શિક્ષણ વિભાગમાં લોલમલોલઃ ગુલ્લીબાજ અને ડમી શિક્ષકોથી બાળકોના શિક્ષણ સાથે ચેડાં
શિક્ષકોની ઘટ હોવા છતાં કેટલાંક શિક્ષકો વિદેશમાં સ્થાયી થઈ ગેરહાજર રહેતાં હોવાનો ઘટસ્ફોટ

Bully and dummy teachers tampering with children's education

Bully and dummy teachers tampering with children's education
શિક્ષણનું સ્તર સુધારવા માટે શિક્ષણ વિભાગ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા અનેક તાયફા કરતો હોય છે. પરંતુ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો વિદેશમાં સ્થાયી થઈને ગેરહાજર રહેતા હોવાનો તેમજ પોતાની જગ્યાએ ડમી શિક્ષકો મૂકી બાળકોના ભાવિ સાથે ચેડાં કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજ્યમાં અનેક કિસ્સા સામે આવતાં શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાન્છા ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષિકા ભાવના પટેલ છેલ્લાં 8 મહિનાથી ફરજ ઉપર હાજર થયા નથી. ભાવના પટેલ ઘણાં વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા હોવાનો અને તંત્રને જાણ કરી નહી હોવાનો ખુલાસો થયો છે. ઈન્ચાર્જ આચાર્યાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રીને લેખિત જાણ કરતાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. તેથી શિક્ષણ વિભાગે તપાસ કરીને કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
દાંતાના પાન્છાની પ્રાથમિક શાળાના શિક્ષિકા બાદ ખેડાના કપડવંજ અને બનાસકાંઠાના વાવ તાલુકામાં પણ બે કિસ્સા સામે આવ્યા છે. કપડવંજ તાલુકાની વાટા શિવપુરા પ્રાથમિક શાળાના આશિષ પટેલ નામના શિક્ષક અને વાવ તાલુકાના ઉચપા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક દર્શન પટેલ ગેરહાજર રહેતા હોવાનું બહાર આવ્યુ છે.
કપડવંજની વાટા શિવપુરા પ્રાથમિખ શાળાના શિક્ષક આશિષ પટેલ ગેરહાજર રહે છે છતાં પગાર મેળવી રહ્યા છે. જ્યારે તેમની જગ્યાએ વિજય નામનો ડમી શિક્ષક બાળકોને ભણાવતો હોવાનો ખુલાસો થયો છે.
શાળાની મુલાકાત લેતા તેનો ભાંડો ફૂટી ગયો હતો. તેથી ડમી શિક્ષકે સ્કૂલમાંથી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો. શાળાનાં આચાર્ય અરજણ રાઠોડને જાણકારી નહી હોવાનો લૂલો બચાવ કર્યો હતો. જ્યારે કપડવંજ તાલુકા વિકાસ અધિકારી મહિપત ચૌહાણને જાણ થતાં તેઓને જાણ નહી હોવાનું જણાવી તપાસ કરીને કાર્યવાહી કરવા કહ્યુ હતું.
બનાસકાંઠાના દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળા બાદ વાવ તાલુકાના ઉચપા ગામની પ્રાથમિક શાળાનો શિક્ષક દર્શન પટેલ પણ બે વર્ષથી કેનેડામાં સ્થાયી થયો હોવાનું જાણવા મળ્યુ છે. ત્રણેય ઘટના પરથી શિક્ષણ વિભાગની પોલમપોલ બહાર આવી છે.
શિક્ષણ તંત્રની મિલીભગતથી શિક્ષક દર્શન પટેલ સામે કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ છે. ઉચપા પ્રાથમિક શાળાનાં આચાર્ય બી.બી.બારોટે જણાવ્યું કે, દર્શન પટેલ 10-11-2022 થી શાળામાં રજા મંજૂર કરાવ્યા વગર ગેરહાજર છે. આ બાબતે શાળા અને એસએમસીએ તંત્રને વારંવાર જાણ કરવા છતાં કાર્યવાહી થઈ નથી.
બનાસકાંઠા અને ખેડાની માફક મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રણછોડપુરા ગામની પ્રાથમિક શાળાના શિક્ષિકા કવિતા દાસ 9 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર હોવાનુ સામે આવ્યુ છે. કવિતા દાસ 9 મહિનાથી વિદેશ સ્થાયી થયા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. શાળાના આચાર્યએ શિક્ષિકા કવિતા દાસ 9 મહિનાથી ગેરહાજર હોવાની શિક્ષણ વિભાગને લેખિત જાણ કરી છે.
કડીની રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકાને બે નોટીસ પાઠવી :
મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.શરદ ત્રિવેદીએ જણાવ્યુ કે, રણછોડપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા કવિતા દાસ શિક્ષણ વિભાગની મંજૂરી લઈને વિદેશ ગયા હતા. જે તે સમયે 3 મહિનાની સમય મર્યાદાની મંજૂરી આપવામાં આવી હતી. 3 મહિના બાદ હાજર નહી થતાં બે વખત નોટિસ આપવામાં આવી છે. પરંતુ, નોટિસનો જવાબ નહી આવતા નિયમાનુસાર શિક્ષિકા સામે કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષણ રાજ્યમંત્રીએ તપાસ કરવાની સૂચના આપી :
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ દાંતા તાલુકાના પાન્છા ગામની પ્રાથમિક શાળાની મહિલા શિક્ષિકા અંગે જણાવ્યુ કે, વિદેશમાં રહેતી શિક્ષિકાને 1 જાન્યુઆરી 2024 થી પગાર ચુકવાયો નથી. શિક્ષિકાએ ટુકડે -ટુકડે રજા પાડી છે. તેમણે ઉમેર્યુ કે શિક્ષિકાને પગાર ચુકવાયો હશે તો તપાસ કરવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રીએ તપાસ કરવાની ખાતરી આપી :
દાંતા તાલુકાની પાન્છા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકા વિદેશ સ્થાયી થયા હોવા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ કે, શિક્ષિકા અંગે પાસપોર્ટ ઓફિસથી લઈને હાજરી પત્રક સુધીની તપાસ કરવામાં આવશે. આ ઘટનાને છુપાવવામાં આવશે નહી. સમગ્ર ઘટના અંગે યોગ્ય તપાસ કરાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ