા હતાં. ત્યારબાદ વિવાદ થતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?