ઉકાઈ ડેમના 11 દરવાજા ખોલી 2 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહી
58 ડેમ છલકાયા, 72 ડેમ હાઈએલર્ટ પર, 50 ડેમમાં 25 ટકા કરતાં ઓછું પાણી

11 gates of Ukai Dam opened, releasing 2 lakh cusecs of water, { File photo }

11 gates of Ukai Dam opened, releasing 2 lakh cusecs of water, { File photo }
છેલ્લાં 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની આવક વધતાં ઉકાઈ ડેમની જળ સપાટી 335.25 ફૂટે પહોંચી છે. ઉકાઈ ડેમમાં દર કલાકે 1.90 લાખ ક્યુસેક પાણીની આવક થતાં તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ઉકાઈ ડેમના 11 ગેટ 2.44 મીટર ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં તાપી નદી બે કાંઠે વહી રહી છે. જ્યારે રાજ્યમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે 58 ડેમ છલકાયા છે. 72 ડેમ હાઈ એલર્ટ પર છે અને 50 ડેમમાં હજુ પણ 25 ટકા કરતાં ઓછું પાણી આવ્યુ છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 251 તાલુકામાંથી 234 તાલુકામાં સરેરાશ 46.23 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 17 તાલુકા કોરાધાકોર રહ્યા છે. 234 તાલુકા પૈકી 153 તાલુકામાં 1 થી 50 મીમી, 55 તાલુકામાં 51 થી 100 મીમી, 14 તાલુકામાં 101 થી 150 મીમી, 5 તાલુકામાં 151 થી 200 મીમી, 2 તાલુકામાં 201 થી 250 મીમી, 3 તાલુકામાં 251 થી 300 મીમી અને 2 તાલુકામાં 301 થી 350 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વાપી તાલુકામાં 326 મીમી વરસાદ નોંધાયો છે.
50 ડેમમાં 25 ટકા કરતાં પણ ઓછું પાણી :
રાજ્યના 206 ડેમની સ્થિતિ જોઈએ તો 72 ડેમ હાઈ એલર્ટ પર, 15 ડેમ એલર્ટ પર અને 10 ડેમ વોર્નિંગ સ્ટેજ ઉપર છે. 58 ડેમ 100 ટકા ભરાઈને છલકાઈ ગયા છે. 39 ડેમ 70 થી 100 ટકા, 21 ડેમ 50 થી 70 ટકા, 38 ડેમ 25 થી 50 ટકા ભરાયા છે. જ્યારે 50 ડેમમાં હજુ પણ 25 ટકા કરતાં ઓછું પાણી છે.
રાજ્યના 288 માર્ગો પર વાહન વ્યવહાર બંધ :
રાજ્યમાં ભારે વરસાદના કારણે રસ્તાઓનું ધોવાણ થયુ છે. જેના કારણે 288 રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર બંધ છે. 288 માંથી 13 સ્ટેટ હાઈવે, 7 અન્ય હાઈવે અને 268 પંચાયતના માર્ગો બંધ છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ પંચાયતના 122 પંચાયતના, 1 સ્ટેટ હાઈવે અને 5 અન્ય હાઈવે બંધ છે. જ્યારે તાપીમાં 41, નવસારીમાં 34, સુરતમાં 25, વલસાડમાં 16, છોટાઉદેપુરમાં 11, નર્મદામાં 8 અને પોરબંદર જિલ્લામાં 6 રસ્તાઓ ઉપર વાહન વ્યવહાર બંધ કરાયો છે.
સુરત રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ :
તાપી નદીમાં પાણી વધતાં સુરત-રાંદેર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ઉકાઈ ડેમમાંથી 1.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તાપી અને સુરત જિલ્લાના જળાશયો છલકાયા છે. સુરતમાંથી પસાર થતી તાપી નદી પર રાંદેર સિગણપોર વચ્ચે બનાવવામાં આવેલા કોઝવેની સપાટી 6 મીટરે ભયજનક છે. હાલ કોઝવે ભયજનક સપાટી કરતાં 3 મીટર ઓવરફ્લો થયો છે. કોઝવેની 8.9 મીટર સપાટી નોંધાઈ છે. જેના કારણે વાહન વ્યવહાર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો હતો.
શનિવારથી પાણી છોડવાનું શરૂ કરાયુ :
24 ઓગસ્ટના રોજ ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતાં 1.23 લાખ ક્યૂસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. શનિવારે સાંજે 6 વાગ્યે ડેમની સપાટી 335 ફૂટ હતી. ત્યારે આવક-જાવક સવા લાખ ક્યૂસેક હતી. ત્યારે ડેમના 10 ગેટ 6 ફૂટ ખોલીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા હતા. ઉકાઈ ડેમના ઉપરવાસ મહારાષ્ટ્રના હથનુર ડેમમાંથી 66 હજાર ક્યૂસેક અને પ્રકાશા ડેમમાંથી 77 હજાર કયૂસેક પાણી છોડાઈ રહ્યું છે.
ગુજરાત પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય :
ગુજરાતમાં હાલ એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ થવાની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ અપાયુ છે. આગામી બે દિવસ દરમિયાન અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતાએ રેડ એલર્ટ જાહેર કરાયુ છે. બંગાળની ખાડી પર સર્જાયેલું લો પ્રેશર ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ પર સક્રિય થયું છે. આગામી 26 અને 27 ઓગષ્ટ દરમિયાન ગુજરાત સુધી પહોંચતાં ભારે વરસાદ વરસી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત