રાજ્યના 24 જિલ્લામાં 1039 શિક્ષકો ગેરહાજરઃ એક સપ્તાહની ઓનલાઈન હાજરીમાં ઘટસ્ફોટ
વિદ્યા સમીક્ષા કેન્દ્રની 9 થી 16 ઓગષ્ટની હાજરીમાં ખુલાસો

1039 teachers absent in 24 districts of state: One week of online attendance revealed

1039 teachers absent in 24 districts of state: One week of online attendance revealed
ગુજરાતમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા શિક્ષકોનો મામલો ચર્ચાસ્પદ બનતા ઓનલાઈન હાજરી બાબતે સવાલ ઉઠ્યા હતા. તેવામાં વિદ્યા સમીક્ષા કેન્દ્રએ આગલા સપ્તાહના જાહેર કરેલા આંકડામાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. 9 થી 16 ઓગષ્ટ સુધીના સપ્તાહ દરમિયાન રાજ્યના 24 જિલ્લા અને 4 મહાનગરોની સરકારી પ્રાથમિક શાળાના 1039 શિક્ષકો સતત ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 88 શિક્ષકો ગેરહાજર હોવાનો ખુલાસો થયો છે.
રાજ્યના શિક્ષણ વિભાગે તાજેતરમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 134 શિક્ષકોને સસ્પેન્ડ કર્યા હતા. તેમ છતાં ગુલ્લીબાજ શિક્ષકો સતત ગેરહાજર રહેતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. શિક્ષકો માટે ઓનલાઈન હાજરી ફરજિયાત કરી હોવા છતાં ગેરહાજર રહેવાનું પ્રમાણ વધી રહ્યુ છે. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોની ઓનલાઈન હાજરીનું મોનિટરિંગ કરવામાં આવે છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોનિટરિંગ દરમિયાન 9 ઓગષ્ટથી 16 ઓગષ્ટના સપ્તાહ દરમિયાન 1039 શિક્ષકો સતત ગેરહાજર જણાયા છે. 24 જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના 927 તેમજ 4 મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિના 112 શિક્ષકો સતત ગેરહાજર જણાયા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રએ જિલ્લા, તાલુકા અને ગામની પ્રાથમિક શાળા તેમજ નગર પ્રાથમિક શાળાના શિક્ષકોના નામજોગ યાદી જાહેર કરીને તેવા શિક્ષકોની યાદી જાહેર કરી છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રએ સતત ગેરહાજર રહેતા શિક્ષકોની યાદી હોવાનો તેમાં ઉલ્લેખ પણ કર્યો છે.
24 જિલ્લા શિક્ષણ સમિતિના 927 શિક્ષકો સતત ગેરહાજર :
રાજ્યના 24 જિલ્લાના 927 શિક્ષકો સતત ગેરહાજર જણાયા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રની જાહેર થયેલી 9 થી 16 ઓગષ્ટની યાદીમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 88 શિક્ષકો સતત ગેરહાજર જણાયા છે. બીજા નંબરે કચ્છ જિલ્લામાં 86 શિક્ષકો, પાટણમાં 25, મહેસાણામાં 55, સાબરકાંઠામાં 20, ગાંધીનગરમાં 73, અમદાવાદ જિલ્લામાં 47, સુરેન્દ્રનગરમાં 36, રાજકોટમાં 33, જામનગરમાં 21, પોરબંદરમાં 18, જૂનાગઢમાં 32, અમરેલીમાં 45, ભાવનગરમાં 57, આણંદમાં 35, ખેડામાં 70, વડોદરામાં 63, ભરૂચમાં 3, અરવલ્લીમાં 24, બોટાદમાં 19, દેવભૂમિ દ્વારકામાં 18, ગીર સોમનાથમાં 26, મહીસાગરમાં 10 અને મોરબીમાં 25 શિક્ષકો સપ્તાહ દરમિયાન ગેરહાજર રહ્યા છે.
4 નગર શિક્ષણ સમિતિના 112 શિક્ષકો ગેરહાજર :
અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત છે. ચારેય શહેરોમાં 112 શિક્ષકો ગેરહાજર જણાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 61, રાજકોટ શહેરમાં 8, વડોદરા શહેરમાં 17 અને સુરત શહેરમાં 26 શિક્ષકો 9 થી 16 ઓગષ્ટના સપ્તાહ દરમિયાન ગેરહાજર રહ્યા છે.
કેવી રીતે પૂરાય છે શિક્ષકોની ઓનલાઈન હાજરી ? :
સ્વીફ્ટ ચેટ કન્વેજીનિયસ નામની એપ્લીકેશન પર શાળાના આચાર્યનો રજિસ્ટર નંબર નાખેલો હોય છે. તેઓ શાળાના શિક્ષકોની ઓનલાઈન હાજરી પૂરતા હોય છે. જ્યારે શિક્ષકો તેમના વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા અને મધ્યાહન ભોજન લેતા બાળકોની સંખ્યા ઓનલાઈન સબમીટ કરતા હોય છે. ડાટા જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં કાર્યરત થયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે જતો હોય છે. ત્યારબાદ ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જતો હોય છે. હાલમાં જિલ્લા કક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રોમાં કોઈપણ સ્ટાફની નિમણૂક કરવામાં આવી નથી. પરંતુ, વધ પડેલા શિક્ષકોને કામગીરી સોંપવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ખાનગી, સરકારી અને ગ્રાન્ટેડ શાળાની ઓનલાઈન હાજરી પૂરવામાં આવે છે. દરેક પાળીની ઓનલાઈન હાજરીની વિગતો બપોરે 2 વાગ્યા સુધીમાં મળી જતી હોય છે.
સતત ગેરહાજર રહેતા 134 શિક્ષકોને બરતરફ કરાયા :
બનાસકાંઠાના પાન્છાની પ્રાથમિક શાળાના શિક્ષિકાની ગેરહાજરીના વિવાદ બાદ શિક્ષણ વિભાગે તમામ જિલ્લામાંથી ગુલ્લીબાજ શિક્ષકોની માહિતી મંગાવી હતી. જેમાં 27 જિલ્લા શિક્ષણ સમિતિના 145 શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યુ હતુ. 145માંથી 68 શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર, 56 શિક્ષકો વિદેશ પ્રવાસે, 18 શિક્ષકો બીમારી હેઠળ અને 3 શિક્ષકો સામે પોલીસ કેસ થયેલા હોવાથી ગેરહાજર છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર અને સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના 6 શિક્ષકો ગેરહાજર છે. 6 શિક્ષકો પૈકી 4 વિદેશ પ્રવાસે અને 2 શિક્ષકો બિનઅધિકૃત રીતે ગેરહાજર છે. 151 ગેરહાજર શિક્ષકો પૈકી 134 શિક્ષકોને શિક્ષણ વિભાગે બરતરફ કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?