રાજ્યમાં પોલીસ, વીજ કંપની સહિતની ભરતીની પરીક્ષાનાં પ્રશ્નપત્રો તો અત્યાર સુધી ફૂટતાં હતાં પણ હવે તો વડોદરા મહાનગર પાલિકા પણ વારે ચડી છે. વડોદરા પાલિકાનું પેપર ફૂટી ગયું છે. પાલિકાની દબાણ શાખાના ગેરકાયદે દબાણો હટાવવા માટેના આગામી 79 દિવસની ગુપ્ત પ્લાનની યાદીનું પેપર ફૂટી ગયું છે. આ યાદી લારી-ગલ્લા અને પાથરણાવાળાના હાથમાં પહોંચી ગઇ છે. કેટલાક દલાલો આ યાદીના રૂ. 5 હજાર સુધીના કાળાબજાર કરતા હોવાની ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ અને ફૂટપાથ પર લારી-ગલ્લા અને પાથરણાવાળાના 20 હજાર કરતાં વધુ દબાણો છે. આ દબાણો દૂર કરવામાં નક્કર નીતિના અભાવે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. પાલિકાની દબાણ શાખા અને વોર્ડ કક્ષાએ દબાણ હટાવવાની કામગીરી અસરકારક નહીં થતાં દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે. એક તબક્કે દબાણ શાખામાં હપ્તાખોરી ચાલતી હોવાના પણ આક્ષેપો થતા રહે છે.
દબાણની ફરિયાદ આવે એટલે શાખાના કર્મચારી-અધિકારીઓ તેને હટાવવા નીકળે. એકવાર દબાણ દૂર કર્યા પછી એની એ જ જગ્યાએ દબાણની સ્થિતિ ઠેરની ઠેર જ જોવા મળે છે. એટલું જ નહીં દબાણ હટાવવા નીકળે તે પહેલાં જ વિસ્તારોમાં જાણ થઇ જતાં લારી- પાથરણાવાળા હટી જતાં હોવાનું પણ લોકોએ અનુભવ્યું છે. જેથી દબાણ હટાવવા શાખાએ 79 દિવસ માટે અલગ-અલગ વિસ્તારમાંથી દબાણ હટાવવાની રૂપરેખા નક્કી કરી હતી.
જોકે, ફૂટેલા તંત્રના પાપે પાલિકાનું આ પેપર ફૂટી ગયું છે. દબાણ શાખાની તારીખ, વિસ્તાર અને સમય સાથેના પ્લાનની યાદી બહાર આવી ગઇ છે. દબાણ શાખા કયા દિવસે કયા વિસ્તારમાં દબાણ હટાવવા જવાની છે તેની જાણ કેટલાય લારી-ગલ્લા અને પાથરણાવાળાને થઈ ચૂકી છે. જે આયોજન ગુપ્ત રાખવાનું હતું એ જાહેર થયું છે. મહત્ત્વની વાત એ છે કે, આ યાદી દબાણ શાખાની દલાલી કરતા કેટલાક શખ્સોના હાથમાં ફરતી થઇ ગઇ હતી અને આ દલાલો લારી-ગલ્લાવાળાઓને તેમના વિસ્તારમાં દબાણ શાખા ક્યારે આવશે તેની માહિતી આપવા રૂ. 5 હજાર સુધીનાં નાણાં પડાવતા હોવાનું પણ જાણવા મળ્યું છે.
ફાયરબ્રિગેડના સિક્કા સાથેના લિસ્ટમાં 147 સ્થળે દબાણ હટાવવાનો ઉલ્લેખ હતો. દબાણ હટાવવાના ભાગરૂપે પાલિકા 3 માસના આગોતરા આયોજન કરતી હોય છે. આ કાર્યક્રમ લારી-ગલ્લા અને પથારાવાળા સુધી કેવી રીતે પહોંચી ગયો એ ખબર નથી. હવે પોલીસ બંદોબસ્ત પણ જલ્દી મળે છે. અગાઉ થયેલા આયોજન મુજબ દબાણ હટાવવાનું યથાવત્ રહેશે.રોજ 2 ટ્રક ભરી સામાન પણ મળતો હોય છે