ગિરનાર લીલી પરિક્રમાને લઇને તંત્ર એક્શન મોડમાં, કલેક્ટરે રૂટનું કર્યું નિરીક્ષણ
પરિક્રમાના રૂટ પર જરૂરી સાઈન બોર્ડ મૂકવા નિર્દેશ

ગિરનાર લીલી પરિક્રમા

ગિરનાર લીલી પરિક્રમા
ગિરનાર પર્વત ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગિરનાર પર્વત પર સંખ્યા મંદિરોના દર્શન કરવાની સાથે સાથે તેની પરિક્રમા કરવાનું પણ ઘણું મહત્વ છે. વર્ષમાં એક વાર ગિરનાર પર્વતની પરિક્રમા યોજાય છે. ગિરનાર પર્વતની 5 દિવસ ચાલનાર આ પરિક્રમાને લીલી પરિક્રમા પણ કહેવામાં આવે છે. લીલી પરિક્રમા પગપાળા ચાલીને કરવામાં આવે છે.
ત્યારે આ વખતે ગિરનાર લીલી પરિક્રમાને લઇને તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવાસિયાએ ગિરનાર લીલી પરિક્રમાના રૂટના નિરીક્ષણ કર્યા બાદ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને પરિક્રમાર્થીઓ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે પણ જરૂરી સાઈન બોર્ડ મૂકવા નિર્દેશ કરવામાં આવ્યો હતો. પરિક્રમા રૂટ પર 1 હજાર કચરા પેટી લગાવાશે.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા સમાહર્તા અનિલકુમાર રાણાવસિયાએ ગિરનાર લીલી પરિક્રમામાં ગુજરાત અને દેશભરમાંથી પધારતા ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ પાસેથી પૂર્વ તૈયારીઓની વિગતો મેળવી હતી. આ સાથે શ્રદ્ધાળુઓને વીજળી, પાણી, આરોગ્ય, પરિવહન સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ન થાય તે માટે પણ ખાસ પ્રબંધ કરવા કલેકટરે સૂચના આપી હતી. આ માટે વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા પરીક્રમાર્થીઓને બાયોડીગ્રેડેબલ કાપડની થેલીનું પણ વિતરણ કરવામાં આવશે.
જિલ્લા કલેકટરશ્રીએ પરિક્રમા દરમિયાન સફાઈની વિશેષ તકેદારી લેવામાં આવે તે માટે પણ ભાર મૂક્યો હતો. આ વર્ષે પરિક્રમા દરમિયાન પણ સાફ-સફાઈ કરવાનું વન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સેવાકીય સંસ્થાઓ દ્વારા 1 હજાર જેટલી કચરા પેટીઓ પરિક્રમા રૂટ ઉપર રાખવામાં આવશે. ઉપરાંત દામોદર કુંડ, ભવનાથ સહિતના વિસ્તારની સફાઈ માટે મહાનગરપાલિકાની વધારાની ટીમો પણ કાર્યરત રહેશે. કલેક્ટરએ ફ્રી વાહન પાર્કિંગના સાઈન બોર્ડ અને પરિક્રમમાંથીઓ પણ પરિક્રમાનો રૂટ ન ભટકે તે માટે જંગલમાં સાઈન બોર્ડ મૂકવા નિર્દેશ આપ્યા હતાં.
ભાવિકોની સુરક્ષા અને મદદ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. જંગલમાં આગના બનાવોને અટકાવવા માટે દવ ટૂકડીઓ કાર્યરત રહેશે. ઉપરાંત ફાયર ફાઈટરની સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, નાયક વન સરક્ષક અક્ષય જોશી, નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર અજય ઝાપડા સહિત પીજીવીસીએલ, આરોગ્ય, પાણી પુરવઠા સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેકટર અનિલકુમાર રાણાવાસિયાની પહેલથી CPR - કાર્ડીયો પલ્મનરી રીસસીટેશન એટલે કે, હૃદય અને ફેફસાને પુનઃજીવિત કરવાની પ્રક્રિયાની ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ બજાવનાર અધિકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આજે કલેકટર કચેરી ખાતે જુદા જુદા વિભાગના અધિકારી કર્મચારીઓને CPRની પ્રત્યક્ષ તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમના માધ્યમથી હૃદય બંધ પડી જવા કે કાર્ડિયાક એરેસ્ટની સ્થિતિમાં તબીબી સેવાઓ સાથે સંકળાયેલ નથી તેવા સામાન્ય લોકો પણ લોકોનો જીવ બચાવી શકે છે. આ તાલીમ આપનાર ડો. અંજલી ઉનડકટ જણાવે છે કે, હૃદય અને ફેફસાને પુન: જીવિત કરવાની પ્રક્રિયા એટલે કે CPR દ્વારા લોકોનો જીવ બચાવી શકાય છે. ખાસ કરીને ગિરનાર લીલી પરિક્રમાનો રૂટ લાંબો અને ચઢાણ વાળો હોવાથી ડીહાયડ્રેશનના કારણે બેભાન થઈ જાય કે, હૃદય બંધ પડી જવાની સ્થિતિમાં CPR દ્વારા ટૂંકા ગાળામાં લોકોનો જીવ બચાવી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ