70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરષ્કારની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ ને ત્રણ એવોર્ડ મળ્યા છે. માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. સામાજીક પર્યાવરણીય મૂલ્યોને ઉજાગર કરતી કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી છે.
70માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતી ફિલ્મ 'કચ્છ એક્સપ્રેસ' માટે અભિનેત્રી માનસી પારેખને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરષ્કાર જાહેર કરવામાં આવ્યો છે. માનસી પારેખ સાથે નિત્યા મેનનને તમિળ ફિલ્મ 'તિરુચિત્રંબલમ' માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો બેસ્ટ એવોર્ડ મળ્યો છે. સુપરહિટ કન્નડ ફિલ્મ 'કંતારા' માટે અભિનેતા રિષભ શેટ્ટીને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
જ્યારે મલયાલમ ફિલ્મ 'અટ્ટમ' દેશની સર્વશ્રેષ્ઠ ફિલ્મ જાહેર કરવામાં આવી છે. મનોજ બાજપાઇ અને શર્મિલા ટાગોર સ્ટારર ફિલ્મ 'ગુલમોહર'ને બેસ્ટ હિંદી ફિલ્મ અને સૂરજ બડજાત્યાને ફિલ્મ 'ઊંચાઈ' માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ એનાયત કરાયો છે. આ ફિલ્મ માટે નીના ગુપ્તાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘કચ્છ એક્સપ્રેસ’ને રાષ્ટ્રીય પુરષ્કાર મેળવવા બદલ શુભેચ્છા પાઠવી છે. મુખ્યમંત્રીએ એક ટ્વીટ કરી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ ને સામાજીક પર્યાવરણીય મૂલ્યોને ઉજાગર કરતી કેટેગરીમાં, માનસી પારેખ ગોહિલને શ્રેષ્ઠ અભિનેત્રી અને નિક્કી જોશીને શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનરની કેટેગરીમાં એવોર્ડ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
આ નેશનલ એવોર્ડ્સ ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા 1 જાન્યુઆરી 2022 અને 31 ડિસેમ્બર 2022 વચ્ચે સેન્સર પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે તેને આપવામાં આવ્યા છે. એવોર્ડ સમારોહ ઓક્ટોબર-2024માં યોજાશે.
રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દેશનો સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ પુરસ્કાર છે. તેની શરૂઆત 1954માં થઈ હતી. સર્વશ્રેષ્ઠ ફિલ્મ શ્રેણીમાં પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મરાઠી ફિલ્મ 'શ્યામચી આયી'ને મળ્યો હતો.