Ahmedabad TRB Jawan Attack: અમદાવાદમાં ટ્રાફિક નિયમના ઉલ્લંઘન બાદ TRB જવાન પર હુમલાની ઘટના સામે આવી છે. અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ ટ્રાફિક સિગ્નલ હોવા છતાં રિક્ષા દોડાવતા ચાલકને રોકતાં મામલો ઉગ્ર બન્યો હતો. રિક્ષાચાલકે ફરજ પરના TRB જવાન રાહુલ પટણી સાથે મારામારી કરી હતી. જવાનને બચાવવા વચ્ચે પડેલા પોલીસકર્મી મનોજભાઈને પણ આરોપીએ ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા હોબાળો
મળતી માહિતી મુજબ, સોમવારે બપોરે અમદાવાદના સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પાછળના ગેટ પાસે TRB જવાન રાહુલ પટણી ટ્રાફિક નિયમનની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન રાયખડ ચાર રસ્તાથી જુમ્મા મસ્જિદ તરફ જઈ રહેલી એક રિક્ષા બંધ ટ્રાફિક સિગ્નલ હોવા છતાં પૂરઝડપે પસાર થઈ રહી હતી.
TRB જવાન રાહુલ પટણીએ રિક્ષાચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન રિક્ષા જવાનના હાથ સાથે અથડાઈ હતી અને રિક્ષાનો કાચ તૂટી ગયો હતો. કાચ તૂટતાં રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને રસ્તા વચ્ચે જ જવાન સાથે બોલાચાલી શરૂ કરી હતી.
‘મને હાથ કેમ કર્યો?’ કહી TRB જવાન સાથે મારામારી
રિક્ષાનો કાચ તૂટતાં રિક્ષાચાલકે ‘મને હાથ કેમ કર્યો?’ કહીને TRB જવાન સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બન્યો અને રિક્ષાચાલકે જાહેર રસ્તા પર જ TRB જવાન સાથે મારામારી શરૂ કરી હતી.
ભરબપોરે વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાથી આસપાસના વાહનચાલકો અને રાહદારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
બચાવવા આવેલા પોલીસકર્મીને પણ ધક્કો માર્યો
TRB જવાન સાથે મારામારી થતી જોઈ ફરજ પર હાજર પોલીસકર્મી મનોજભાઈ તેમને બચાવવા વચ્ચે પડ્યા હતા. જોકે, રિક્ષાચાલકે પોલીસકર્મી સાથે પણ ઝઘડો કર્યો હતો અને તેમને જોરદાર ધક્કો માર્યો હતો.
ધક્કો લાગતાં પોલીસકર્મી જમીન પર પટકાયા હતા. તેમને પગમાં ઈજા થતાં તેઓ લંગડાતા ચાલતા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ પોલીસે રિક્ષાચાલક જીગર સોલંકીની ધરપકડ કરી
ઘટનાની જાણ થતાં આસપાસમાં હાજર અન્ય પોલીસકર્મીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે રિક્ષાચાલકને કાબૂમાં લઈ તેની અટકાયત કરી હતી.
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ બહેરામપુરાના જીગર સોલંકી તરીકે થઈ છે. ઈ-ટ્રાફિક પોલીસે સરકારી કર્મચારી પર હુમલો, મારપીટ અને ફરજમાં અડચણ ઊભી કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી જીગર સોલંકીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરી વચ્ચે હુમલાની ઘટના
આ ઘટનાએ અમદાવાદમાં ટ્રાફિક નિયમોનું પાલન અને ફરજ પરના પોલીસ તથા TRB જવાનોની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા કર્યા છે. બંધ સિગ્નલ પર રિક્ષા રોકવાના મામલે શરૂ થયેલો વિવાદ મારામારી અને પોલીસકર્મી પર હુમલા સુધી પહોંચ્યો હતો.