અમદાવાદમાં થયેલી એર ઇન્ડિયા પ્લેન ક્રેશની દુર્ઘટનાએ અનેક પરિવારોને ગમમાં ગરકાવ કરી દીધા છે. એવા એક પરિવારમાંથી એક વડોદરાની નેન્સીબેન પટેલનો પરિવાર છે. નેન્સીબેન પોતે લંડનમાં પતિ ચૈત્રેશભાઈ પટેલ અને ત્રણ વર્ષની દીકરી આંશી સાથે રહેતા હતા. થોડા દિવસ પહેલા સ્કૂલમાં વેકેશન હોવથી દીકરીને દાદા-દાદી સાથે રાખવા માટે તેઓ વડોદરા આવ્યા હતા.
12 જૂને ફ્લાઈટમાં થયા હતા સવાર
12 જૂને નેન્સીબેન એકલા જ ફ્લાઈટમાં સવાર થઈ હતી, જ્યારે આંશી પોતાના દાદા-દાદી સાથે રહી હતી. દુર્ઘટનાની જાણ થતા પરિવારજનો તાત્કાલિક અમદાવાદ દોડી ગયા હતા. દુર્ઘટનાના કારણે પરિવારજનોએ નેન્સીબેનના શોધ માટે DNA સેમ્પલ આપી દીધો છે.
આંશીનો માસૂમ સવાલ
માત્ર 3 વર્ષની આંશી વારંવાર પુછે છે, “મમ્મી ઓફિસ ગઈ છે?” - પણ પરિવારજનો પાસે આ સવાલનો કોઈ જવાબ નથી. આજે પણ આંશી દરવાજા પર મમ્મીની રાહ જોઈ રહી છે.
શોક સાથે પરિવારનો સંઘર્ષ
રવિવારે ચૈત્રેશભાઈ લંડનથી વડોદરા આવી ગયા હતા. પરિવારજનો અને સગાસબંધીઓ સતત તેમના ઘરે આવી રહ્યા હતા અને ભરી આંખોથી દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. પરિવારને હોસ્પિટલ તરફથી DNA ટેસ્ટ માટે 72 કલાકનો સમય મળ્યો છે.